આ છે ભારતની 10 સૌથી ઊંચી ઈમારતો, એકલા મુંબઈમાં જ છે 9 બિલ્ડીંગ્સ

PC: traveljee.com

પશ્ચિમ બંગાળના કોલકાતામાં જવાહરલાલ નેહરુ રોડ પર દેશની સૌથી ઊંચી ઈમારત ધ 42 ચૌરંગી બનીને તૈયાર થઈ ગઈ છે. 65 માળની ઈમારત ધ 42ની લંબાઈ 268 મીટર છે. તેણે દેશની સૌથી ઊંચી ઈમારતનો ખિતાબ મુંબઈની ઈમ્પીરિયલ બિલ્ડીંગ પાસેથી છીનવી લીધો છે. ઈમારતના સામે મોટું મેદાન છે અને તેની આગળ હુગલી નદી છે. કોલકાતાની બીજી સૌથી ઊંચી ઈમારત અરબાના છે. તે 167.7 મીટર ઊંચી છે. ફોરમ એમૉટસ્ફીયર અને વેસ્ટિન ક્રમશઃ 152 મીટર અને 150 મીટર ઊંચી ઈમારતો છે.

ત્યારબાદ 100 મીટર કરતા વધુ ઊંચી 13 ઈમારતો પણ આ શહેરમાં છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં સૌથી ઊંચી હાઈ-રાઈઝ બિલ્ડિંગ્સ મુંબઈમાં છે, જ્યાં તેની સંખ્યા 3000 કરતા વધુ છે. તેમાં રહેણાક, કોમર્શિયલ અને રિટેલ કોમ્પલેક્સ સામેલ છે.

એટલું જન નહીં પરંતુ દેશની સૌથી ઊંચી 10 ઈમારતોમાંથી 9 તો એકલા મુંબઈમાં જ છે. જણાવી દઈએ કે, 2017માં દુનિયામાં 200 મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતી 144 ઈમારતો બની હતી, જેમાંથી ભારતમાં આટલી ઊંચાઈની માત્ર 3 જ ઈમારતો હતી. દેશમાં 2010માં પહેલીવાર 200 મીટર ઊંચાઈવાળી બે ઈમારતો બનીને તૈયાર થઈ હતી. ચીન છેલ્લાં 10 વર્ષથી સતત ગગનચુંબી ઈમારતો બનાવવાના મામલામાં વિશ્વનો નંબર 1 દેશ બની ગયો છે. હવે દેશની અન્ય ઊંચી ઈમારતો વિશે પણ માહિતી મેળવી લઈએ.

ઈમ્પીરિયલ બિલ્ડિંગ

મુંબઈની ઈમ્પીરિયલ બિલ્ડિંગ ક્યારેક ભારતની સૌથી ઊંચી ઈમારત હોવાનું બહુમાન ધરાવતી હતી, પરંતુ હવે તે બીજા નંબર પર આવી ગઈ છે. તેને જાણીતા આર્કિટેક્ટ હાફિઝ કોન્ટ્રાક્ટરે તૈયાર કરી હતી. આ ઈમારતની ઊંચાઈ 256 મીટર (840 ફૂટ) છે. તેના બે અલગ-અલગ ટાવર છે, જેમાં 60 ફ્લોર છે. જે 2010માં બનીને તૈયાર થઈ હતી.

આહુજા ટાવર

વર્તમાનમાં આહુજા ટાવર ભારતની ત્રીજા અને મુંબઈની બીજા નંબરની સૌથી ઊંચી ઈમારત છે. તે આશરે 248.5 મીટર (815 ફૂટ) ઊંચી છે. તેમાં કુલ 54 ફ્લોર છે અને તે સંપૂર્ણપણે રેસિડેન્શિયલ છે.

વન અવિધના પાર્ક

વર્તમાનમાં દેશની ચોથા નંબરની સૌથી ઊંચી ઈમારતોમાં સામેલ વન અવિધના પાર્કની ઊંચાઈ 247 મીટર (810 ફૂટ) છે. તે રેસિડેન્શિયલ છે અને તેમાં 61 ફ્લોર છે. તે 2017માં બનીને તૈયાર થઈ હતી.

લોધા અલ્ટામાઉન્ટ

લોધા અલ્ટામાઉન્ટ પણ મુંબઈમાં સ્થિત છે. તેની ઊંચાઈ આશરે 240 મીટર (787 ફૂટ) છે. 40 માળની આ ઈમારતની પાસે જ મુકેશ અંબાણી અને કુમારમંગલમ બિડલાનું પણ ઘર છે. આ ઈમારત 2018માં તૈયાર થઈ હતી.

ઑરિસ સેરેનિટી ટાવર

તેની ઊંચાઈ 235 મીટર (771 ફૂટ) છે. તે પણ રેસિડેન્સિયલ છે અને તેમાં 69 માળ છે.

ટૂ ICC

ટૂ ICC પણ મુંબઈમાં જ છે, જે 223.2 મીટર (732 ફૂટ) ઊંચી છે. આ ઈમારતમાં 69 માળ આવેલા છે.

વર્લ્ડ ક્રેસ્ટ

વર્લ્ડ ક્રેસ્ટ પણ મુંબઈમાં જ છે, જેની ઊંચાઈ 222.5 મીટર (730 ફૂટ) છે અને તે દેશની આઠમી સૌથી ઊંચી ઈમારત છે. તે 57 માળની છે. તેને બનાવવામાં 321 મિલિયન US ડૉલરનો ખર્ચ થયો હતો.

લોધા વેનેજિયા

દેશની નવમી સૌથી ઊંચી ઈમારત છે, જે 213 મીટર (700 ફૂટ) કરતા વધુ ઊંચી છે. આ ઈમારત 68 માળની છે અને 2017માં બનીને તૈયાર થઈ હતી.

લોધા બેલિસિમો ટાવર

લોધા બેલિસિમો ટાવર પણ મુંબઈમાં જ આવેલું છે અને દેશની 10માં નંબરની સૌથી ઊંચી ઈમારત છે. તે આશરે 197.5 મીટર (648 ફૂટ) ઊંચી છે. 53 માળની આ ઈમારત 2012માં બનીને તૈયાર થઈ હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp