બેનની વિદાય, હવે ભાજપની મહિલા પાંખનો કોણ બેલી?

PC: newindianexpress.com

ગુજરાતભરમાં ભાજપની મહિલા પાંખ માટે કદાવર નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા આનંદીબેન પટેલની સક્રીય રાજકારણમાંથી ભવ્ય વિદાય કરવામાં આવી રહી છે. કમલમ ખાતે બેનને વિદાય આપવાના કાર્યક્રમનું નામ સન્માન અને અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો છે. બેનની વિદાય બાદ ભાજપ મહિલe મોરચા અને મહિલા પાંખ માટે શૂન્યવકાશ સર્જાશે એ વાત નક્કી હોવાનું ભાજપના વર્તુળો જણાવી રહ્યા છે.

ગુજરાતની મહિલાઓને ભાજપ તરફ વાળવા માટે આનંદીબેન પટેલના ભગીરથ પ્રયાસોને કોઈ નકારી શકે એમ નથી. ખાસ કરીને પાટીદાર સમાજની મહિલાઓના સંગઠનને બેઠું કરવામાં આનંદીબેન પટેલ દ્વારા લાગલગાટ 30 વર્ષ સુધી કામ કરવામાં આવ્યું હતું. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકેનું બહુમાન મેળવી જનારા આનંદીબેન પટેલે મધ્યપ્રદેશના રાજ્યપાલ બનવાનું સ્વીકાર્યા બાદ ગુજરાતના સક્રીય રાજકારણમાંથી ભાજપના કદાવર મહિલા નેતાની ખોટ ભાજપને પડ્યા વગર રહેવાની નથી.

આનંદીબેન પટેલ બાદ ગુજરાત ભાજપ પાસે હવે તેમના જેટલું વજનદાર નામ દેખાતું નથી. મહિલા પાંખ કાર્યરત છે પરંતુ આનંદીબેનની જેમ મહિલા કાર્યકરો પડ્યો બોલ ઝીલે તેવા મહિલા નેતાઓનો અભાવ જરૂરથી જોવા મળવાનો છે. બેન પછીની મહિલા કેડરમાં નામ યાદ કરવા પડે છે એમ છે.

હાલ તો ભાજપ પાસે મહિલા નેતા ગોતવા જવું પડે એવી વિડંબના છે. ટીકીટથી લઈ મંત્રીમંડળમાં ભાજપે મહિલાઓને જોઈએ તેટલું પ્રતિનિધિત્વ આપ્યું નથી. આનંદીબેન મહિલાઓ માટે પક્ષની અંદર અને જરૂર પડ્યે તો અન્ય પ્લેટફોર્મ પર પણ અવાજ ઉઠાવ્યો છે. એક મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલને ગુજરાત સદા યાદ રાખશે.

નીમાબેન આચાર્ય, વિભાવરીબેન દવે વગેરે નામો ભાજપ પાસે છે પરંતુ મહિલાઓના સંગઠન પર મજબૂત પકડ રાખનારા આનંદીબેન સરીખા નેતાનો અભાવને લાંબાગાળા સુધી કોરી ખાશે એ હકીકત હોવાનું ભાજપના વર્તુળો જણાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp