ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવાય? બે વર્ષમાં એટલા રૂપિયાનો દારૂ પકડાયો કે ચોંકી જશો

PC: counterview.net

ગુજરાત ડ્રાય સ્ટેટ છે કે દારૂબંધી ઉઠાવી લેવામાં આવી છે તે પ્રશ્નનો જવાબ મેળવવો કઠીન છે, કારણ કે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં એટલો દારૂ પકડાયો છે કે જેનો આંકડો જાણીને ચોંકી જવાય છે. બે વર્ષમાં પોલીસે રાજ્યભરમાંથી 215 કરોડ રૂપિયાનો દારૂ પકડ્યો છે.

રાજ્યના ગૃહ વિભાગે વિધાનસભામાં આપેલા સત્તાવાર આંકડા પ્રમાણે રાજ્યમાંથી છેલ્લા બે વર્ષમાં 215 કરોડ રૂપિયાનો દારૂ પકડવામાં આવ્યો છે. એટલું જ નહીં 68.66 કરોડ રૂપિયાના કેફી દ્રવ્યો પકડવામાં આવ્યા છે. મહાત્મા ગાંધીજીનું ગુજરાત હોવા છતાં આટલી મોટી રકમનો દારૂ પકડાય છે ત્યારે સવાલ એ થાય છે કે દારૂ પિવાતો કેટલો હશે. ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે કોરોના સંક્રમણના 67 દિવસોમાં અગાઉના વર્ષ કરતાં વધુ દારૂ પકડાયો છે.

સરકારી આંકડાકીય માહિતી માહિતી મુજબ છેલ્લા બે વર્ષમાં 198 કરોડ 30 લાખ 12 હજાર 826 રૂપિયાની કિંમતની 15 કરોડ 58 લાખ 65 હજાર 199 વિદેશી દારૂની બોટલો પકડવામાં આવી. જ્યારે 3 કરોડ 65 લાખ 92 હજાર 833ની કિમતનો 34 લાખ 72 હજાર 722 લીટર દેશી દારૂનો જથ્થો પકડવામાં આવ્યો છે.

આ ઉપરાંત બે વર્ષમાં રાજ્યમાંથી 13 કરોડ 18 લાખ 33 હજાર 348 રૂપિયાની કિંમતની 41 લાખ 23 હજાર 503 બિયરની બોટલો પણ જપ્ત કરવામાં આવી. આમ કુલ 215 કરોડ 14 લાખ 39 હજાર 007ની કિંમતનો દેશી-વિદેશી દારુનો જથ્થો રાજ્યમાંથી જપ્ત કરવામાં આવ્યો છે.

દારુ સિવાય ગુજરાતમાં વિવિધ કેફી દૃવ્યોનું વ્યસન પણ પંજાબની જેમ ફાલીફૂલી રહ્યું છે. જેની માહિતી વિધાનસભામાં આપવામાં આવી છે. આ માહિતી પ્રમાણે રાજ્યમાં બે વર્ષમાં 68 કરોડ 60 લાખ 33 હજાર 310 રૂપિયાની કિંમતનો કેફી દૃવ્યોનો જથ્થો નાર્કોટિક વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

ડ્રગ્સના આ જથ્થામાં અફીણ, ગાંજો, ચરસ, પોસડોડા અને તેનો પાવડર, હેરોઇન, મેફેડ્રોન (MD)નો સમાવેશ થાય છે. જો કે સરકાર દ્વારા આ ગુનામાં કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી તે માહિતી આપવામાં આવી નથી પરંતુ દારૂ અને કેફી દૃવ્યોના ગુનામાં 4545 આરોપીઓની ધરપકડ થવાની બાકી છે. સૌથી વધુ દારૂ અમદાવાદ અને રાજકોટમાંથી પકડવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp