સોલાર સિટી ગાંધીનગર ન બન્યું, દીવ બે વર્ષમાં જ બની ગયું

PC: optimistdaily.com

ગાંધીનગરને સોલાર શહેર બનાવવા માટે ભાજપના સત્તાધીશો છેલ્લાં 10 વર્ષથી આયોજન કરી રહ્યાં છે. પણ ગુજરાતના દરિયા કિનારા પર આવેલા દીવ સંપૂર્ણ રીતે સોલાર આધારિત ઇલેક્ટ્રીસિટી ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો બની ગયો છે. પ્રવાસન વ્યવસાય આધારિત આ શહેરમાં દિવસે ગુજરાતની વીજળીની જરૂર રહેતી નથી. દીવના મલાલા સ્થિત 50 એકરમાં સૂર્ય ઊર્જા પેનલ લગાડવામાં આવતા દિવસ દરમિયાન દીવ જિલ્લાને જે વીજળીની જરૂર પડે છે એના કરતાં પણ વધુ ઉત્પાદન થાય છે. 2016મા સૌપ્રથમ 3 મેગાવોટનો પ્લાન્ટ કાર્યરત કરાયો હતો. ત્યારબાદ એ જ જગ્યા પર વધુ 6 મેગા વોટનો પ્લાન્ટ નખાયો હતો. જે કાર્યરત થતા અને સાથે સરકારી વિવિધ 79 કચેરીમાં પણ અગાશી પર સોલાર રૂફટોપ નંખાતા એમાં 1.27 મેગા વોટ વીજળી ઉત્પન્ન થાય છે. આમ 9 મેગાવોટ સોલાર પ્લાન્ટથી અને 1.27 મેગાવોટ અગાશી પરથી વીજળી મળે છે, આમ કુલ 10.27 મેગાવોટ વીજળી સોલાર દ્વારા મળે છે.

સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ દીવ જિલ્લાની કુલ વસ્તી 50,000 આસપાસ છે અને 40 કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. દીવમાં દિવસ દરમિયાન 6-7 મેગાવોટ વીજળીની જરૂરત રહે છે ત્યારે 10.27 મેગાવોટ વીજળી સોલાર દ્વારા મળતાં દીવ દિવસ દરમિયાન વીજળીની બાબતમાં સરપ્લેસ બન્યું છે. ભારતનો પ્રથમ એવો જિલ્લો કે જેની વીજળીની માગ સોલાર પ્લાન્ટ દ્વારા પૂરી થાય છે. તો બીજી તરફ આ જ જગ્યા પર આ વર્ષના અંત અથવા આવતા વર્ષ સુધીમાં વીન્ડ પ્રોજેક્ટ કાર્યરત થશે. જેમાં 7 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. ત્યારે રાત્રી દરમિયાન જે વીજ માગ છે તે પણ પૂરી થશે. દેશનો પ્રથમ જિલ્લો હશે જેને કુદરતી સોર્સ દ્વારા ક્લિન વીજળી મળતી હશે.

ગાંધીનગર સોલાર સિટી ન બની શક્યું

ગાંધીનગર માટે રૂ.42 કરોડ જેવી જંગી રકમની જોગવાઈ 2016-17મા કરી હતી. 10 મેગાવોટના બે પાવર પ્લાન્ટ કાર્યાન્વિત કરવામાં આવ્યા છે અને રૂફટોપ પોલિસી અમલી કરવામાં આવી છે. જેમાં ખાનગી મિલકતધારક પણ પોતાના મકાનના ધાબા પર સોલર સિસ્ટમ લગાડાવીને વીજળીનું ઉત્પાદન કરી પોતાના ઘરમાં તેનો ઉપયોગ કરવાની સાથે જો વાપરતા વીજળી વધે તો તે સરકારને વેચીને કમાણી કરી શકે છે. આ ઉપરાંત છેલ્લા 5 વર્ષ દરમિયાન પાટનગર સ્થિત મોટા ભાગની સરકારી કચેરીઓના ધાબા પર સોલર પેનલ મૂકીને વીજ ઉત્પાદન કરાઈ રહ્યું છે. બીજી બાજુ સરકારી બંગલા ટાઇપ આવાસોમાં સોલર વોટર હિટર અને એક પંખો તથા બે ટ્યુબલાઇટ ચાલે તેવી ક્ષમતાની સોલર સિસ્ટમ લગાડવામાં આવી છે. જે ચાલતી નથી. પણ ગાંધીનગરને સોલાર સિટી બનાવવામાં ભાજપની સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે.

ગુજરાત રાજ્ય મોડેલ વિકાસમાં સોલાર સિટી પ્રોજેક્ટ અંગે નબળું પડી ગયું છે. જે નબળા શાસનનો પુરાવો છે. રૂફ ટોપ સોલાર પ્રોજેક્ટ તરીકે શરૂ કરેલો એક માસ્ટર પ્રોજેક્ટ થોડા ડગ ચાલ્યો ત્યાર બાદ અટકી ગયો છે. સરકારી શરતો અને માપદંડ એવા હતા કે ખાનગી મકાનમાલિકોએ સરકારને જાકારો આપી દીધો છે. તે નિષ્ફળ જતાં સરકારી ઈમારતો પર જ વીજ ઉત્પાદન કરવાની ફરજ પડી હતી. અમદાવાદમાં પણ સૂર્ય ઊર્જા માટે જાહેરાત કરાઈ હતી પણ તેનો ક્યાંય અમલ થયો નથી.

કેન્દ્ર સરકારે ગુજરાતની મજાક કરી

કેન્દ્ર સરકારે ગાંધીનગરને આદર્શ સોલાર સિટી જાહેર કરીને માત્ર રૂ. 9.50 કરોડ અને સુરત તેમજ રાજકોટ શહેરને અઢી કરોડ રૂપિયા ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં મોડેલ સોલાર સિટી, રાજકોટને પાઇલોટ સોલાર સિટી અને સુરતની રિન્‍યુએબલ એનર્જી પ્રોજેક્‍ટ માટે પસંદગી કરવામાં આવી હતી. જેડા દ્વારા કેટલા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે અંગે પણ સવાલ ઊઠી રહ્યા છે. દેશના 50 શહેરોને આ રીતે સૂર્ય ઊર્જા માટે પસંદ કરાયા હતા. જેમાં ગુજરાતનાં ત્રણ શહેરોમાં તો કંઈ થયું જ નથી.

ગુજરાતની ખાનગી વીજ કંપનીઓ ટોરેન્ટ, એસ્સાર, અદાણીને ફાયદો કરાવી આપવા માટે સૂર્ય ઊર્જા માટે આજ સુધી માત્ર જાહેરાત ભાજપ સરકારે કરીને લોકોને છેતરવાનું કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp