પવિત્ર યાત્રાધામો ખાતેના જળાશયોમાં ખાસ સ્વચ્છતા અભિયાન

PC: Khabarchhe.com

પાણીની સંગ્રહશક્તિ વધે અને વધુ ને વધુ જળ સંગ્રહ થાય એ આશયથી રાજ્ય સરકાર દ્વારા જન ભાગીદારી થકી રાજ્યભરમાં યોજાઇ રહેલ સુજલામ્ સુફલામ્ જળ અભિયાન સાચા અર્થમાં જન અભિયાન બની ગયું છે. રાજ્યના પવિત્ર યાત્રાધામો અને પ્રવાસન સ્થળો ખાતે પણ સ્વચ્છતા સહિત જળસંગ્રહ માટે ખાસ અભિયાન હાથ ધરાયું છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના જણાવાયા અનુસાર સોમનાથ, ડાકોર, અંબાજી, બહુચરાજી, શામળાજી, પાવાગઢ સહિતના 34થી વધુ યાત્રાધામ-પ્રવાસન સ્થળોની રોજબરોજ ખાસ સફાઇ ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ જળસંરક્ષણ અભિયાનમાં ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને યાત્રાધામો ખાતેના પવિત્ર જળકુંડ, જળાશયો, જળસ્ત્રોત નજીકના વિસ્તારો, ઘાટ, નદી કિનારા જળાશયોના પગથીયા જેવા સ્થાનોને સ્વચ્છતા અભિયાન હેઠળ સાફ-સુથરા કરવામાં આવ્યા છે. આ અભિયાન હેઠળ જળાશયો, જળસ્ત્રોત નજીકના ઘાસ, કચરા, તરતા કચરાનો નિકાલ, નદી-તળાવોને જોડતા માર્ગોની સફાઇ સહિતના કામો હાથ ધરાયા છે.

આ અભિયાન હેઠળ સોમનાથ ખાતેના ત્રિવેણી સંગમ ખાતેથી 70 હજાર ઘનમીટર કાંપ-કચરો દૂર કરાયો છે. ડાકોર ખાતેના ગોમતી તળાવમાં પણ ઉગી નીકળેલ વેલાઓ-અન્ય કચરો દૂર કરાયો છે. અંબાજી ખાતે અંબાજી ટ્રસ્ટ દ્વારા વિવિધ ચેકડેમોમાં 27 હજાર ઘનમીટર ખોદકામ કરવાની કામગીરી પ્રગતિમાં છે. એ જ રીતે બહુચરાજી મંદિરના વલ્લભ ભટ્ટ વાવ ખાતેનું તળાવ, શામળાજીનો નાગધરા કુંડ, પાવાગઢનું પાતાળીયું તળાવ, શેત્રુંજય પર્વત પર આવેલા 17 જેટલા કુંડોમાં સફાઇ સહિત ખોદકામની કામગીરી કરી હાથ ધરવામાં આવી છે. અંબાજી ખાતેના માનસરોવર કુંડ, દ્વારકાના કાકરાસ કુંડ, પાવાગઢનું દૂધિયા અને તેલીયા તળાવની સફાઇ રોજે રોજ કરવામાં આવી રહી છે. સિદ્ધપુરના બિન્દુ સરોવર તથા અલ્પા સરોવરની સફાઇ કામગીરી પૂર્ણ થઇ છે.

આ ઉપરાંત ગળતેશ્વર ખાતેની મહિસાગર નદીનો પટ, વડનગરની કેનાલો, નાગધરો વિસ્તાર, શંખેશ્વર તળાવ, મોરબીનો દરબાર ગઢ પાછળનો નદીનો પટ, ચાણોદનો ત્રિવેણી સંગમ ખાતે પણ નદીના વિસ્તારની સફાઇ, અન્ય કચરો દૂર કરીને રોજબરોજ સફાઇ હાથ ધરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યભરમાં 34 પ્રવાસન-ધાર્મિક સ્થળોએ આ અભિયાન હાથ ધરાયું છે. જેમાં શંખેશ્વર, ગોપી તળાવ, ચોરવાડ, દરબારગઢ-મોરબી, ચાણોદ કરનાળી, ગલતેશ્વર, કલેશી, શુકલતીર્થ, સાપુતારા, પોળો ફોરેસ્ટ, વડનગર, ખેડબ્રહ્મા, ચોટીલા, સારંગપુર હનુમાન, રાણકીવાવ, ગણપતપુરા, ખોડીયાર માતા, માંડવી બીચ, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર, માતાનો મઢ, સરદાર પટેલ મેમોરિયલ, દેવગઢ બારિયા, હરસિદ્ધ માતા, રાજપીપળા, સફેદ રણ, લખપત કિલ્લો, અડાલજ, જેસલ-તોરલ સમાધિ, સરખેજ રોઝા, મોઢેરા, સિદ્ધપુર ખાતેના જળાશયો-જળસ્ત્રોતોમાં ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને સફાઇ અભિયાન હાથ ધરાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp