70 લાખના ખર્ચે રીનોવેશન કરાવ્યું છતાં, 4 વર્ષમાં બીજીવાર પડ્યો લહેરીપુરા ગેટ

PC: bhaskar.com

વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે શહેરનો 510 વર્ષ જૂનો લહેરીપુરા ગેટ બીજી વખત કડડભૂસ થઈ ગયો છે. લેહરીપુરા ગેટ વચ્ચેનો પાંચ બારી-દરવાજાનો 40 ફૂટ લાંબો ભાગ પડી ગયો છે. આ ઉપરાંત સુરસાગર તરફથી જતા જમણા ભાગના ગેટની છતનો પ્લાસ્ટર સાથેનો અંદરનો બે ફૂટનો ભાગ પડી જતા અગાઉ રૂ.70 લાખના ખર્ચા સામે પ્રશ્નો ઊભા થયા છે. વડોદરા શહેરમાં ઐતિહાસિક મનાતો આ લહેરીપુરા ગેટનો સવારે 7.30 વાગ્યા આસપાસ આ ભાગ તૂટી પડ્યો છે. એક વ્યક્તિ ત્યાં હોવાના રીપોર્ટ પણ મળ્યા છે. પણ આ વ્યક્તિનો બચાવ થયો છે. પડી ગયેલો ભાગ કોર્પોરેશન તરફથી મૂકાયેલી સેફ્ટિ નેટ પર પડ્યો હતો. જેના કારણે આસપાસના લોકોને કોઈ જોખમ ઊભું થયું ન હતું.

આ અગાઉ કોર્પોરેશને રૂ.70 લાખના ખર્ચે રીનોવેશન કરાવ્યું હતું. પણ ચાર વર્ષમાં બીજી વખત ગેટનો ભાગ પડી જતા રીનોવેશન સામે પ્રશ્નો ઊભા થયા છે. વર્ષ 2018માં માર્ચ મહિનામાં અને આ પછી હવે ફરી એકવખત દરવાજામાંથી વિશાળ પોપડા ખરી પડ્યા છે. ચિંતાની વાત એ છે કે, લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોવા છતાં પણ સ્થિતિ સુધરી નથી. કોર્પોરેશનની પ્રોજેક્ટ શાખા અને બિલ્ડિંગ શાખા વિભાગમાં હવે કામગીરી કોણ કરશે એ અંગે સામસામી ખો અપાઈ રહી છે. પ્રોજેક્ટ વિભાગના ઈજનેર પ્રકાશ બ્રહ્મભટ્ટે કહ્યું કે, આ બાબત પૂર્વ ઝોનના બિલ્ડિંગ અને પ્રોજેક્ટ વિભાગના તાબામાં છે. અત્યાર અમારી પાસે મેન્ટેનન્સના કોઈ નાણા નથી. એમની સાથે વાત કરો. પૂર્વ ઝોનના બિલ્ડિંગ અને મેન્ટેનન્સ વિભાગના ઈજનેર રવિ પંડ્યાએ કહ્યું કે, આ કામગીરી અગાઉ પ્રોજેક્ટ શાખાએ કરાવી હતી. હું આવ્યો એને એક વર્ષ થયું છે. સ્ટાફ મોકલીને જાળી દૂર કરાવવા માટે કામગીરી કરી રહ્યો છું. છેલ્લે ક્યારે રિનોવેશન થયું હતું એનો કોઈ પ્રાથમિક અંદાજ કોર્પોરેશનના અધિકારીઓ પાસે ન હતો. નવ ચેતના ફોરમના કન્વીનર કિર્તી પરીખે જણાવ્યું હતું કે, રૂ.70 લાખના ખર્ચે આ કામ પાલિકાએ એક એજન્સી પાસે કરાવ્યું હતું. જે ચાર વર્ષ પણ ટક્યું નથી.

હજું પણ કેટલોક ભાગ પડી જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન ચર્ચામાં છે. પહેલીવાર 2013-14માં લહેરીપુરા ગેટમાંથી એક મોટો પોપડો ખરી પડ્યો હતો. પાલિકાએ એસએસઆઇને કામ સોંપ્યું હતું. એએસઆઇએ ચાર્જ કરેલાં નાણાં વધુ જણાતાં પાલિકાએ આ જાણ કરતાં કામ અધવચ્ચેથી મૂકી દેવાયું હતું. ત્યારબાદ ફરી પાલિકાએ કામગીરીના ટેન્ડર બહાર પાડી કામગીરી સોંપી હતી. સપ્ટેમ્બર 2017માં આ કામગીરી પૂરી થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp