ગુજરાતના 89 વર્ષના વરિષ્ઠ તબીબ ડૉ.રોહિત ભટ્ટે કોરોનાની રસી મૂકાવી

PC: khabarchhe.com

સુકાનીઓ સેનાની મોખરે રહીને લડે તો સૈનિકો નો જુસ્સો બુલંદ થાય અને સહુ બમણાં જોશથી લડે એવો યુદ્ધનો પ્રચલિત નિયમ છે. હવે મેદાની યુધ્ધો ભૂતકાળની રમ્ય કથા બની ગયાં છે.પરંતુ આજે આખું વિશ્વ કોરોના સામે આરોગ્યના યુદ્ધનો મોરચો માંડીને બેઠું છે અને ઇન્દ્ર ના અચૂક આયુધ વજ્ર જેવી રસી આ રોગ સામેની લડાઇના બ્રહ્માસ્ત્ર તરીકે ઉતારવામાં આવી છે.

હાલમાં વડોદરા શહેર અને જિલ્લામાં રાજ્ય સરકારના આરોગ્ય તંત્ર દ્વારા કોવીડની રસી મૂકવાનું શરૂ કરાયું છે.તેમાં રસીનો પહેલો લાભ આરોગ્ય ક્ષેત્રના સહુથી મોખરાના કોરોના લડવૈયાઓ ને,સરકારી કે ખાનગી દવાખાના ના ભેદ વગર આપવામાં આવી રહ્યો છે. આજે ત્રીજી વાર યોજાયેલા રસીકરણ અભિયાનમાં એક અદ્ભુત ઘટના ઘટી છે.ભાઈલાલ અમીન હોસ્પિટલના 89 વર્ષના વરિષ્ઠ સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ.રોહિત ભટ્ટે બુલંદ જુસ્સો પ્રદર્શિત કરતા હોંશે હોંશે રસી મુકાવી હતી.તેઓ વડોદરામાં ચોક્કસ પણે સહુથી મોટી ઉંમરે રસી મુકાવનારા પ્રથમ વ્યક્તિ બન્યા છે.કદાચ સમગ્ર ગુજરાતમાં વયોવૃદ્ધ ઉંમરે રસી લેનારા પ્રથમ વ્યક્તિ ડૉ.રોહિત ભટ્ટ હોય એવી ઉજળી શક્યતા છે. આટલી મોટી ઉંમરે સક્રિય પ્રેક્ટિસમાં હોય એવા ગુજરાતના જૂજ ડૉક્ટરોમાં તેમનો સમાવેશ ચોક્કસ થતો જ હશે.

રસી લીધા પછી દેવાનંદ જેવા સદા બહાર આ વરિષ્ઠ અને અનુભવી તબીબે જણાવ્યું કે, વેક્સીનથી જ કોરોનાને મહાત કરી શકીશું. કોરોના કરતાં કોરોનાની બીક વધુ જવાબદાર છે.કોરોના એટલો ખરાબ નથી. સમયસર સારવાર લેવામાં આવે તો રોગ મુક્ત થઈ શકાય છે.એટલે અફવાઓથી ડર્યા વગર બધાએ રસી લેવી જોઈએ.

વડોદરા શહેર અને જિલ્લામાં ચાલતા કોરોના રસીકરણનું એક ધ્યાનાકર્ષક અને ઉજળું પાસુ એ છે કે સરકારી અને ખાનગી દવાખાનાઓના બડા બડા ડૉક્ટર સાહેબો અને કોર્પોરેટ હોસ્પિટલોના સંચાલકો એ સામે ચાલીને રસી મુકાવી છે. થોડાં દાખલા જોઈએ તો સેવા સંસ્થા અને આરોગ્ય તીર્થ મુનિ સેવા આશ્રમના મુખ્ય વહીવટદાર સ્વાતિ પંડ્યા,પારુલ હોસ્પિટલ ના ચેરમેન ડૉ.દેવાંશુ,ભાઈલાલ અમીન હોસ્પિટલના ટ્રસ્ટી બરખા અમીન, ટ્રાયકલર હોસ્પિટલના ડૉ. પરબીંદર સીંઘ, ડૉ.ઇન્દ્રજીત, ધીરજ હોસ્પિટલના વરિષ્ઠ તબીબો,સયાજી હોસ્પિટલના અધિક તબીબી અધિક્ષક ડો હેમંત માથુર, ગોત્રી હોસ્પિટલના વહીવટી નોડલ અધિકારી ડૉ.શીતલ મિસ્ત્રી, ડૉ.વિજય શાહ, હૃદય રોગ નિષ્ણાત ડૉ.વી.સી.ચૌહાણ,વિભાગીય નાયબ આરોગ્ય નિયામક ડૉ.રાજેન્દ્ર પાઠકજી, જમના બાઈ હોસ્પિટલ ના સિવિલ સર્જન ડૉ.મિશ્રા જેવા કોરોના સામેની લડાઇ ના મોખરાના સુકાનીઓ એ સહુથી પહેલાં રસી લઈને ,કોરોનાથી સાવધ રહો પણ રસી તો નીડર બનીને લો એવો પ્રેરક સંદેશ આપ્યો છે.

આ બાબતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટિલાવતે ખૂબ રસપ્રદ જાણકારી આપતાં જણાવ્યું કે વડોદરા શહેર અને જિલ્લામાં સરકારી અને ખાનગી તબીબી સંસ્થાઓના 20 કન્સલ્તન્ટ તબીબો,10 પ્રોફેસર અને ડીન, રેસીડેન્ટ ડૉક્ટરો સહિત 184 તબીબી અઘિકારીઓ અને 10 આયુષ તબીબો સહિત કુલ 224 આરોગ્ય તંત્રના સુકાની કહી શકાય એવા લોકોએ હોંશે હોંશે રસી મુકાવી છે.

આજે પણ પાદરા સામુદાયિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી ડૉ. શ્યામકૂમાર સિંહા એ પાદરા તાલુકામાં પહેલી રસી મુકાવી હતી.સોખડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી અધિકારી ડૉ.નેહા દેસાઈ એ રસી મુકાવી સહુને પ્રેરણા આપી હતી. યુધ્ધમાં સફળતા માટે સેનાપતિ મોખરે રહીને સેનાને દોરે એ મહત્વનું છે.રસીકરણ એ કોરોનાને અટકાવવાની લડાઇ છે. આ યુદ્ધના સુકાનીઓ જાતે પહેલી રસી લઇ,કોરોનાની રસી સલામત છે અને ડર્યા વગર લેજો નો પ્રેરક સંદેશ આપી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp