ગુજરાત સરકારની મુશ્કેલી વધી, વાલીમંડળ ફીના મુદ્દે 8 બેઠક પર કરશે સરકારનો વિરોધ

PC: youtube.com

ગુજરાતની સરકાર સામે એક પછી એક આંદોલનનો ઊભા થઇ રહ્યા છે, ત્યારે હવે પેટાચૂંટણીમાં સ્થાનિક લોકોના પ્રશ્નો તો છે જ પરંતુ હવે વધુ એક નવો પ્રશ્ન સરકાર માટે માથાનો દુઃખાવો બનશે અને આ પ્રશ્ન સ્કૂલ ફીનો છે. કોરોનાની મહામારી વચ્ચે શાળાઓ બંધ છે તેથી વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. તેવામાં વાલીઓએ ફી ઘટાડાની માગણીને લઇને હાઈકોર્ટમાં અરજી કરી હતી અને હાઇકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકારે સ્કૂલ ફીમાં 25 ટકાનો ઘટાડો નિર્ણય કર્યો છે પરંતુ, વાલીમંડળ સરકારની આ વાતને માનવા તૈયાર નથી. વાલીમંડળ 50 ટકા ફી માફીની માગ કરી રહ્યું છે, ત્યારે આઠ વિધાનસભાની પેટાચૂંટણી પર વાલીમંડળ દ્વારા ફી માફીનો મુદ્દો ઉઠાવવામાં આવશે અને સરકારની સામે ખાટલા બેઠકો કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવા બાબતે રજૂઆત કરવામાં આવશે.

રિપોર્ટ અનુસાર, અમદાવાદનું વાલી એકતા મંડળ આઠે આઠ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણીમાં ફી માફીના મુદ્દાને લઈને ખાટલા બેઠક કરશે. વાલીમંડળના આગેવાનોનું કહેવું છે કે, શાળાઓ બંધ છે ત્યારે વાલીઓ અવાર નવાર સરકારને સ્કૂલ ફી માફીની બાબતે રજૂઆતો કરી રહ્યા છે પરંતુ ક્યાંકને ક્યાંક સત્તાના નશામાં સરકાર અમને સાંભળવામાં અને અમારા મુદ્દાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ ગઈ છે. પેટાચૂંટણીઓમાં ધારાસભ્યને જીતાડવા પ્રચાર કરવા માટે અને રાજ્યસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોનો વિજય થાય એટલા માટે ધારાસભ્યોની ખરીદી કરવા સરકાર પાસે ઘણું ભંડોળ છે પરંતુ, દેશનું ભવિષ્ય કહેવાતા વિદ્યાર્થીઓના હિત માટે સરકાર પાસે ભંડોળ નથી. વાલી એકતા મંડળ વિદ્યાર્થીઓ મુદ્દે નિષ્ફળ રહેલી સરકારના તમામ મુદ્દાઓ પર આઠ વિધાનસભાની બેઠક ઉપર ખાટલા બેઠકો કરીને સ્થાનિક લોકો અને વાલીઓ સાથે ચર્ચા કરીશે. અમે સરકારની નિષ્ફળ નીતિના કારણે વાલીઓ વિરોધ કરે તે બાબતે ગુજરાતની આઠે આઠ બેઠકો પર જઈને વાલીઓને આ બાબતે જણાવીશું.

વાલીમંડળના આગેવાને વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીને રાજકીય દ્રષ્ટિથી ન જોવી જોઈએ. ચૂંટણીને ગુજરાતના વિકાસ માટે કેવા નેતાઓ ચૂંટીને મોકલાવે તેવી દ્રષ્ટિથી જોવી જોઈએ. એટલા માટે ગુજરાતના લોકોએ શિક્ષિત યુવાનો અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઇને મતદાન કરવાનું છે. અમે 8 વિધાનસભાની બેઠકો પર વાલીઓને મળીશું ખાટલા બેઠકો કરીશું, પોસ્ટરો દ્વારા અભિયાન ચલાવીશુ, ગામડાઓની અંદર સત્તા પક્ષના નેતાઓની પ્રવેશબંધી કરીશું અને તમામ પ્રકારના આયોજનો અને વાલીઓ સાથે સંવાદ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp