અમદાવાદમાં મિત્રએ 3500ની ઉઘરાણી માટે મિત્રની બે વર્ષની દીકરીનું અપહરણ કર્યું

PC: zeenews.com

કેટલીકવાર પૈસાની લેતી-દેતી મામલે વર્ષો જૂના સંબંધ પર પાણી ફરી વળે છે. પૈસાની લેતી-દેતીમાં મિત્ર દ્વારા મિત્રની હત્યા કરવામાં આવી હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે અમદાવાદમાં માત્ર 4 હજાર રૂપિયા જેટલી રકમ ચૂકવણી ન કરતા એક મિત્ર દ્વારા મિત્રની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કર્યા બાદ મિત્રએ જ્યારે બાળકીના પિતાની પાસે પૈસાની માગણી કરી ત્યારે બાળકીના પિતાએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકમાં જ બાળકીનું અપહરણ કરનાર બાળકીના પિતાના મિત્રની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે અપહરણકારની સામે ગુનો દાખલ કરી બાળકીના તેના પિતાને હેમખેમ સોંપી હતી.

એક કહેવત છે કે, મિત્ર એવો બનાવવો જોઇએ કે, તે હમેશાં મુશ્કેલીના સમયમાં ઢાલ બનીને આગળ ઊભો રહે પરંતુ આ કહેવત વર્તમાન સમયમાં ખોટી સાબિત થઇ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અવાર નવાર મિત્ર દ્વારા મિત્ર સાથે દગો કર્યાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા ભરવાડવાસની ગલીમાં દુર્ગેશસિંહ તેના પરિવારની સાથે રહે છે. દુર્ગેશસિંહની બાજુમાં રહેતા જયરાજ વાઘેલાને થોડા દિવસો પહેલા 4 હજાર રૂપિયાની જરૂર હતી પરંતુ દુર્ગેશની પાસે પૈસા ન હોવાના કારણે તેને અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતા તેના મિત્ર સમીરની પાસેથી 4 હજાર રૂપિયા ઉધાર લઇ જયરાજને આપ્યા હતા. પૈસાની લેતી-દેતીમાં દુર્ગેશ સમીર અને જયરાજ વાઘેલાની વચ્ચે હતો.

જયરાજ વાઘેલાએ પૈસા લીધાના થોડા દિવસોમાં સમીરને 500 રૂપિયા ચૂકવી દીધા હતા પરંતુ 3500 રૂપિયા કોઈ કારણોસર ચૂકવી શક્યો ન હતો. જો કે, અવાર નવાર સમીર જયરાજની પાસેથી પૈસાની માગણી કરતો પણ જયરાજે પૈસા આપ્યા ન હતા. તેથી સમીર પૈસાની ઉઘરાણી કરવા માટે દુર્ગેશના ઘરે ગયો હતો. જે સમયે સમીર દુર્ગેશના ઘરે ગયો તે સમયે દુર્ગેશ ઘરે હાજર ન હોવાના કારણે સમીરે દુર્ગેશની 2 વર્ષની પુત્રીને ચોકલેટ અપાવવાનું કહી તેની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ સમીરે મિત્ર દુર્ગેશની 2 વર્ષની પુત્રીનું અપહરણ કરી લીધુ. અપહરણ કર્યા બાદ દુર્ગેશને ફોન કરી સમીરે જણાવ્યું હતું કે, 3500 રૂપિયા આપીને તારી પુત્રીને લઈ જા. દીકરીનું અપહરણ થવાની વાત સાંભળતા જ દુર્ગેશે આ સમગ્ર મામલે તાત્કાલિક મિત્ર સમીર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે પૈસા આપવાના બહાને સમીરને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું અને દુર્ગેશને સમીરને પૈસા આપવા માટે જવાનું કહ્યું હતું. પોલીસના કહ્યા અનુસાર દુર્ગેશ જે સમયે સમીરને પૈસા આપવા માટે રખિયાલ વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપ પાસે ગયો હતો, તે સમયે પોલીસે પેટ્રોલપંપ પાસેથી સમીરની ધરપકડ કરી લીધી હતી અને બાળકીને સમીર પાસેથી છોડાવીને પિતાને સોંપી હતી. પીલીસે સમીરની સામે ખંડણી અને અપહરણનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp