સુરતની આગની ઘટનામાં બે ફાયર ઓફિસર સસ્પેન્ડ

PC: youtube.com

ગઈ કાલે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગ 23 બાળકોના જીવને ભરખી ગઈ હતી તો કેટલાક બાળકો હજુ પણ સારવાર હેઠળ છે. ત્યારે સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશો આપ્યા છે. આ બાળકો જયારે ઘરેથી ભણવા માટે નીકળ્યા હતા ત્યારે ક્યાં તેમના માતા-પીતાને ખબર હતી કે, બાળકો ઘરે પાછુ નહીં આવે. જયારે ટ્યુશન કલાસીસમાં આગ લાગવાની ઘટનાની જાણ બાળકોના વાલીઓને થઈ હતી. ત્યારે વાલીઓ બધાજ કામ પડતા મુકીને પોતાનું બાળક હેમખેમ છે કે, નહીં તે જાણવા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યારે તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે, ફાયરની ગાડીઓ ઘટના સ્થળે હાજર હતી પણ બાળકોને ચોથા માળ પરથી જંપ કરીને નીચે આવી રહ્યા હતા અને નીચે ઉભેલા કેટલાક લોકો બાળકોને જીલી રહ્યા હતા, ઉપરથી પડવાના કારણે બાળકોને ઈજા પણ થઈ રહી હતી. જેના કારણે બાળકોને એક પછી એક એમ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

સમગ્ર ઘટનાને લઇને તંત્ર દ્વારા ફાયર ઓફિસરની કમિટી બનાવીને સમગ્ર ઘટનાનો રીપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ કામગીરી પણ શરૂ થઇ છે. મળતી માહિતી અનુસાર સુરત મહાનગર પાલિકાના કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી ડેપ્યુટી ફાયર ચીફ ઓફિસર એસ. કે. આચાર્ય અને ફાયર ઓફિસર કીર્તિ મોઢને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનાને પગલે લોકોમાં ફાયર વિભાગ પ્રત્યે ખૂબ જ રોષ ભભૂકી ઉઠયો છે. કારણે કે, લોકોના એવા આક્ષેપો છે કે, જે સમયે ફાયર ઘટના સ્થળે પહોંચ્યું ત્યારે તેમની પાસે બાળકોને બચાવવા માટેની નેટ પણ ન હતી આ ઉપરાંત તેઓના પાણીના બંબામાંથી ઓછા પ્રેશરના કારણે પાણી ઉપર સુધી પહોંચી શકતું ન હતુ, ફાયર પાસે જે સીડી હતી તે બે માળ સુધી પહોંચી શકે તેટલી જ હતી, આ ઉપરાત લોકો એવું પણ કહી રહ્યા છે કે, ઘટના સ્થળથી ફાયર સ્ટેશન માત્ર ત્રણથી ચાર કિલોમીટરના અંતરે હોવાના કારણે ફાયર ઘટના સ્થળે 45 મિનીટ મોડું પહોંચ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp