સંઘનું હિંદુત્વ જીતી ગયું, કોંગ્રેસની ધર્મનિરપેક્ષતા હારી ગઈ

PC: intoday.in

હાલના દિવસોમાં આપણા દેશની રાજનીતિમાં હિંદુ, મંદિર, કોણ વધારે હિન્દુ, હું પણ હિન્દુ જેવા શબ્દોની ગુંજ સાંભળવા મળી રહી છે. ‘કોણ વધારે હિન્દુ છે’ ની સ્પર્ધામાં નેતાઓ વચ્ચે હરીફાઈ જામી છે. વિકાસની વાત પછી કરીએ પહેલાં જનોઈનું માપ લઈ લઈએ. ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની સાથે આ ખૂબ નેચરલ લાગે છે, કારણકે તેમનો આખો રાજનૈતિક વારસો હિન્દુત્વની ધરા પર ટકેલો છે, પણ જ્યારે કોંગ્રેસ, તૃણમૂળ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને RJD જેવી પાર્ટીઓ હિન્દુત્વનો ઢોંગ કરવા પર ઊતરી આવે ત્યારે એમ થાય કે લોકો આવું શા માટે કરતા હશે?

કાલ સુધી મુસ્લિમ વોટ બેંકની રાજનીતિ કરવાવાળી પાર્ટીઓ આજે અચાનક ‘સોફ્ટ હિંદુત્વ’ પાછળ કેમ પડી છે. આનો જવાબ શોધવા માટે આપણે સંઘની વિચારધારાને સમજવાની જરૂર છે. જોકે એક રાષ્ટ્રવાદી સંગઠનના આધારે જ દેશની રાજનીતિનું હિન્દુત્વીકરણ કરવાનું બીડું જે દસકાઓ પહેલા ઊપાડવામાં આવ્યું હતું તેમાં આજે તે ક્યાંકને ક્યાંક સફળ થતું નજરે પડે છે.

ગુજરાત ચૂંટણીથી લઈને ‘ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ’ના સંમેલન સુધી હિન્દુત્વનું જે ભૂત કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર સવાર થયું છે, તે ઊતરવાનું નામ જ લેતું નથી. ક્યારેક મંદિર જવાનો ઢંઢેરો પીટવાનો હોય તો ક્યારેક જનોઈધારી બ્રાહ્મણ હોવાનું સાબિત કરવું હોય, તેઓ ક્યારેય પણ તેમની છુપાયેલી આસ્તિકતાનું માર્કેટીંગ કરવાનો કોઈ અવસર ચૂકતા નથી. આ તે જ રાહુલ ગાંધી છે જે કહેતા હતા કે મંદિરમાં જનાર જ છોકરીઓ સાથે છેડછાડ કરે છે. તો આજે કેમ અચાનક તેમની અંદર હિન્દુત્વ જાગી ગયું અને ભક્તિભાવના તમામ રેકોર્ડ તેમણે તોડી નાખ્યા, શું રાહુલગાંધીને બ્રહ્મજ્ઞાનની પ્રપ્તિ થઈ ગઈ છે?

જી હાં, રાહુલ ગાંધીને રાજનૈતિક બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. હવે દેશમાં જો સત્તાનું સુખ પ્રાપ્ત કરવું હોય તો ‘હરે રામ હરે કૃષ્ણ’ના જાપ કરવાની શરૂઆત કરવી પડશે. એવું નથી કે આ જ્ઞાન ફક્ત તેમને જ પ્રાપ્ત થયું છે. ક્યારેક ‘જેહાદી દીદી’નું ટેગ પસંદ કરનાર મમતા બેનર્જી આજકાલ ભગવદ્દ ગીતાનું જ્ઞાન વહેંચી રહ્યા છે. મુલાયમ સિંહ યાદવના સુપુત્ર આજે સૈફઈમાં ભગવાન શ્રી કૃષ્ણી સૌથી મોટી મૂર્તિની સ્થાપના કરી રહ્યા છે. એક વાત યાદ રાખજો કે કોઈ પણ રાજનેતા વગર કોઈ હેતુએ સાયકલ પણ વહેંચતા નથી, કંઈ વાંધો નહીં પરિવર્તન સંસારનો નિયમ છે.

સંઘનું હિન્દુત્વ આજે ભારતમાં તેના સુવર્ણકાળમાંથી પસાર થઈ રહ્યું છે. સાવરકરના હિન્દુત્વની જગ્યાએ હેડગેવારના હિંદુત્વનો આત્મસાત જ સંઘની સફળતાની પૂંજી તરીકે જોઈ શકાય. એક રાજકીય પાર્ટી હોવાને કારણે ભારતીય જનતા પાર્ટી પોતાના વિરોધીઓના આ ‘સોફ્ટ હિન્દુત્વ’થી ચિતિંત થઈ શકે છે પણ એક હિન્દુ સમર્પિત સંગઠન તરીકે સંઘ માટે તેનાથી મોટી ખુશખબરી હોઈ શકે નહીં. આજે જ્યારે સંઘના પ્રમુખ મોહન ભાગવત એવું બોલે છે કે અયોધ્યામાં રામમંદિર બનાવવા માટેનો ઉત્તમ સમય આ જ છે, તો શું તેનું કારણ વિપક્ષનું ‘સોફ્ટ હિન્દુત્વ’ તરફ વળવું પણ હોઈ શકે?

સંઘે રાજનીતિનું એટલું તો હિન્દુકરણ કરી દીધું છે કે આજે કોઈ પણ રાજનીતિક પાર્ટી અયોધ્યામાં મંદિર બનાવવા વિરુદ્ધ બોલવાનું સાહસ કદાચ જ જૂટવી શકે. આજે દેશ ફરી એક વખત આંદોલનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. ભલે એ રાષ્ટ્ર ભક્તિ હોય કે ઈશ્વર ભક્તિ. તેના વગર શાશ્વત સત્તા સુધી પહોંચવું ખૂબ અઘરું છે અને હવે જ્યારે સત્તા જ પરમ સત્ય હોય તો પછી મંદિર અને મઠોનો પ્રવાસ કરવામાં શું વાંધો છે? સંઘ આ વાતનો જશ્ન તો મનાવી જ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp