આણંદની 25 વર્ષીય પરિણીતા 17 વર્ષના કિશોરને લઈને ભાગી ગઈ અને...

PC: mistay.in

સામાન્ય રીતે મોટી વયના યુવક નાની વયની સગીરાને ભગાડી જતા હોય છે. પણ આણંદ જિલ્લામાંથી એક વિપરીત કિસ્સો સામે આવ્યો છે. એક 25 વર્ષની યુવતી 17 વર્ષના કિશોરને પોતાની સાથે ભગાડી ગઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. આંકલાવ પોલીસે યુવતીને કિશોર સાથે સુરતથી ઝડપી પાડીને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આંકલાવના બિલપાડ ગામનો 17 વર્ષનો કિશોર હઠીપુરા ગામ નજીક આવેલી એક નર્સરીમાં કામ કરતો હતો. એની સાથે નોકરી કરતી 25 વર્ષની યુવતી ગાયત્રી સાથે પરિચય થતા બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. તા.27 મે ના રોજ વહેલી સવારે કિશોર પોતાના ઘરેથી એકાએક ગુમ થઈ ગયો હતો.

પરિવારજનોએ નર્સરીમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, નર્સરીમાં જ કામ કરતી યુવતી ગાયત્રી સાથે તે રીલેશનશિપમાં હતો. ગાયત્રી પણ અહીં નર્સરીમાં નોકરી કરી રહી હતી. એ દિવસે ગાયત્રી પણ નોકરીએ આવી ન હોવાનું જાણવા મળ્યું હતું. કિશોરના પરિવારજનોએ ગાયત્રીના ઘરે તપાસ કરી તો તે ત્યાં પણ ન હતી.

આથી ગાયત્રી કિશોરને ભગાડી ગઈ હોવાની આશંકા પ્રબળ બની હતી. આ મામલે કિશોરના પિતાએ આંકલાવ પોલીસ સ્ટેશનમાં ગાયત્રી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. આ કેસમાં આંકલાવ પોલીસે તપાસ કરતા તેઓ બંને સુરતમાં રહેતા હોવાની ચોક્કસ બાતમી આંકલાવ પોલીસને મળી હતી. પોલીસની એક ટીમે સુરતના વરાછા વિસ્તારમાં જઈને ગાયત્રી અને આ કિશોરને ઝડપી પાડ્યા હતા. પોલીસે પ્રાથમિક ધોરણે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, કિશોર પોતાના ઘરમાંથી રૂ. 5000 અને ગાયત્રી રૂ. 7થી 8 હજારની રોકડ રકમ લઈને ઘરેથી નાસી છૂટ્યા હતા.

પ્રેમ સંબંધનો મામલો છે. બંને વરાછા વિસ્તારમાં ભાડે મકાન રાખીને રહેતા હતા. ગાયત્રીએ પોતાના મકાન માલિકને ત્રણ મહિનાનું ભાડું ચુકવી દીધું હતું. આ ઉપરાંત, કિશોર સુરતમાં નોકરીમાં લાગી ગયો હતો. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ યુવતીના અગાઉ પણ બે વખત લગ્ન થયા હતા. અગાઉ છૂટાછેડા થઈ ગયા છે. આ પહેલા બોરસદ ખાતે એની સગાઈ પણ નક્કી થઈ ગઈ હતી. યુવતી જાણતી હોવા છતાં કિશોરને પોતાની સાથે લઈને ભાગી ગઈ હતી. આ મુદ્દે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp