ભાવનગરમાં એક જ દિવસમાં નવા 5 કેસ આવ્યા, સુરતમાં દર્દીના નામ-સરનામા જાહેર કરાશે

PC: dainikbhaskar.com

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 68 પર પહોંચી ગયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ભાવનગરમાં એક દિવસમાં 5 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. 5 પોઝિટિવ કેસમાં તમામ દર્દીઓ પુરૂષો જ છે. આ ઉપરાંત, જેસર તાલુકામાં આવેલા મોટાખૂંટવડા ગામમાં રહેતી 45 વર્ષની મહિલાનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે. શહેરમાં નોંધાયેલા પોઝિટિવ કેસ 1થી 2 એરિયાના હોવાની સ્પષ્ટતા થતા, ભાવનગરના એરિયામાં પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.  મહત્ત્વની વાત છે કે, 6 દિવસ પહેલા ભાવનગરમાં કોરોના વાયરસથી એક દર્દીનું મોત નિપજ્યું હતું, ત્યારબાદ શહેરના પોઝિટિવ નોંધાયેલા 4 લોકો મૃતકના સંપર્કમાં આવ્યાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

5 પોઝિટિવ કેસ અને એક દર્દીના મોતના પગલે 100 કરતાં વધુ લોકોને હોમ ક્વોરેન્ટિનમાં રાખવામાં આવશે. ભાવનગરમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં બે લોકોના મોત નિપજ્યા છે. બીજી મહિલાનું મોત થયું છે તે મહિલા સુરતથી આવી હતી અને તેના સંબંધીઓ દ્વારા ચેપ લાગ્યા હોવાની પણ આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. ભાવનગરની મહિલાનું મોત થતાં ગુજરાતમાં કોરોનાથી કુલ મોતનો આંકડો 6 પર પહોંચ્યો છે.

બીજી તરફ ગોંડલમાં વિદેશથી આવેલા 73 વ્યક્તિઓ અને તેના પરિવારના સભ્યોને હોમ ક્વોરેન્ટિન કરવામાં આવ્યા છે. તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ દ્વારા આ તમામ લોકોનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં કોરોના વાયરસના કેસનો આંક આઠ પર પહોંચી ગયો છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આજથી તમામ પોઝિટિવ દર્દીના નામ અને સરનામા મીડિયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે. આ વ્યક્તિના સંપર્કમાં કોઈ આવ્યા હોય તો તે લોકો ટોલ ફ્રી નંબર 1800 123 8000 પર ફોન કરીને પોતાની માહિતી આપે અને તેથી હેલ્થ ઓફિસર દ્વારા તેમની તપાસ થઇ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp