Video: ઓક્સિજન અછતની સ્થિતિને લઇ રડી પડ્યા હોસ્પિટલના CEO, બોલ્યા- વિકટ સ્થિતિ

PC: twitter.com

ભારતમાં કોરોના વાયરસની સેકન્ડ વેવ ચાલી રહી છે. જેને લઇ દેશની મેડિકલ વ્યવસ્થા વેન્ટિલેટર પર છે. દેશના દરેક ભાગોમાંથી ઓક્સિજન અને બેડની અછતના સમાચારો સામે આવી રહ્યા છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે દેશની સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્રને ઠપકો આપ્યો છે. એવામાં દિલ્હીમાં હાલમાં સ્વાસ્થ્ય વ્યવસ્થાની સ્થિતિ કફોડી બની છે. દિલ્હીની ઘણી કોરોના હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. દિલ્હીના શાંતિ મુકુંદ હોસ્પિટલના CEO ડૉ. સુનીલ સાગર હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતની સ્થિતિ અંગે જણાવતા રડી પડ્યા. તેમણે કહ્યું કે આ વિકટ સ્થિતિ છે. અમારી પાસે ખૂબ જ ઓછી ઓક્સિજન બચી છે. અમે ડૉક્ટરોને દર્દીઓને ડિસ્ચાર્જ કરવાનો આગ્રહ કર્યો છે, જેને પણ રજા આપી શકાય તેને આપો. ઓક્સિજન બે કલાક કે થોડા સમયમાં ખતમ થઇ જશે.

દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે શહેરની ઘણી હોસ્પિટલોમાં ઓક્સિજન સંપૂર્ણ રીતે ખતમ થઇ ગયો છે. સરજો, રાઠી, શાંતિ મુકુંદ, તીરથ રામ હોસ્પિટલ, યૂકે હોસ્પિટલ, જીવન હોસ્પિટલોનું કહેવું છે કે અમારી પાસે ઓક્સિજન ખતમ થઇ ગયો છે. અમે જેમ તેમ તેમને ઓક્સિજન આપવાની કોશિશ કરી રહ્યા છીએ.

મનીષ સિસોદિયાએ કહ્યું કે, જ્યારે કેન્દ્ર સરકારે દિલ્હીની ઓક્સિજન સપ્લાઇ વધારી દીધી છે તો હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરકાર આ પ્રકારનો વ્યવહાર શા માટે કરી રહી છે, જેમકે દિલ્હીનો ઉત્તર પ્રદેશ અને હરિયાણા સાથે ઝઘડો છે.  દિલ્હીના ઓક્સિજન સંકટ પાછળનું મુખ્ય કારણ હરિયાણા અને ઉત્તર પ્રદેશ દ્વારા ઓક્સિજન માટે જંગલ રાજ છે. તેમની સરકાર, અધિકારીઓ અને પોલીસ દિલ્હીમાં ઓક્સિજન પૂરા પાડવા નથી દઇ રહી. અમારા અધિકારીઓએ તેમના અધિકારીઓ સાથે વાત કરી, અમે ભારત સરકાર સાથે વાત કરવાની કોશિશ કરી પણ જમીની હકીકત જુદી છે.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાંથી ઓક્સિજન સિલિન્ડરની અછત જોવા મળી રહી છે. હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાઇની અછત સર્જાઇ રહી છે. એવામાં દર્દીના પરિજનોને ઓક્સિજનની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવી રહ્યું છે. પરિજનો ઓક્સિજન લેવા માટે કલાકો સુધી લાઇનોમાં ઊભા રહે છે. છતાં ખાલી હાથે પાછા આવવું પડે છે. દેશમાં ઘણાં ભાગોમાં ઓક્સિજન સિલિન્ડરનું બ્લેક માર્કેટિંગ પણ જોવા મળી રહ્યું છે. જેને લઇ સામાન્ય નાગરિક પરેશાન છે. કેટલાક સ્થળોએ તો લોકો વચ્ચે ઓક્સિજનને લઇ મારામારી પણ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp