મધ્ય પ્રદેશની મહિલા મંત્રીએ હવે આપ્યું સરકારી ખર્ચે ચાલતા મદ્રેસાઓ પર આ નિવેદન

PC: ndtv.com

મધ્યપ્રદેશમાં આજકાલ રાજકીય નેતાઓની જીભ લપસી રહી છે. હજુ તો કોંગ્રેસના નેતા કમલનાથના આઇટમ વાળા બયાનની બબાલ અટકી નથી ત્યાં મધ્યપ્રદેશના ભાજપના મહિલા નેતાએ વિવાદિત નિવેદન કરીને વિવાદનો મધપુડો છંછેડી દીધો છે. નેતાઓના એક પછી એક નિવેદનને કારણે મધ્યપ્રદેશમાં રાજકારણ જબરદસ્ત ગરમાયું છે. ભાજપના મહિલા નેતાએ દેશભરમાં મદ્રેસાઓ બંધ કરવાની વાત કરી હતી.

મધ્યપ્રદેશમાં અત્યારે નિવેદનો પર બબાલ મચી રહી છે. નેતાઓના બિગડે બોલ અટકવાનું નામ નથી લેતા. કમલનાથે ભાજપની મહિલા નેતાને આઇટમ કહેતા ભાજપે બબાલ મચાવી હતી, તો હવે  મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ સરકારની મંત્રી ઉષા ઠાકુરનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ઉષા ઠાકુરે દેશભરમાં મદ્રેસાઓ બંધ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે,ભોજન બધાને મળવું જોઇએ, પરંતુ સંવિધાનની અલગ પરિભાષા ન થાય. બાળકો, બાળકો જ હોય છે અને વિદ્યાર્થી, વિદ્યાર્થી જ હોય છે. બધાની સામૂહિક શિક્ષા જ હોવી જોઇએ.ઉષા ઠાકુરે વધુમાં કહ્યું હતું કે, ધર્મ આધારિત શિક્ષા કટ્ટરતા પેદા કરે છે. મંત્રીનું કહેવું છે કે, મદ્રૈસાઓ દ્વેષભાવના ફેલાવી રહી છે.બધા બાળકોને સમાન શિક્ષા જ આપવી જોઇએ.

ભાજપના મંત્રી ઉષા ઠાકુરે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે,કટ્ટરવાદ અને આંતકવાદ મદ્રૈસાઓમાંથી જ પેદા થાય છે અને મોટા થાય છે.જમ્મૂ-કશ્મીરને આતંકવાદની ફેકટરી બનાવી દીધી હતી. એવા મદ્રૈસા,જે રાષ્ટ્રવાદથી, જે સમાજની મુખ્યધારાથી નથી જોડાઇ શકતા તેમને આપણે શિક્ષા સાથે જોડીને સમાજને બધાની પ્રગતિ માટે એક સાથે આગળ લઇ જવું જોઇએ.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આસામમાં રાષ્ટ્રવાદમાં બાધા ઉભી કરનાર મદ્રૈસાને બંધ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રહિતની ન હોય તેવી પ્રવૃતિઓ બંધ થવી જોઇએ. મદ્રૈસાઓને શાસકીય સહાયતા પણ બંધ કરી દેવી જોઇએ, કારણ કે વક્ફ બોર્ડ પોતે એક સક્ષમ સંસ્થા છે. કોઇ વ્યકિતગત રીતે પોતાના ધર્મ સંસ્કાર આપવા માંગતા હોય તો સંવિધાન છુટ આપે છે.

આમ પણ  ચૂંટણી આવે ત્યારે રાજકીય નેતાઓને બોલવાનું જોમ ચઢી જતું હોય છે. જે નેતાઓને તેમના પ્રદેશના લોકો સિવાય કોઇ ઓળખતું ન હોય તેમને વિવાદીત નિવેદન પછી આખો દેશ જાણતો થઇ જતો હોય છે. આ વાત રાજનેતાઓ હવે સારી રીતે સમજી ગયા છે. સીધા સાદા કે પ્રોત્સાહિત નિવેદનોની કોઇ નોંધ લેશે નહીં એટલે આડુઅવડું બોલીશું તો જ પ્રકાશમાં આવીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp