18 દિવસ ઓક્સીજન પર રહી સુરતના 57 વર્ષીય શૈલેશભાઈએ કોરોનાને મ્હાત આપી

PC: Khabarchhe.com

સુરતની સ્મીમેર હોસ્પીટલમાં સતત 18 દિવસ ઓક્સીજન પર રહી 57 વર્ષીય શૈલેશભાઈ બ્રહ્મભટ્ટ કોરોનાને મ્હાત આપવામાં સફળ થયા છે.પોતાના પરિવારના વડા સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. તંદુરસ્તી બક્ષવાનો યશ તેઓ કોરોના યોદ્વા ડોકટર અને આરોગ્ય સ્ટાફને આપે છે.

સુરતના ડીંડોલી વિસ્તારના ઓમનગર સોસાયટીમાં રહેતા શૈલેશભાઈ મગનભાઈ બ્રહ્મભટ્ટ મૂળ ખેડા જિલ્લાના પરીયેજ ગામના વતની છે. વર્ષોથી સુરતમાં રહી ઇન્સોરેન્સ સેક્ટરમાં એડવાઈઝર તરીકે કાર્ય કરે છે. તેમના પરિવારમાં આજે ખુશહાલીનો માહોલ છે.

શૈલેષભાઇ જણાવે છે કે, મને તાવ અને ખાંસી જણાંતા ફેમીલી ડોક્ટરથી સારવાર લીધી હતી. 21 જુલાઈના રોજ શ્વાસ લેવામાં તકલીફ જણાતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ કરાવી હતી. જ્યાં ઓક્સીજન સેચ્યુરેશન લેવલ ઓછુ હતું. ત્વરિત સ્મીમેર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા. શ્વાસની તકલીફના કારણે ઓક્સીજન આપવામાં આવ્યો હતો. બીજા દિવસે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. પરંતુ ડોક્ટર દ્વારા સારવાર પહેલાથી જ આપવામાં આવી રહી હતી. જેના કારણે આજે મને નવજીવન મળ્યું છે અને મારા પરિવારમાં પણ ખુશાલીનો માહૌલ છવાઇ ગયો છે.

હોસ્પીટલમાં સવાર-સાંજ ડોક્ટર વિઝીટ કરી મારી તબિયત ચેક કરતા. તેમજ દિવસભર હોસ્પીટલનો અન્ય સ્ટાફ અમારા સ્વાસ્થ્યની કાળજી લેતો હતો. તેથી ડોક્ટરની અને સ્ટાફની સખત મહેનત જોઈ મને પણ વિશ્વાસ થયો કે હું આ બીમારીમાંથી બહાર આવી જઈશ, એમ શૈલેષભાઇ જણાવે છે.

શૈલેષભાઇની તંદુરસ્તીમાં સુધારો થતાં, 5 ઓગસ્ટના રોજ સુરત જનરલ હોસ્પીટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. જ્યાં સંપૂર્ણ સ્વસ્થ થતા 7 ઓગસ્ટના રોજ રજા આપવામાં આવી હતી. તેમજ 10 દિવસ હોમ કવોરન્ટાઇન રહેવાની સલાહ આપવામાં આવી હતી.

શૈલેશભાઈ કહે છે કે, સ્મીમેર હોસ્પિટલના તબીબી સ્ટાફ દ્વારા સમયસર સારવાર તેમજ સવાર સાંજ ચા-નાસ્તો, ભોજન, પાણી આપવામાં આવતું હતું. આવી તમામ રીતે લેવાયેલી પૂરતી કાળજીના કારણે 18 દિવસ સતત ઓક્સીજન પર રહી કોરોનાની લાંબી લડાઈ લડ્યો છુ. જેનું સંપૂર્ણ શ્રેય હોસ્પીટલના તમામ સ્ટાફને જાય છે. તેઓએ મને નવજીવન આપ્યું છે તેઓની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે.

 સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સામાન્ય જનતા માટે આશિર્વાદરૂપ બની છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં પરિવારના વડા જેમના ઉપર ઘરની ગુજરાન ચલાવવાની જવાબદારી હોય અને તે સભ્યને કોરોનાનું સંક્રમણ થાય તો પરિવાર પર આભ તૂટી પડે. આવા સંજોગોમાં સ્મીમેર હોસ્પીટલના ફરજ પરના ડોકટરો કોરોનાગ્રસ્ત દર્દીઓની સંભાળ રાખી તેમનું મનોબળ મજબુત કરી તેમને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરી રહયા છે. આ ઉપરાંત, રાજ્ય સરકારના સહયોગથી સુરત મહાનગરપાલિકાએ હજારો દર્દીઓની પરિસ્થિતિ સમજીને તમામ સારવારનો ખર્ચ ઉઠાવી તેઓને રાહત આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp