DGP શિવાનંદ ઝા, તમે મારી જવાબદારી નથી તેમ કહી પોલીસવાળાઓનો હાથ છોડી શકો નહીં

PC: facebook.com/himanshu.vaghela.104

તા 14મી ફેબ્રુઆરીના રોજ અમે ગુજરાત પોલીસ દળના નાના મોટા પોલીસ કર્મચારીઓને પડી રહેલી રજાની તકલીફ સહિત માનસિક તણાવ સંબંધી એક સ્ટોરી લખી હતી, જેમાં નોકરીના નિયત કલાકો કરતા વધુ કામ કરતા પોલીસ કર્મચારીઓને થઈ રહેલી માનસિક અને શારીરિક તેમજ સામાજિક સમસ્યાઓઓ તરફ DGPનું ધ્યાન દોરવાનો પ્રયત્ન હતો, તેમાં DGPની ટીકા કરવાનો અથવા તેમને આમ જનતા વચ્ચે ઉતારી પાડવાનો જરા પણ પ્રયાસ અથવા તેવી લાગણી ન હતી. આમ છતાં DGP ઓફિસ હસ્તકના સ્ટેટ કંટ્રોલ રૂમના નાયબ પોલીસ અધિક્ષક જી.જી.જસાણીએ DGP શિવાનંદ ઝા વતી મોકલાવેલો રદીયો પણ અમે વાંચકો સામે મૂકીએ છીએ કારણ પત્રકારત્વના ધોરણ પ્રમાણે જેમના અંગે સમાચાર પ્રસિદ્ધ થાય તેમનો મત પણ જાણવો અને પ્રસિદ્ધ કરવો જોઈએ, જેનો ભાવાર્થ અહિંયા મૂકીએ છીએ

(1) DGP રાહ જોઈ રહ્યા છે હજુ થોડા પોલીસ આત્મહત્યા કરે પછી માનસીકતા બદલીશું આ મથાણા હેઠળ પ્રસિદ્ધ થયેલા સમાચારની વિગતો સાચી નથી.

(2) લોક રક્ષકથી લઈ ડીવાયએસપી સુધીની રજા મંજૂર અથવા નામંજૂર કરવાની સત્તા શહેરમાં કમિશનર પાસે અને જિલ્લામાં ડીએસપી પાસે છે. આ કક્ષાના અધિકારી રજા મંજૂર અને નામંજુર કરવાની સત્તા DGP કચેરી પાસે નથી.

(3) રજા આપવાનો નિર્ણય સંપૂર્ણ રીતે સ્થાનિક કક્ષાએ લેવામાં આવતો હોય છે. દરેક વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને આધીન સ્થાનિક અધિકારીઓ તેનો નિર્ણય લેતા હોય છે. તાજેતરમાં સુરત પોલીસને વિકલી રજા આપવાનો નિર્ણય કર્યો, તેને અમે આવકાર્યરીએ છીએ પરંતુ આ નિર્ણયમાં DGP ઓફિસનો કોઈ આદેશ નથી અને તેની સમીક્ષા પણ અમે કરતા નથી.

(4) ત્રણ પોલીસ અધિકારીઓએ કરેલી આત્મહત્યા માટે DGPને જવાબદાર ગણવા યોગ્ય નથી કારણ આ આત્મહત્યા રજા નહીં મળવાને કારણે થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું નથી. આમ હેડિંગ અને તેની વિગતો એકબીજા સાથે સુસંગત જણાતી નથી. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓને રજા આપવા અને તેમનો તણાવ ઘટે તે અંગેના કોઈ આદેશ DGP ઓફિસ દ્વારા આપવામાં આવ્યા નથી, કારણ આ પ્રકારના કોઈ અધિકારનો ઉપયોગ DGP ઓફિસ કરતી નથી. આમ આવી ઘટના માટે DGPને જવાબદાર માની શકાય નહીં, તેના કારણો રજૂ કર્યા છે.

(5) આપની વેબસાઈટ ગુજરાતની અગ્રણ્ય વેબસાઈટ છે. ઈન્ટરનેટ ઉપર મૂકવામાં આવતા સમાચારની વિશ્વસનીયતા જળવાઈ રહે તે જોવાની નૈતિક જવાબદારી માધ્યમોની છે. જ્યારે રાજ્યના ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવતા પોલીસ અધિકારી સામે ખોટા આરોપ મૂકતા સમાચાર પ્રસિદ્ધ થાય ત્યારે પ્રજા માનસમાં પ્રશ્નાર્થ ઉભો થાય છે. આમ આ સમાચાર સત્ય વિહીન છે તેથી અમે રદીયો આપી છીએ જે પ્રસિદ્ધ કરવા વિનંતી છે.

DGP શિવાનંદ ઝાના ઉલ્લેખ સાથે હેડિંગ સાથે પ્રસિદ્ધ થયેલા સમાચાર સંદર્ભમાં DGP ઓફિસ દ્વારા મોકલવામાં આવેલો રદીયો અમે વાંચકો સામે મૂક્યો છે, જેના સંદર્ભમાં હવે અમારે પણ કંઈક કહેવાનું થાય તે પણ અહિંયા મૂકીએ છીએ

(1) DGP રાહ જોઈ રહ્યા છે હજુ વધુ પોલીસ અધિકારીઓ આત્મહત્યા કરે પછી આપણે માનસિકતા બદલીશું તેવા મથાળા નીચે પ્રસિદ્ધ થયેલા સમાચાર સત્ય વિહીન હોવાનું આપને એટલા માટે લાગ્યું કે મથાળામાં આપનો ઉલ્લેખ થાય પણ જે મથાળુ તે વ્યંગાત્મક છે, જેમાં આપની કોઈ જવાબદારી નથી, તે અમે પણ જાણીએ છીએ પણ આપ ગુજરાત પોલીસના વડા હોવાને કારણે અમે મથાળામાં DGP શબ્દનો પ્રયોગ કર્યો હતો. જ્યાં સુધી માનસિકતા બદલવાનો સવાલ છે ત્યાં સુધી અમે તમને 30 વર્ષથી એક પોલીસ અધિકારી તરીકે કામ કરતા જોયા છે. તમે નાના તબ્બકાના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે સહિષ્ણુ વ્યવહાર કરો છો અને તેમની સમસ્યા સમજો છે, તેવી જ રીતે ગુજરાતના તમામ સિનિયર પોલીસ અધિકારીઓ તેવી માનસિકતા સાથે કામ કરે તેવું કહેવાનો ઈરાદો છે જે સ્વંય સ્પષ્ટ છે.

(2) લોકરક્ષકથી લઈ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની રજા મંજૂર કરવાની સત્તા પોલીસ કમિશનર અને ડીએસપી પાસે છે તે વાતથી અમે સારી રીકે વાકેફ છીએ, અમે જાણીએ છીએ કે તેમાં તમે કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ કરતા નથી, પરંતુ અમે તમારું રાજયના પોલીસ વડા તરીકે ધ્યાન દોરવા માગતા હતા કે શહેર અને જિલ્લામાં કામ કરતી પોલીસને રજા નહીં મળવાને કારણે શારીરિક-માનસિક અને સામાજિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આમ તમે તે દિશામા કંઈક કરો એટલી જ વિનંતીનો સુર હતો.

(3) DGP ઓફિસ રજા આપવા અને નામંજૂર કરવા મુદ્દે કોઈ નિર્ણય લેતી નથી અને તે અંગે તમે કોઈ આદેશ પણ આપ્યો નથી તે વાત સાચી છે. આપે સુરત પોલીસને વિકલી ઓફ આપવાની જાહેરાતની પ્રસંશા કરી છે, અમે એટલું જ કહેવા માગીએ છીએ, સુરત પોલીસ દ્વારા પોલીસને વિકલી ઓફ આપવાની જે સારી શરૂઆત કરવામાં આવી તેવી શરૂઆત ગુજરાત પોલીસના તમામ પોલીસ કમિશનરો અને ડીએસપી કરે. આમ એક નવી શરૂઆત માટે આદેશ આપી શકો નહીં, તેનાથી અમે વાકેફ છીએ પણ પોલીસ દળના વડા તરીકે આપ એક સારી શરૂઆત માટે સૂચન તો અવશ્ય કરી શકો એટલું જ અમારે કહેવાનું છે.

(4) રાજ્યના ત્રણ પોલીસ અધિકારીઓ આત્મહત્યા કરી તેના માટે કાયદાકીય રીતે આપ જવાબદાર નથી. રાજ્યમાં કર્જમાં ડૂબેલો ખેડૂત આત્મહત્યા કરે તો રાજ્યના મુખ્ય પ્રધાન કાયદાકીય રીતે જવાબદાર નથી, રોડ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થાય તો ટ્રાફિક કમિશનર તેના માટે કાયદાકીય રીતે જવાબદાર નથી, તેનાથી અમે સારી રીકે વાકેફ છીએ પણ વાત અહિંયા કાયદાની નથી, પણ સંવેદનાની છે. આપ સંવેદનશીલ અધિકારી છો, જે પોલીસ અધિકારીઓ આત્મહત્યા કરી તેમને રજા નહીં મળવાને કારણે આત્મહત્યા કરી તેવી કાગળ ઉપર નથી છતાં તમામ આત્મહત્યા કરનાર વ્યક્તિઓ તણાવમાં જ હોય છે અને ત્યારે જ તે અંતિમવાદી પગલું ભરે છે તેવું મેડિકલ સાયન્સ પણ કહે છે. આમ પોલીસ તણાવમાં કામ કરી રહી છે, તે પીડા તરફ તમારું ધ્યાન દોરવાનો પ્રયાસ હતો. આમ પોલીસની આત્મહત્યા માટે કાયદાકીય આપની જવાબદારી નથી, તે વાત સાચી પણ આપ મારી નૈતિક જવાબદારી પણ નથી તેમ કહી પોલીસનો હાથ છોડી શકો નહીં.

(5) આ સમાચાર ખોટા છે અને આપ જેવા ઉચ્ચ હોદ્દા ઉપર બેસતા અધિકારીને પ્રજામાં ઉતારી પાડવાનો પ્રયાસ હરગીજ નથી. પત્રકારત્વના ધોરણો પ્રમાણે અમારી જે કઈ નૈતિક જવાબદારી છે તેને ચુસ્તતા પ્રમાણે વળગી રહેવાનો અમારો સતત પ્રયાસ છે. આ સમાચારનો હેતુ આપની વિરુદ્ધ આરોપ મૂકવાનો અથવા પ્રજા માનસમાં તમારુ જુદુ ચિત્ર ઉભું કરવાનો ઈરાદો નથી. પણ આ સમાચાર દ્વાર ગુજરાત પોલીસ જડ વ્યવસ્થાને જગાડવાનો અને ઢંઢોળવાનો પ્રયાસ છે. જેના કારણે બહુ નહીં તો થોડાક નવી અને સારી ઘટના ગુજરાત પોલીસના જવાનોના જીવનમાં થાય બસ આટલું જ.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp