માંજરેકરના મતે આ ખેલાડીને કારણે સાઉથ આફ્રિકામાં વન-ડે મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા

PC: twitter.com

સાઉથ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો 0-3થી સફાયો થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાના સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું આ સમગ્ર પ્રવાસમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. રવિચંદ્રન અશ્વિને દક્ષિણ આફ્રિકા સામેની 2 વનડેમાં માત્ર 1 વિકેટ લીધી હતી. ત્રીજી વનડેમાં પણ તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ સાઉથ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં ફ્લોપ સાબિત થયો છે. અશ્વિનનું પ્રદર્શન એટલું નબળું રહ્યું છે કે આ સાઉથ આફ્રિકા પ્રવાસની સાથે જ તેની વનડે કારકિર્દી પૂરી થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે.

આ દરમિયાન પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે રવિચંદ્રન અશ્વિનને ODI ટીમમાં લેવા પર સવાલ ઉઠાવ્યા છે. સંજય માંજરેકરે કહ્યું કે, ટીમ ઈન્ડિયાએ રવિચંદ્રન અશ્વિનને વનડે શ્રેણીમાં રમાડીને મોટી અને ભારે કિંમત ચૂકવી છે. સંજય માંજરેકરે સાઉથ આફ્રિકા પ્રવાસ ટુરમાં રમાયેલી ODI શ્રેણીમાં ભારતની મુશ્કેલી પાછળ રવિચંદ્રન અશ્વિનને જવાબદાર ગણાવ્યો છે. સંજય માંજરેકરે કહ્યું, 'ટીમ ઈન્ડિયાને માત્ર એક સ્પિનરની નહીં પણ ગેમ ચેન્જર સ્પિનરની જરૂર છે. જે મીડલ ઓવરોમાં વિકેટ લઈને મેચનું પાસુ પલટી શકે.' સંજય માંજરેકરનું માનવું છે કે 4 વર્ષ પછી અશ્વિનને વનડેમાં પસંદ કરવાનો નિર્ણય થોડો અલગ કહી શકાય એવો હતો. સંજય માંજરેકરના મતે, ભારતને નબળી પસંદગીની કિંમત ચૂકવવી પડી. અશ્વિનને શ્રેણીની પ્રથમ બે વનડેમાં તક મળી હતી, પરંતુ તે માત્ર એક જ વિકેટ મેળવી શક્યો હતો. 20 ઓવરની બોલિંગમાં તેણે 121 રન ખર્ચ્યા હતા. અશ્વિન વિચિત્ર રીતે કોઈ કારણોસર ભારતની ODI ટીમમાં પાછો ફર્યો.

ભારતીય ક્રિકેટ ટીમે આની કિંમત સાઉથ આફ્રિકામાં ચૂકવી છે. અશ્વિને બે મહત્વની વનડે રમી હતી અને તેમાં કોઈ ખાસ પર્ફોમ કર્યું ન હતું. યુઝવેન્દ્ર ચહલ પણ આ યાદીમાં સ્કેનર હેઠળ છે. પ્રખ્યાત કૃષ્ણને થોડા વધુ સમર્થનની જરૂર છે. તેમજ મોહમ્મદ શમી 50 ઓવરમાં સારો વિકલ્પ બની શકે છે.

મેં એવું જોયું છે કે ચહલ આ રોલમાં કેટલો ફિટ બેસે છે. મને નથી લાગતું કે જયંત યાદવ કે રવીન્દ્ર જાડેજા જેવું કંઈ કામ કરશે. માંજરેકરે કહ્યું, 'સમય આવી ગયો છે જ્યારે ભારતે કુલદીપ યાદવ તરફ વિચારવું જોઈએ. માત્ર કાંડાની કરામતથી જ મેચમાં વિકેટ મળી શકે છે. માંજરેકરને કુલદીપની તરફેણ કરતા જોઈને કંઈ ખોટું હોય એવું લાગતું નથી. કારણ કે તે મીડલ ઓવરોમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર છે. કુલદીપ યાદવે 11 થી 40 ઓવરની વચ્ચે કુલ 68 વિકેટ લીધી છે જે સૌથી વધુ છે. તેની સરખામણીમાં ઈંગ્લેન્ડનો આદિલ રાશિદ 59 વિકેટ લઈને બીજા નંબર પર છે. તે જ સમયે, યુઝવેન્દ્ર ચહલ 50 વિકેટ સાથે આ યાદીમાં ત્રીજા નંબર પર છે. માંજરેકરે કહ્યું કે જો કોઈ સ્પિનર મધ્ય ઓવરોમાં 3-4 વિકેટ લે છે, તો તે ડેથ ઓવરોમાં બુમરાહ જેવા ઝડપી બોલરનું કામ સરળ બનાવી દેશે.

રવિચંદ્રન અશ્વિને દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં કુલ બે મેચ રમી હતી, જેમાં તેને માત્ર એક જ વિકેટ મળી હતી. પ્રથમ મેચમાં અશ્વિને 53 રન આપીને એક વિકેટ લીધી હતી, બીજી મેચમાં તેને એક પણ વિકેટ મળી ન હતી. પરંતુ 68 રન ચોક્કસથી આપી દીધા હતા. અશ્વિન માટે માત્ર વનડે શ્રેણી જ નહીં, પરંતુ ટેસ્ટ શ્રેણી પણ સારી રહી ન હતી. ત્રણેય ટેસ્ટ રમી અને માત્ર ત્રણ વિકેટ લીધી. તેને પ્રથમ ટેસ્ટમાં બે વિકેટ, બીજી ટેસ્ટમાં એક વિકેટ અને છેલ્લી ટેસ્ટમાં કોઈ વિકેટ મળી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp