અમદાવાદના લૂંટારા દુલ્હાએ ત્રીજી મહિલા સાથે લગ્ન કર્યા, પછી પૈસા લઈ થયો ફરાર

PC: huffingtonpost.com

રાજ્યમાં અત્યાર સુધી લુટેરી દુલ્હનના કિસ્સાઓ અવાર નવાર સામે આવ્યા હતા. લગ્ન બાદ લુટેરી દુલ્હન સાસરામાંથી રોકડા રૂપિયા અને અન્ય કિંમતી સામાન લઈને કોઈને કોઈ બહાનું કરીને ભાગી જતી હોવાના કિસ્સાઓ સાંભળ્યા છે. પણ આનાથી વિપરીત કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એક મહિલાએ લુટેરા દુલ્હાની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પહેલા આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી ત્યારબાદ, લગ્ન કરી જરૂરિયાતનું નાટક કરી રૂપિયા માંગ્યા હતા અને પછી તે રૂપિયા લઈને ભાગી ગયો હતો.

રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ 2008માં તેને તેના પહેલા પતિ સાથે છૂટાછેડા થયા બાદ સેટેલાઈટ વિસ્તારમાં PGમાં રહેવા લાગી હતી. મહિલા અલગ અલગ જગ્યા પર કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતી હતી. મહિલાને ત્રણ મહિના પહેલા પ્રભજોત નામના એક વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ બંને એકબીજા સાથે વાતો કરતા હતા. પછી મહિલા અને પુરુષ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને પ્રેમ સંબંધમાં મહિલાએ પ્રભજોત કુવારો હોવાને કારણે તેની સાથે લગ્ન કરી લીધા હતા.

પ્રભજોત અને આ મહિલાના લગ્ન વર્ષ 2015માં જૂન મહિનામાં આર્ય સમાજમાં થયા હતા. લગ્ન બાદ તેની પત્નીને ઘરે તો લઈ ગયો પરંતુ, તેને PGમાં રાખતો હતો. અંતે કંટાળીને જ્યારે મહિલાએ પ્રભજોતના ઘરે જવાની જીદ કરી ત્યારે તેને ઘરમાં પૈસાની તકલીફ છે તેવું જણાવ્યું હતું. જેથી મહિલાએ તેના બચત કરેલા 35 હજાર રૂપિયા પ્રબજોતને આપ્યા હતા. 35 હજાર રૂપિયા મહિલાએ પ્રભજોતને આપ્યા બાદ તે એક મહિના સુધી ભાડે મકાન રાખીને મહિલા સાથે રહ્યો હતો. આ ઉપરાંત, તે કોઈ કામ કરતો ન હતો અને ઘરનો ખર્ચો પણ મહિલાને આપતો નહોતો. સાથે મહિલા પાસે અલગ અલગ સમયે રૂપિયા પણ લઈ જતો હતો. જો મહિલા તેને પૈસા આપવાની ના પાડે તો તેની સાથે મારામારી કરતો હતો અને મહિલાને છોડી દેવાની ધમકી આપતો હતો.

પ્રભજોત નામના આરોપીએ મહિલા પાસે વતનમાં પૈસાની જરૂર હોવાના કારણે પૈસાની માગણી કરી હતી. જેથી મહિલાની પાસે રહેલા દાગીના ગીરવે મુક્યા હતા અને ચાર લાખ રૂપિયા લીધા હતા અને પ્રભજોતને આપ્યા હતા. ત્યારબાદ તે પૈસા લઈને તેના વતન ગયો હતો અને ત્યારબાદ ફરીથી પરત ફર્યો ન હતો. જેથી મહિલાએ અંતે લુટેરા દુલ્હાની સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ફરિયાદના આધારે પંજાબમાં જઈને આ ઈસમની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ, તેનો કોઈ પણ પત્તો લાગ્યો ન હતો પરંતુ, પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, પ્રભજોતે અગાઉ પણ બે લગ્ન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp