માંડવી પ્રા.શિ. સંઘ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા ધારાસભ્યને કરાઇ રજૂઆત

PC: Khabarchhe.com

દેશભરમાં શિક્ષકો જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માગણી કરી રહ્યા છે તેનો પડઘો ગુજરાતમાં પણ પડ્યો છે. માંડવી તાલુકાના શિક્ષક સંઘના પ્રમુખ મરુવ્રતભાઈ ચૌધરી, કાર્યવાહક પ્રમુખ નટુભાઇ ચૌધરી અને મહામંત્રી રાયસિંગભાઈ ચૌધરીની આગેવાનીમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીને રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષક સંઘના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, નવી પેન્શન યોજનામાં નજીવી રકમ પેન્શન સ્વરૂપે મળે છે. આ રકમથી શિક્ષકને પરિવાર સાથે ગુજરાન ચલાવવું મુશ્કેલી પડે છે. જેથી જૂની પેન્શન યોજનાને ચાલુ કરવામાં આવે.

તેમના જણાવ્યા મુજબ આ સંદર્ભે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તથા મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી ચુકી છે તથા દિલ્હીના જંતરમંતર પર ધરણા તથા આંદોલન પણ કરવામાં આવ્યા છે આ આંદોલનના પરિણામ સ્વરૂપ કેટલાક રાજ્યમાં જૂની પેન્શન યોજનાની અમલવારીની શરૂઆત કરવામાં આવી રહી છે. તો ગુજરાતમાં પણ નવી પેન્શન યોજનાની જગ્યાએ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેવી અમારી માગણી છે. આ પહેલા ઠસરા અને કપડવંજ તાલુકામાં પ્રાથમિક શિક્ષકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું.

જેમાં નવી પેન્શન યોજના રદ્દ કરીને જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માગણી કરવામાં આવી હતી. શિક્ષણ અધિકારી સાથે સ્થાનિક ધારાસભ્યોને પણ આવેદનપત્ર આપ્યું હતું. એ સિવાય આણંદ જિલ્લાના 8 ધારાસભ્યોને દરેક તાલુકા સંઘ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એક રિપોર્ટ મુજબ 1 માર્ચ, 2005થી નવી પેન્શન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી તેથી તે પહેલા શિક્ષણ સેવામાં જોડાયેલા શિક્ષકો જૂની પેન્શન યોજનાના હક્કદાર ગણાય છે પણ ત્યારબાદ, શિક્ષણ સેવામાં જોડાયેલા શિક્ષકો નવી પેન્શન યોજનાના હક્કદાર છે.

આવેદન પત્રમાં આપેલ કારણો પ્રમાણે નવી યોજનામાં શિક્ષકને 30-35 વર્ષની નોકરી પછી નજીવી રકમ પેન્શન સ્વરૂપે મળે છે જેમાં પાછલા જીવનમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બને છે. ગુજરાતમાં હાલમાં નવી પેન્શન યોજના લાગુ છે તેની જગ્યાએ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તો રાજ્યના બે લાખથી વધારે પ્રાથમિક શિક્ષકોનું હિત જળવાય તેવી શિક્ષકોની માગણી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp