ભારતથી ખુશ આ દેશ, અન્ય 12 દેશોએ કરી ઘઉંની માંગણી

PC: khabarchhe.com

ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ આ દરમિયાન ઈજિપ્તને ઘઉંનો મોટો કન્સાઈનમેન્ટ આપવામાં આવી રહ્યો છે. ડઝનબંધ દેશો ભારતને ઘઉં આપવા વિનંતી કરી રહ્યા છે કારણ કે તેઓ ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. ભારતીય અધિકારીઓ આ વિનંતીઓની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેશે. ઘઉંની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં ભારતે ઈજિપ્તમાં ઘઉંનો મોટો માલ મોકલ્યો છે. ઈજીપ્તની વિનંતી બાદ ભારતથી ઈજીપ્તમાં 61,500 ટન ઘઉં મોકલવામાં આવ્યા છે. ઘઉંની નિકાસ પર પ્રતિબંધ પછી ભારત દ્વારા કોઈપણ દેશને આપવામાં આવેલ આ સૌથી મોટું કન્સાઈનમેન્ટ છે. ઇજિપ્તની જેમ લગભગ 12 દેશોએ ભારતને વિનંતી કરી છે કે તેઓ તેમને ઘઉંની નિકાસ કરે.

સમગ્ર મામલાની જાણકારી ધરાવતા એક અધિકારીએ નામ જાહેર ન કરવાની વિનંતી કરતાં આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ઓછામાં ઓછા એક ડઝન દેશો એવા છે જે ભારત પાસેથી ઘઉંની માંગણી કરી રહ્યા છે. કસ્ટમ્સે ઇજિપ્તમાં 17,160 ટન ઘઉંની નિકાસ કરવાની મંજૂરી આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતમાંથી નિકાસ પરનો પ્રતિબંધ અમલમાં આવ્યો તે પહેલાં જ ઇજિપ્ત મોકલવામાં આવતા શિપમેન્ટ માટે ક્રેડિટ ગેરંટી સહિતની ફરજિયાત ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી હતી.

ભારતથી ઈજિપ્તમાં ઘઉંની શિપમેન્ટ મેરા ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહી છે. પ્રતિબંધ લાગુ થયા બાદ ઘઉંના આ કન્સાઈનમેન્ટ માટે જહાજને કસ્ટમ ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું. આ માલ 17 મેના રોજ ગુજરાતના કંડલા બંદરેથી રવાના થયો હતો.

વિશ્વના બીજા સૌથી મોટા ઘઉં ઉત્પાદક ભારતે 13 મેના રોજ કહ્યું હતું કે, તે તેની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકે છે. જો કે, ભારતે ચોક્કસપણે કહ્યું હતું કે, તે ખાદ્ય સંકટનો સામનો કરી રહેલા દેશોને મદદ કરશે જે તેમની મદદ માટે પૂછશે. ભારતે એમ પણ કહ્યું હતું કે, પ્રતિબંધ પહેલા ભારત તે દેશોમાં ઘઉંની નિકાસ કરશે જેની સાથે ઘઉંની નિકાસ માટે ડીલ કરવામાં આવી છે.

તે જ સમયે, ઇજિપ્ત મોકલવામાં આવેલા ઘઉં વિશે માહિતી આપતા અધિકારીએ કહ્યું કે, ભારત વિદેશથી ઘઉંની વિનંતી પર વિચાર કરશે. આ દેશો ગંભીર ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, સંબંધિત અધિકારીઓ ટૂંક સમયમાં વિનંતીઓની સમીક્ષા કરવા માટે ચર્ચા કરવા જઈ રહ્યા છે. જોકે, અધિકારીએ એમ નથી જણાવ્યું કે, વિદેશ મંત્રાલયને કયા દેશોમાંથી ઘઉંની વિનંતીઓ મળી રહી છે.

ભારત સરકારના અનુમાન મુજબ, ભારતમાં સતત પાંચ વર્ષના વિક્રમી ઘઉંના ઉત્પાદન પછી પ્રથમ વખત તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં ઉત્પાદન 111 મિલિયન ટન થવાનો અંદાજ હતો પરંતુ ઉત્પાદન માત્ર 105 મિલિયન ટન છે. એટલે કે, ઉત્પાદનમાં ઓછામાં ઓછો 5.7%નો ઘટાડો થયો છે.

એપ્રિલ 2022માં, દેશના વેપારીઓએ ઊંચી વૈશ્વિક માંગ અને વધેલા ભાવનો લાભ લેવા માટે 1.4 મિલિયન ટન ઘઉં વિદેશમાં વેચ્યા હતા. ભારતે નાણાકીય વર્ષમાં માર્ચ સુધીમાં રેકોર્ડ 78 લાખ 50 હજાર ટનની નિકાસ કરી હતી, જે એક વર્ષ પહેલા કરતાં 275% વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp