રાજકોટના આજી ડેમમાં નર્મદામાંથી થતી આવક બંધ

PC: twitter.com/nanditathhakur

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ નિષ્ફળ રહ્યું છે ત્યારે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાની સ્થિતિ વધુ કફોડી બની છે. આ પંથકમાં શિયાળાની શરૂઆત હજુ તો થઈ નથી ત્યાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. અને જે જળાશયોમાં પાણી છે તેમાં પણ શિયાળો માંડ-માંડ કાઢે એટલું જ પાણી હોવાના કારણે દુષ્કાળના ડાકલા વાગવાનું અત્યારથી જ શરૂ થઈ ગયું છે. સમગ્ર રાજકોટ જિલ્લાને પાણી પૂરું પાડતાં આજી ડેમમાં પણ પાણીની આવક ઓછી થવા માંડી છે ત્યારે રંગીલું રાજકોટ પાણીની પારાયણ અંગે અત્યારથી જ ચિંતિત થઈ ગયું છે.

ગુજરાતના કેટલાક જળાશયોની વિકટ સ્થિતિ સામે આવી રહી છે. સાધારણ વરસાદને પગલે રાજકોટ જીલ્લામાં પણ આજી ડેમની પરિસ્થિતી મે મહિના સુધી જળસંકટ ઘેરું બની શકે તેવી  સ્થિતિ સર્જાય તેમ છે. આજી ડેમમાં સૌની યોજના મારફત થતી નર્મદાના નીરની આવક બંધ છે. જેને લઈ સૌરાષ્ટ્રની બ્રાન્ચ કેનાલમાં પણ પાણી બંધ કરવામાં આવ્યું છે. હાલમાં આજી ડેમની જળસપાટી 23.50 ફૂટ પર છે. ડેમનું પાણી રાજકોટને 100 દિવસ ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે જેને લઈ રાજકોટ વાસીઓ માટે આવનારા સમયમાં પાણીને લઈ ચિંતાનો વિષય બની રહેશે.

પાણીની સમસ્યાને લઈને સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતો હાલમાં મુશ્કેલીનો સામનો તો કરી જ રહ્યાં છે, પણ હવે સામાન્ય પ્રજાજનને પણ પીવાના પાણી માટે વલખાં મારવાં પડે એવી સ્થિતિ ઊભી થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. અત્રે આપને જણાવી દઈએ કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી સમયે રાજ્ય સરકાર દ્વારા મોટા ઉપાડે સૌની યોજના શરૂ કરવામાં આવી હતી અને નર્મદાના નીરના વધામણાં કરીને મોટાં તાયફાઓ કરવામાં આવ્યાં હતાં, પરંતુ ચાલુ વર્ષે ચોમાસુ નબળું રહેતાં પરિસ્થિતિ વણસી છે. તો બીજી બાજુ 31મી ઓક્ટોબરે સરદાર સરોવર ડેમની પાસે સાધુ બેટ નજીક સરદાર પટેલની વિશાળ પ્રતિમાનું લોકાર્પણ થવાનું છે ત્યારે નર્મદાની મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે, કેમ કે, આ વિસ્તારમાં બોટિંગ તેમ જ લોકાર્પણ કાર્યક્રમમાં જે જળાભિષેક કરવાનો છે તેમાં પાણીની તંગી ન વર્તાય તે માટે અત્યારથી જ પાણી છોડવામાં આવી રહ્યું છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં પાણી પૂરું પાડતી કેનાલોમાં આ પાણી છોડવામાં નથી આવી રહ્યું ત્યારે આવનારા દિવસોમાં પાણી માટે પાણીપત થાય તો નવાઈ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp