મહેસાણામાં પતિ પરમેશ્વર બન્યો હેવાન, પત્નીને ઢોર માર માર્યો

PC: Khabarchhe.com

પતિ એટલે પરમેશ્વર આ ઉક્તિ ભારતીય શાસ્ત્રોમાં વર્ણવેલી છે અને આથી પતિવ્રતા ધર્મ હિંદુ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે, પરંતુ પતિ પોતે જ પરમેશ્વરના બદલે કસાઈ બની જાય ત્યારે ચોક્કસ ફિટકારની લાગણી થાય છે. આવી જ એક ઘટના મહેસાણા જિલ્લાના છેવાડે આવેલા વાળીનાથ વડસ્મા ગામમાં બની છે. જ્યાં ખુદ પતિ એ જ પત્નીને ઘરમાં પૂર્યા બાદ બાંધી અને મોઢે રૂમાલનો ડૂચો મારી ઢોર માર માર્યો છે. પતિમાંથી કસાઈ બનેલાના નિશાન પીડિત પત્નીના શરીર ઉપર સ્પષ્ટ ઉપસી આવ્યા છે અને મહેસાણા સિવિલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.

એક પતિ હેવાનની જેમ પોતાની પત્નીને ઢોર માર મારે ત્યારે ફિટકારની લાગણી તો થાય જ સાથોસાથ પરમેશ્વર માનવામાં આવતો પતિ હેવાન જેવો સાબિત થાય છે. આ વાત છે વર્ષ 2006મા લગ્ન કરનાર રીંકલબેન ગોસ્વામીની કે જેમણે મહેસાણાના વાળીનાથ વડસ્મા ગામમાં રહેતા વિશાલ ગોસ્વામી સાથે લાડેકોડે લગ્ન કર્યા હતા. રીંકલ અને વિશાલના લગ્ન બાદ થોડા વર્ષો સુધી સુખી દાંપત્યજીવન ચાલ્યું પણ આખરે અભ્યાસ કરતા પતિ વિશાલે શંકા-કુશંકા રાખી પત્ની રીંકલ ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. પરંતુ બે દિવસ પહેલા તો શંકા વચ્ચે દહેજની પણ માંગણી કરી અને પત્નીને સબક શીખવાડવા રોષે ભરાયેલા પતિ વિશાલ અને તેમની માતાએ તેને ઘરમાં પૂરી અને બાંધી મોઢામાં ડૂચો મારી ઢોર માર માર્યો હતો.

પતિ વિશાલ, સાસુ તારાબહેન અને ત્યારબાદ ઘરે આવેલા જેઠ પીન્ટુ ગોસ્વામીએ લાકડી, ધોકા અને દસ્તાથી આખા શરીરે માર તો માર્યો, પરંતુ ક્રુરતાની હદ તો ત્યારે વટાવી કે જ્યારે રીંકલને તેના ચાર વર્ષના દીકરા સામે જ માર મારવાની સાથે પક્કડથી હાથ અને ગુપ્ત ભાગે ચૂંટલા ભરવામાં આવ્યા છે. આ અસહ્ય પીડાથી પીડિત રીંકલ મહેસાણા સિવિલ હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ રાખવામાં આવી છે.
હેવાન બનેલા પતિએ કસાઈની જેમ પોતાની પત્ની સાથે એટલી હદે મારઝૂડ કરી છે કે શરીરના તમામ અંગો ઉપર મારના નિશાન ઉપસી આવ્યા છે. ત્યારે પીડિતા અને તેનો પરિવાર પોતાને મળેલી સજા જેવી જ સજા સાસરિયાને મળે અને ન્યાય મળે એવી અપેક્ષા રાખી રહ્યો છે. જોકે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp