પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી છૂટા કરાયેલા 3 કર્મચારીઓએ ઝેરી દવા પીધી

PC: natcour.com

પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી કામ કરતા કામદારોને છૂટા કરવામાં આવતા કામદારોએ ધરણા પ્રદર્શન કરી તેમને ફરી કામ પર રાખવામાં આવે તેવી માગણી કરી હતી. આ માગણી સાથે હડતાલ પર બેઠેલા કામદારોમાંથી ત્રણ કામદારોએ આજે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પીવાના કારણે કામદારોને સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. 

એક રિપોર્ટ અનુસાર, પાલનપુર સિવિલ હોસ્પિટલનું મેનેજમેન્ટ બનાસ ડેરીના એક ટ્રસ્ટને સોંપી દેવામાં આવ્યું છે. જેના કારણે જુના કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં નવી એજન્સીને હોસ્પિટલનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. નવા કોન્ટ્રાક્ટર દ્વારા હોસ્પિટલમાં કામ કરતા તમામ કામદારોને છૂટા કરવામાં આવ્યા હતા. છૂટા થયેલા હોસ્પિટલના કર્મચારીઓનું કહેવું એવું છે કે, તેઓ ઘણા વર્ષોથી હોસ્પિટલમાં કામ કરે છે. કોઈ પણ નવી કંપની કે નવા કોન્ટ્રાક્ટર આવે તો તેમને હોસ્પિટલમાં કામ પર રાખવામાં આવે છે. જેના કારણે ફરીથી તેમને કામ પર રાખવામાં આવે. તે માટે છૂટા થયેલા કર્મચારીઓએ નવા કોન્ટ્રાક્ટર સામે ધરણા કર્યા હતા પરંતુ નવા કોન્ટ્રાક્ટર દ્વારા પોતાના માણસોને કામ સોંપી દેવામા આવતા ધરણા કરી રહેલા ત્રણ કર્મચારીઓએ તણાવમાં આવીને ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

સમગ્ર મામલો જુના અને નવા કોન્ટ્રાક્ટર વચ્ચે જુના કામદારોને હોસ્પિટલમાં કામ પર રાખવાનો છે. આ વિવાદના આ કારણે છૂટા થયેલા કર્મચારીઓમાંથી ત્રણ કર્મચારીઓએ ઝેરી દવા ગટગટાવી હતી. સમગ્ર મામલે હવે જોવાનું એ રહે છે કે, છૂટા કરવામાં આવેલા કર્મચારીઓને ફરીથી નવા કોન્ટ્રાક્ટર દ્વારા કામ પર રાખવામાં આવે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp