શાસકોની ફાયર પોલિસીઃ આગ લાગે ત્યારે જ કૂવો ખોદીશું, ન ખોદાય તો જાડો નર શોધીશું

PC: khabarchhe

સરથાણામાં 22 બાળકોનો ભોગ લેનારી આગની ઘટનામાં શનિવારે બીજા દિવસે સવારથી જ ધડાધડ પગલાં લેવાની શરૂઆત કરી દેવાઈ હતી. સરકાર અને પાલિકા મુઠ્ઠીવાળીને મંડી પડ્યા હતાં. પોલીસે નાટા ડ્રોઈંગ ક્લાસના સંચાલક, તક્ષશિલા આર્કેડના ઓર્ગેનાઈઝર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો હતો. ઓર્ગેનાઈઝર ફરાર થઈ ગયા હતાં પણ ડ્રોઈંગ ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી હતી. બીજીતરફ પાલિકાએ છ મહિના પહેલાં વેસુમાં આગની ઘટના પછી કમર્શિયલ કોમ્પલેક્સમાં ફાયરસેફ્ટી સિસ્ટમ માટેની કામગીરીમાં લાપરવાહી માટે ડે.ચીફ ફાયર ઓફિસર અને ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરી દીધાં હતાં. એટલું જ નહીં કમર્શિયલ કોમ્પલેક્સમાં ફાયર સેફ્ટી છે કે નહીં તે ચકાસવા શહેરભરમાં 80 ટીમ ઉતારી દીધી હતી. રાજ્ય સરકારે શહેરીવિકાસ વિભાગના અગ્રસચિવ મુકેશ પુરીને તપાસ રિપોર્ટ તૈયાર કરવા દોડાવ્યા હતાં. તેમણે ઘટનાસ્થળની વિઝિટ કરીને જવાબદારી નક્કી કરવા માટે પાલિકાના તંત્ર સાથે ઘમ્મરવલોણું કર્યું હતું. પરંતુ અહીં એક વાત ચોક્કસ ઊભરીને આવે છે સુરત મહાનગરપાલિકાના શાસકોની ફાયર પોલીસી એવી છે કે જ્યારે આગ લાગે ત્યારે જ કૂવો ખોદીશું. એટલે કે લોકોના મોત થાય ત્યારે જ એક્શનમાં આવે. ત્યારપછી ખરેખર કારણો શોધીના કાયમી વ્યવસ્થા ગોઠવવાની જગ્યાએ કોઇપણ અધિકારી કે સ્ટાફ (જાડો નર) પર જવાબદારી ઢોળીને કર્તવ્યની ઇતિશ્રી માની લે. હાલ સુધી તો આવું જ થતું આવ્યું છે.

ચોંકાવનારી હકીકતઃ ફાયર સેફ્ટી માટેની ડ્રાઇવમાં આ કોમ્પલેક્સ ચેક જ નહતું કર્યું

22 બાળકોના મોતની કરૂણાંતિકા પછી બીજા દિવસે સરકાર અને પાલિકા એક્શન મોડમાં આવી ગઈ હતી. રજા ઉપર ગયેલા મ્યુનિસિપલ કમિશનર એમ.થૈનારસન રજા ટૂંકાવીને પરત આવી ગયાં હતાં. તેમણે ફાયર બ્રિગેડની કામગીરીનો રાઉન્ડ અપ લીધો હતો. તેમાં ભોપાળું બહાર આવ્યું હતું કે, ગત 22મી નવેમ્બર 2018ના દિવસે આજ પ્રકારે વેસુમાં આગમ આર્કેડમાં આગ લાગી હતી. ટ્યુશન ક્લાસમાંથી વદ્યાર્થીઓને બહાર કાઢવા પડ્યાં હતાં. બેના મોત થયાં હતાં. ત્યારબાદ શહેરભરમાં કમર્શિયલ કોમ્પલેક્સ અને ટ્યુશન ક્લાસિસને ફાયર સેફ્ટીની ચકાસણી કરીને તે ઉભી કરાવવા ઝૂંબેશ છેડી હતી. જોકે, તે ઝૂંબેશમાં આ કરૂણાંતિકા બની તે તક્ષશિલા આર્કેડમાં તપાસ જ કરી ન હતી. એટલે, આ બેદરકારી માટે ડે.ચીફ ફાયર ઓફિસર એસ.કે. આચાર્ય અને ફાયર ઓફિસર કિર્તી મોડ(ગઢવી)ને તાકીદની અસરથી સસ્પેન્ડ કર્યાં હતાં.

પોલીસે ક્લાસ સંચાલક અને બિલ્ડર સામે મનુષ્યવધનો ગુનો નોંધ્યો

શનિવારે સવારે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસ કમિશનર સતીષ શર્માએ એક પત્રકાર પરિષદ કરીને જાહેરાત કરી હતી કે, તક્ષશિલા આર્કેડમાં બીજા માળે નાટા ડ્રોઈંગ ક્લાસ ચલાવતા ભાર્ગવ બુટાણી સામે અને આ બિલ્ડિંગ બનાવનારા ઓર્ગેનાઈઝર હરસુલ વેકરિયા અને જીગ્નેશ પાઘડાળ ફરાર, સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો છે. ક્લાસના સંચાલક બુટાણીની ધરપકડ કરી છે. જોકે, બંને ઓર્ગેનાઈઝર છૂમંતર થઈ ગયા હોઈ પોલીસે તેમને પકડવા માટેની ગતિવિધિ શરૂ કરી છે.

કોઈપણ જવાબદાર હશે, પગલાં તો ભરાશે જઃ અગ્રસચિવ મુકેશ પુરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ગોઝારી ઘટનાનો ત્રણ દિવસમાં તપાસ રિપોર્ટ તૈયાર કરવા માટેનો આદેશ કર્યો હતો. એટલે, શનિવારે સવારે શહેર વિકાસ મંત્રાલયના અગ્રસચિવ મુકેશ પુરી સુરત દોડી આવ્યા હતાં. તેમણે ઘટના સ્થળની વિઝિટ કરી હતી. હોસ્પિટલમા સારવાર લઈ રહેલા બાળકોની મુલાકાત લઈની વાતચીત કરી હતી. પાલિકા, કલેક્ટર, પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. તેમણે મિડિયાને જણાવ્યું હતું કે, આ ઘટનામાં જવાબદાર કોઈપણ કક્ષાના અધિકારી હશે, તો તેમની સામે પણ પગલાં તો ભરાશે જ. સરકાર ઘટના પાછળના કારણો પણ તપાસીને આવી ઘટના માત્ર સુરતમાં જ નહીં સમગ્ર રાજ્યમાં ક્યાંય નહીં બને તે માટેની વ્યવસ્થા નિશ્ચિત કરવા માગે છે.

80 ટીમે શહેરમાં 866 ક્લાસને ફાયર સેફ્ટીની નોટિસ આપી

તક્ષશિલા આર્કેડની કાળમુખી ઘટના પછી પાલિકાનું તંત્ર શનિવારે રજાના દિવસે પણ સતત શહેરમાં દોડતું રહ્યું હતું. જુદી જુદી 80 ટીમ બનાવીને શહેરમાં દોડાવી હતી. આખા દિવસ દરમિયાન શહેરમાં કતારગામ, રાંદેર, સેન્ટ્રલ, વરાછા, અઠવા, ઉધના અને લિંબાયતમાં કમર્શિયલ કોમ્પલેક્સમાં ચાલકા કુલ 866 જેટલા ટ્યુશન ક્લાસને ફાયર સેફ્ટી તાકીદે ઉભી કરવા માટે નોટિસ ફટકારી હતી, તેવું પાલિકાએ સત્તાવાર રીતે જાહેર કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp