ટ્રાફિકના નવા નિયમનો વિરોધ કરી રહેલા રાજકોટના વેપારીઓની પોલીસે કરી અટકાયત

PC: youtube.com

રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી પછી ઘણા લોકો નવા નિયમનો વિરોધ કરી રહ્યા છે. 16 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગરના વેપારીઓએ આ નવા નિયમનો વિરોધ નોંધાવ્યો હતો. નવા નિયમના વિરોધમાં સુરેન્દ્રનગરના વેપારીઓ અને દુકાનદારોએ લખતર બજારને બંધ રાખ્યું હતું અને વેપારીઓએ ધરણા કર્યા હતા. વેપારીઓએ નવા કાયદાને કાળો કાયદો ગણાવ્યો હતો. આ ઉપરાંત લખતરના વેપારીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે, ભલે તેમના વાહનો જમા કરી લેવામાં આવે પણ વેપારીઓ આ કાળા કાયદાનું પાલન કરશે નહીં.

લખતર બજારના વિરોધ પછી રાજકોટના જંકશન બજારના વેપારીઓ દ્વારા નવા નિયમનો વિરોધ કરવામાં આવ્યો હતો. જંકશન બજાર વેપારી એસોસિએશન દ્વારા આ નવા નિયમના વિરોધમાં જંકશન બજાર એક દિવસ માટે બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું. વેપારીઓએ બંધ પાળવાની સાથે સાથે આશ્ચર્યજનક કાર્યક્રમો કરવાનું પણ એલાન કર્યું હતું, જેને લઇને સવારથી જ રાજકોટ પોલીસનો કાફલો જંકશન બજારમાં ખડકી દેવામાં આવ્યો હતો.

નવા કાયદાનો વિરોધ કરવા માટે વેપારીઓ એકઠા થાય તે પહેલા જ પોલીસ દ્વારા 20 જેટલા વેપારીઓની અટકાયત કરી લેવામાં આવી હતી. આ વેપારીઓની સાથે સાથે રાજકોટ કોંગ્રેસ દ્વારા પણ નવા નિયમોનો વિરોધ કરવામાં આવનાર હતો, પરંતુ કોંગ્રેસના સભ્યો વિરોધ કરે તે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસના સભ્યોની પણ અટકાયત કરી લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થતા પહેલા જ તેનો વિરોધ જોવા મળ્યો હતો. રાજકોટમાં લોકોએ હેલમેટ રસ્તા પર તોડીને અને ધરણા કરીને વિરોધ નોંધાવ્યો હતો.

જામનગરના કેટલાક લોકોએ રસ્તા પર ઉતરીને એક બાઈકને સફેદ કપડાથી ઢાંકી અને બાઈકને ફૂલહાર પહેરાવીને બાઈક પર એક બોર્ડ લગાડવામાં આવ્યું હતું. બોર્ડમાં લખવામાં આવ્યું હતું કે, હિટલર શાહી સરકારના ત્રાસથી આ ગાડીએ આત્મહત્યા કરેલી છે. આ ઉપરાંત લોકોએ એકઠા થઇને બાઈકના વિમો કઢાવવા માટે અને ટ્રાફિક પોલીસ જે મેમો ફટકારશે તેની ભરપાઈ કરવા માટે મદદની માંગણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp