સુરતમાં PIના નિવૃત્તિ સમારોહમાં જ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા

PC: tosshub.com

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકાર દ્વારા લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું કહેવામાં આવે છે. જે લોકો આ નિયમોનું પાલન નથી કરતા તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ અવાર નવાર રાજકીય પક્ષના લોકો અને પોલીસ દ્વારા સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ કરવામાં આવતો હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ફરી એક વખત આવો કિસ્સો સુરતના લિંબાયત વિસ્તારમાં સામે આવ્યો છે કે, જેમાં લિંબાયત પોલીસ સ્ટેશનના PIના નિવૃત્તિ પહેલા યોજાયેલા એક સન્માન સમારોહમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો હતો અને આ બાબતે એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

રિપોર્ટ અનુસાર સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI વી.એમ. મકવાણા 30 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 વાગ્યે નિવૃત્ત થયા હતા. PI નિવૃત્તિના અવસરે લિંબાયત વિસ્તારમાં એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અન્ય અધિકારીઓનું પણ સ્થાનિક લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ સ્વાગત કાર્યક્રમમાં લોકોના ટોળા એકઠા થતા કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો હતો. ખૂદ PI માસ્ક વગર જોવા મળ્યા હતા. લિંબાયત વિસ્તારમાં લઘુમતી કોમના ગુનેગાર લોકો માટે માથાનો દુખાવો બન્યા હોવાથી PI મકવાણાની શ્રેષ્ઠ કામગીરીના કારણે સ્થાનિક લોકોએ PI મકવાણાને હિન્દુઓ કા શેરનું બિરુદ આપ્યું હતું. લોકોએ હિન્દુઓના શેર તરીકે PIના નામની નારેબાજી કરી હતી. નિવૃત્તિની ગણતરીની મીનીટો પહેલા યોજાયેલા PIના સન્માન કાર્યક્રમમાં નિયમોનો ભંગ થયો હોવાના કારણે PI મકવાણા વિવાદમાં આવ્યા હતા .

ઉલ્લેખનીય છે કે, એક તરફ સુરતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ અવાર નવાર રાજકીય પક્ષો દ્વારા અથવા તો આ પ્રકારના કાર્યક્રમોમાં સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ થાય છે. બે દિવસ પહેલા સુરતમાં ભાજપના કોર્પોરેટરે કોરોનાને મ્હાત આપી હોવાના કારણે તેમનું ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો દ્વારા ઢોલ નગારાથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. તે સમયે પણ ગાઈડલાઈનનો ભંગ થયો હતો. ત્યારે હવે પોલીસ સ્ટેશનના PIના નિવૃત્તિ સમારોહમાં લોકોએ એકઠા થઈને નિયમ ભંગ કર્યો હોવાના કારણે PI વી.એમ. મકવાણા વિવાદમાં આવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે, પોલીસ દ્વારા આ વીડિયો વાયરલ થયા બાદ જવાબદાર લોકો સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp