લીબિયામાં ફસાયેલા 500 ભારતીયો જલદી ન નીકળ્યા તો મુશ્કેલી ઊભી થશેઃ સુષમા સ્વરાજ

PC: northeasttoday.in

લીબિયામાં સત્તા સંઘર્ષને પગલે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. ભારત સરકારે લીબિયાની રાજધાની ત્રિપોલીમાં ફસાયેલા ભારતીયોને તાત્કાલિક ધોરણે ત્યાંથી નીકળવાની સલાહ આપી છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, લીબિયામાંથી ભારતીયોને કાઢવા માટે વ્યાપક સ્તર પર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને ત્યાંના પ્રવાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, પરંતુ તેમ છતા ત્રિપોલીમાં 500 કરતા પણ વધુ ભારતીયો ફસાયા છે.

સુષમા સ્વરાજે વધુમાં જણાવ્યું હતું કે, ત્રિપોલીમાં હાલાત ઝડપથી બગડી રહ્યા છે. હાલ વિમાનોનું સંચાલન થઈ રહ્યું છે. આથી, તમામ લોકો પોતાના સંબંધીઓ અને મિત્રોને ત્રિપોલી વહેલામાં વહેલી તકે છોડવા કહો. નહીં તો પછી અમે તેમને ત્યાંથી કાઢી નહીં શકીશું. આ અગાઉ ભારતે ત્રિપોલીમાં રહેતા ભારતીયોને સાવધાની રાખવાની સલાહ આપી હતી. સાથે જ ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર (00218 924201771) જાહેર કર્યો હતો.

જણાવી દઈએ કે, કર્નલ ગદ્દાફીને સત્તા પરથી હટાવવા અને તેમની હત્યા બાદથી લીબિયામાં પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વિદ્રોહી જૂથના નેતા જનરલ હફ્તારની સેના અને અન્ય સશસ્ત્ર દળોની વચ્ચે સંઘર્ષ શરૂ થવાની સૂચના છે. જેને કારણે લીબિયા પર સંકટના વાદળો ઘેરાયા છે.

મંગળવારે મોડી રાત્રે લીબિયામાં ત્રિપોલીના ગીચ વસતિ ધરાવતા વિસ્તારમાં ટોપમારો કરવામાં આવ્યો હતો, જેને કારણે ત્રિપોલીમાં મરનારાઓની સંખ્યા વધી ગઈ છે. લીબિયાની રાજધાની ત્રિપોલીમાં તાજા સંઘર્ષ 4 એપ્રિલે શરૂ થયો હતો. આ સંઘર્ષને કારણે વર્ષ 2011માં થયેલા વિદ્રોહના સ્તર પર ગૃહયુદ્ધ છેડાવાના અણસાર વર્તાઈ રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp