20 દિવસ સુધી દેખાશે ભારત પરથી પસાર થતો ધૂમકેતુ, પછી 6000 વર્ષ સુધી નહીં દેખાય

PC: NASA

14 જુલાઈ, 2020 એટલે કે આવતીકાલથી 20 દિવસો સુધી આકાશમાં એક સુંદર ચમકતો મહેમાન દેખાશે. આ વખતનો અવસર ચુક્યા તો પછી આવતા 6 હજાર વર્ષ સુધી તે નજારો જોવા નહીં મળશે. એક સુંદર ધૂમકેતુ એટલે કે કોમેટ ભારત પરથી પસાર થતો નજરે પડશે એટલે કે તમે નરી આંખોથી 14 જુલાઈથી લઈને 20 દિવસો સુધી રોજ સવાર થાય તેની 20 મિનિટ પહેલા સુધી તેને જોઈ શકશો. અંતરિક્ષમાંથી આવેલા આ મહેમાનનું નામ નિયોવાઈઝ (Neowise) કોમેટ એટલે કે ધૂમકેતુ છે. જેનો આગળનો ભાગ ઝડપથી સળગતો નીકળે છે. તેની પાછળ નાનકડી કે લાંબી પૂંછડી હોય છે. તેના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

નિયોવાઈઝને અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસા (NASA)એ આ વર્ષે માર્ચમાં શોધ્યો હતો. તે આપણી ધરતીની ખૂબ નજીક 22 અને 23 જુલાઈએ રહેશે. ત્યારે ધરતીથી તેનું અંતર લગભગ 10.3 કરોડ કિમીથી વધારે હશે. ધરતીના ઘણા ભાગોમાં ધૂમકેતુ નજરે પડ્યો છે. હવે વારો છે ભારતનો. પરંતુ એ પહેલા તેને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પણ જોવામાં આવ્યો હતો. જ્યારે તે પૃથ્વી તરફ વધી રહ્યો હતો, ત્યારે તેના ફોટા એસ્ટ્રોનોટ બોંબ બેનકેને લીધા હતા. NASAના જણાવ્યા અનુસાર, નિયોવાઈઝ સૂર્યની ચારે તરફ પોતાનું ચક્કર 6800 વર્ષોમાં એકવાર લગાવે છે. એટલે કે આપણાં સૌર મંડળમાં હવે પછી આ નજારો હજારો વર્ષો પછી દેખાશે. એટલે કે આપણી ધરતી પર હવે તે 6000 વર્ષ બાદ જ જોવા મળશે. તેને જોનારાઓ માટે સારી ખબર એ છે કે તેને તમે નરી આંખે, સામાન્ય દૂરબીનથી પણ જોઈ શકો છો. જો તમારી પાસે એસ્ટ્રોનોમિકલ દૂરબીન છે તો નજારો વધુ સારો દેખાશે.

તમે તેને સવારના અજવાળા પહેલા બરોબર અડધા કલાક સુધી જોઈ શકશો, એટલે કે જો સૂરજ સવારે 5 વાગ્યે ઊગતો હોય તો તમે તેને 4:15-04:45 વાગ્યાની વચ્ચે ઉત્તર-પશ્ચિમની દિશામાં જોઈ શકો છો. આ કોમેટને વૈજ્ઞાનિક C/2020 F3 NEOWISE કહે છે. એમ પણ બની શકે કે, જ્યારે તમે તેને જોવ ત્યારે તમને આકાશમાં કંઈક હળવી આતશબાજી પણ જોવા મળી જાય. આ કોમેટનું નામ નિયોવાઈઝ, નાસાના નિયર-અર્થ ઓબ્જેક્ટ વાઇડ સર્વે એક્સપ્લોરર (NEOWISE) મિશનના નામ પરથી રાખવામાં આવ્યું છે. કારણ કે આ મિશને આ ધૂમકેતુની શોધ 27 માર્ચ, 2020ના રોજ કરી હતી. એ સ્પેસક્રાફ્ટને વર્ષ 2009માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ધૂમકેતુ નિયોવાઈઝનો અભ્યાસ કરનારી નાસાની વૈજ્ઞાનિક એમી મેંજર જણાવે છે કે, આ ધૂમકેતુની લંબાઈ લગભગ 5 કિમી છે. નિયોવાઈઝના કેન્દ્રનો જન્મ લગભગ 4.6 બિલિયન વર્ષ પહેલા થયો હશે. ત્યારથી તે પોતાના ચક્કર દરમિયાન આપણાં સૌર મંડળમાંથી પસાર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp