આપણા દેશમાં વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે: PM મોદી

PC: PIB

PM નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીમાં કોરોના રસીકરણ અભિયાનના લાભાર્થીઓ અને રસી આપનારાઓ સાથે સંવાદ કર્યો હતો. PMએ બનારસના લોકો, આ કાર્યક્રમમાં સંકળાયેલા તમામ સંલગ્ન ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, દવાખાનામાં સફાઇ કામદારો અને કોરોના રસી સાથે સંકળાયેલ તમામ લોકોનું સ્વાગત કર્યું હતું. કોરોના સ્થિતિના કારણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહી શકવા બદલ તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે આપણાં દેશમાં વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે તેના પ્રથમ બે તબક્કાઓમાં, 30 કરોડ દેશવાસીઓને રસી આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આજે દેશ પાસે તેની પોતાની રસી બનાવવાની ઈચ્છા શક્તિ રહેલી છે. આજે ઝડપી ગતિએ દેશના દરેક ખૂણામાં રસી પહોંચાડવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આજે ભારત વિશ્વની સૌથી મોટી જરૂરિયાત ઉપર સંપૂર્ણ રીતે આત્મનિર્ભર છે અને ભારત બીજા અન્ય દેશોને પણ મદદ કરી રહ્યું છે.

PMએ છેલ્લા છ વર્ષમાં બનારસ અને આસપાસના વિસ્તારોમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં આવેલ પરિવર્તન કે જેણે કોરોના કાળમાં સંપૂર્ણ પૂર્વાચલની મદદ કરી હતી, તેની નોંધ લીધી હતી. તેમણે એ પણ નોંધ્યું હતું કે હવે બનારસ રસીકરણ માટે પણ એવી જ તીવ્ર ગતિનું પ્રદર્શન કરી રહ્યું છે. બનારસમાં 20 હજારથી વધુ આરોગ્ય વ્યવસાયીકોને રસી આપવામાં આવશે. આ માટે, 15 રસીકરણ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. PMએ આ કાર્યક્રમમાં આ વ્યવસ્થાઓ ઊભી કરવા બદલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને તેમના સાથીઓને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે કહ્યું કે આજના સંવાદનો ઉદ્દેશ્ય રસીકરણ અભિયાન અંતર્ગત કરવામાં આવેલ વ્યવસ્થા અને જો કોઈ સમસ્યા હોય તો તેના વિષે ચર્ચા કરવાનો છે. તેમણે રસીકરણ અભિયાનમાં સંકળાયેલ લોકો સાથે વાતચીત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વારાણસીના પ્રતિભાવો અન્ય જગ્યા પર પરિસ્થિતિને સમજવા માટે પણ મદદ કરશે.

PMએ મેટ્રોન, એએનએમ કાર્યકર્તાઓ, ડૉક્ટર્સ અને લેબ ટેક્નિશિયન સાથે પણ વાતચીત કરી હતી. PMએ દેશ તરફથી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. PMએ એક સાધુ જેવા સમર્પણ માટે વૈજ્ઞાનિકોની પણ પ્રશંસા કરી હતી. PMએ એ બાબત પણ નોંધી હતી કે સ્વચ્છતા અભિયાનમાં લેવામાં આવેલ પગલાઓ કે જેમણે એક સ્વચ્છતાની સંસ્કૃતિનું નિર્માણ કર્યું હતું તેના કારણે દેશ આ મહામારી સામે લડવા માટે વધુ સારી રીતે તૈયાર હતો. PMએ મહામારી અને રસીકરણ વિષે પ્રમાણભૂત સંવાદ કરવા બદલ કોરોના યોદ્ધાઓને અભિનંદન પાઠવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp