સુરેન્દ્રનગરમાં 9 કરોડની ટિકિટ વેચાયાની વાત બાદ, ફરી એક વખત ટિકિટ વેચાઈ?

PC: facebook.com

ભાજપમાંથી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાને સુરેન્દ્રનગરથી ટિકિટ આપતા ભાજપમાં બળવો થયો છે. જેમાં ફરી એક વખત સુરેન્દ્રનગરમાં ચૂંટણી લડવા માટે ટિકિટનું વેચાણ થવાનો આરોપ લાગી રહ્યો છે. આજ સુધી કોંગ્રેસ કરતી હતી, હવે પૈસા લઈને ટિકિટ આપવાનું તે કામ ભાજપ કરી રહ્યો છે. આ વખતે ગરીબ ઉમેદવારની ચૂંટણી નથી. પણ ઉદ્યોગપતિઓની મૂડીવાદી ચૂંટણી છે.

પૈસાથી ટિકિટ આપીઃ દેવજી 

ભાજપના સુરેન્દ્રગરના સાંસદ દેવજી ફતેહપરાએ આરોપ લગાવ્યો હતો કે, મારી ટિકિટ કાપવામાં આવી છે તે પૈસાના જોરે આ ટિકિટ કપાવી છે. ભાજપના ધારાસભ્ય ધનજી પટેલ અને જયંતિ કવાડિયાએ ટિકિટ કપાવી છે. આગામી દિવસોમાં હું મારા સમાજના લોકો સાથે બેઠક કરીશ, અને સમાજ જે દિશામાં જવાનું કહેશે તે દિશામાં જઇશ. ભાજપમાં જૂથવાદ છે, હું મારા સમાજને એકઠો કરીશ અને જો સમાજ કહેશે કે ભાજપના ઉમેદવારને હરાવો તો હરાવવા માટે પુરતી મહેનત કરીશ. કોંગ્રેસમાં રહેવું કે ભાજપમાં રહેવું તે સમાજ નક્કી કરશે. સમાજ કહેશે તો ભાજપ છોડી દઈશ. સમાજ કહેશે કે કોને હરાવવો છે તો તેને હરાવવા માટે તમામ કામ કરીશ. હું મારા સમાજના આગેવાનોને બોલાવીશ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખને બોલાવીશ, સમાજ જે નિર્ણય કરશે ત્યારબાદ હું નિર્ણય કરીશ. હું મારી વાત રાખીશ. પછી સમાજ જે નિર્ણય કરશે તે હું આગળ કરીશ. હું મારા સમાજ સહિત તમામ સમાજના લોકોને સાથે લઈ ચાલ્યો છું. પૈસાના જોરે કોળી સમાજના આગેવાનનું પત્તુ કાપવામાં આવ્યું છે. જો મારો સમાજ મને કોંગ્રેસમાં જોડાવાનું કહે તો હું તેમ પણ કરી શકુ છું. અને ભાજપમાં રહી જે ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે તેના પડખે ઉભા રહેવાનું કહે તો તેવું પણ કરીશ. હું કોઈ હાલી મવાલી નથી કે પક્ષ સામે જઈને કહું કે મારી ટિકિટ કેમ કાપી.

85 ટકા સેન્સ મારી સાથે હતી પરંતુ સેન્સ પ્રક્રિયા નાટક છે

દેવજીનું કહેવું છે કે 85 ટકા સેન્સ મારી સાથે હતી. તેમ છતા રૂપિયાના જોરે ધનજીભાઈએ બધુ ગોઠવ્યું છે. મહેન્દ્ર મુજપરાનું ગૌત્ર જ કોંગ્રેસનું છે. મેં નાનામા નાના કાર્યકરોના કામ કર્યા છે હવે જુના ભાજપ જેવું ભાજપ રહ્યું નથી. ભાજપમાંથી જુના જોગીઓ જતા રહ્યા છે. જેથી મારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે. ભાજપમાં હંમેશાં સેન્સના આધારે ઉમેદવાર નક્કી થાય છે. આ વખતે મારા વિસ્તારમાં મારી સેન્સ 85થી 95% હતી, જે આઈ.બી. ના રિપોર્ટમાં પણ સામે આવ્યું છે. સેન્સ પ્રક્રિયાને નાટક છે. હું 5 વર્ષનો હિસાબ સુરેન્દ્રનગરની જનતાને આપીશ. જેની એક પુસ્તિકા છપાવી છે. 

જયંતિ કવાડિયાને હરાવ્યા એટલે ટિકિટ કપાવી 

દેવજીએ વધુમાં કહ્યું કે ધારાસભ્ય ધનજી પટેલ અને હળવદના નેતા જયંતિ કવાડિયાએ મારી ટિકિટ આ બન્ને નેતાઓએ કાપી છે. હું કોંગ્રેસમાં હતો ત્યારે મેં અગાઉ જયંતિ કવાડિયાને હરાવ્યા હતા. તેથી તેમણે મારી ટિકિટ કપાવી છે. ધનજી પટેલે તેના ભાણેજને બિઝનેસ કરવા માટે મને મળેલો દિલ્હીનો બંગલો માંગ્યો હતો, જે મે આપવાની ના પાડતા તેમણે અને જયંતી કાવડીયાએ પૈસાના જોરે મારી વિરુદ્ધ કાવતરૂ રચી મારી ટિકિટ કપાવી. મેં જયંતિ કવાડિયાને હરાવ્યા હતા ત્યારથી તેને મારી સાથે સમસ્યા છે, મને હળવદમાં ક્યારેય કોઈ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવતું નહોતું. જયંતિ કવાડિયા હળવદમાં દાદાગીરી કરે છે. તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પરસોતમ સાબરીયા ભાજપમાં ગયા હતા. પરંતુ અગાઉ ભાજપ સરકારે તેઓને જેલમાં નાંખ્યા હતા. જેની પાછળ પણ ભાજપના નેતા જયંતિ કાવડિયા જવાબદાર છે. 

કોંગ્રેસના નેતાઓના મારી પર ફોન આવે છે 

ફતેપરાએ કહ્યું કે મારે બદલે ડોક્ટર મહેન્દ્ર મુજપરાને ટિકિટ આપી છે પરંતુ તેઓ ક્યારેય ભાજપમાં દેખાતા નથી અને સમાજના એક પણ કામમાં આવતા નથી. ધનજીભાઇ પટેલ ડોક્ટર મહેન્દ્ર ને લઈને ફરતા હતા અને મારી જાહેરમાં ટીકા કરતા હતા. ડોક્ટર મહેન્દ્ર ભાઈ મૂળ કોંગ્રેસ ગોત્રના છે. કોંગ્રેસના નેતાઓના મારી ઉપર ફોન આવી રહ્યા છે પરંતુ મેં કહ્યું છે કે હું તમને બે-ત્રણ દિવસમાં જવાબ આપીશ કારણકે હું સમાજના લોકો સાથે મીટીંગ કરીશ. લોકો મને કહે છે કે તમે કોંગ્રેસમાંથી ચૂંટણી લડો તો હું કોંગ્રેસની ટિકિટ પરથી સુરેન્દ્રનગરની બેઠક પરથી ચૂંટણી લડીશ.

કુંવરજી ભોગવવા તૈયાર રહે 

તેમણે કહ્યું કે કુંવરજી બાવળિયા સામે પણ નિશાન તાકીને કહ્યું કે કુંવરજી બાવળીયા ભલે ભાજપમાં આવ્યા હોય. પરંતુ તેમને આગામી સમયમાં તેના પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. તેમણે મારી તરફેણ પણ નથી કરી કે મારો વિરોધ પણ કર્યો નથી કે કર્યો છે તે અંગે મારી પાસે કોઈ વિગતો નથી. આઈ.કે.જાડેજાને તેમનું સ્થાન બતાવી દેવામાં આવ્યું છે. આઈ.કે.જાડેજાએ તો વઢવાણમાં મકાન પણ ખરીદી દીધું છે. 

કવાડિયા શું કહે છે

જયંતિ કવાડિયાએ જણાવ્યું હતું, કોઈની ટિકિટ કાપવાનો કે કોઈની ટિકિટ કપાવવાનો મને કોઇ અધિકાર નથી. દેવજી ભાઈ મારા મિત્ર છે, તે મારુ નામ શું કામ લે છે, અમે બધા નરેન્દ્રભાઈ અને અમિત ભાઈ દેશનો વિકાસ કરી રહ્યા છે, તેમાં તમામ સહયોગ હોવાનો મારો મત છે. 

મુખ્ય પ્રધાન રૂપાણી શું કહે છે 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરેન્દ્રનગર બેઠક પરથી દેવજી ફતેપરા કહ્યું હતું કે, કાર્યકરોની ઈચ્છા હતા કે, દેવજી ફતેપરાના સ્થાને કોઈ નવા ચહેરાને સ્થાન આપવામાં આવે. ચૂંટણી સમિતિએ સેન્સમાં જોયું કે કાર્યકરો પોતાના નેતાને રિપીટ કરવા નથી માંગતા જેથી ભાજપાએ આ નિર્ણય લીધો છે.

રૂપિયાના ખેલ અંગે ભૂતકાળમાં આવા આરોપો લાગ્યા હતા

વિધાનસભામાં 9 કરોડમાં ટિકિટ વેયાયાનો આરોપ લાગ્યો હતો 

સુરેન્દ્રનગર વઢવાણની વિધાનસભાની બેઠકની ટિકિટ રૂ. 9 કરોડમાં ઉદ્યોગપતિ ધનજી પટેલને વેચાઈ હોવાનો ભાજપના નેતા અને પૂર્વ કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલાએ 19 નવેમ્બર 2017માં આરોપ મૂક્યો હતો. ધનજીભાઈના સત્કાર સમારંભમાં માઈક પરથી જ આરોપ મૂક્યો હતો. ઝાલા તુરંત ભાજપનો ખેસ મંચ પર જ મૂકીને નિકળી ગયા હતા અને કહ્યું કે ભાજપમાં નીતિ હતી. હવે રૂ. 9,00,00,000 ટિકિટ વેચાતી હોય તે પક્ષમાં હું પ્રચાર ન કરી શકું. ત્યારબાદ 500 જેટલાં જૈન ટેકેદારોએ આ સમારંભમાં કાળા વાવટા બતાવી વિરોધ કર્યો હતો. સુરેન્દ્રનગરમાં વર્ષા દોશીની ટિકિટ કાપીને તેમને સ્થાને લોલીપોપ ચોકલેટ બનાવનારને આપવામાં આવી છે. ભાજપના ક્યારેય કાર્યકર રહ્યાં નથી. ભાજપના સભ્ય ન હતા. 22 દાવેદારો હતા. તેમાં તેમનું ક્યાંય નામ ન હતું. ધનજીભાઈ ખરાઅર્થમાં ધન-જી સાબિત થયા હતા. પેરાશુટ ટિકિટ લઈ આવીને તેઓ સીધા કોબાથી સુરેન્દ્રનગર ઉતર્યા છે. હાર્દિક પટેલનાં આંદોલન વખતે લોલીપોપ ચોકલેટ તેઓ પૂરી પાડતા હતા. ભાજપના નેતા આઈ.કે.જાડેજાને ટિકિટ આપવાની હતી પણ તેમને સ્થાને વધારે ભાવ આપનાર વઢવાણની મેકસન ઇન્ડસ્ટ્રીઝવાળા ધનજી પટેલને ટિકિટ આપવામાં આવી હતી. તેમની ઉંમર 75 વર્ષની છે. 

10 લાખમાં કોર્પોરેટરોને ખરીદ્યા

વઢવાણ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં એક સભ્યની ઓછામાં ઓછી ખરીદ કિંમત રૂ. 10 લાખ નક્કી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. વઢવાણ નગરપાલિકામાં કુલ 36 સભ્યમાંથી 23 સભ્ય કોંગ્રેસના હતા અને જંગી બહુમતી ધરાવતા હતા. લોકોની ઇચ્છા વિરૂદ્ધ જઈને ભાજપે અહીં કોંગ્રેસનું શાસન ઉથલાવવા માટે નાણાંની થેલી ખૂલ્લી મૂકી દીધી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં કોંગ્રેસના 10 સભ્યો કોંગ્રેસ છોડીને ભાજપને ટેકો આપવા તૈયાર થયા હતા. ભાજપના જિલ્લા પ્રમુખ દિલીપ પટેલ અને ધારાસભ્ય ધનજી પટેલે કહ્યું હતું કે નાણાં આપ્યા હોવાની માત્ર અફવા છે.

દેવજીના બળવાથી શું અસર થઇ શકે

દેવજીએ 2014ની લોકસભાની ચૂંટણીમાં 2 લાખથી વધુ મતે જીત મેળવી હતી. ફતેપરાનું ચુવાળિયા કોળી સમાજમાં મોટું પ્રભુત્વ છે. સુરેન્દ્રનગર બેઠક પરથી ટિકિટ કપાતા નારાજ થયેલા સાંસદ દેવજી ફતેપરાએ બળાપો કાઢ્યો છે. હવે ભાજપ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તેમણે ટિકિટ ન મળતા સીધો ભાજપના નેતા જયંતી કાવડિયા અને ધનજી પટેલ સામે આક્ષેપ કરીને રોષ ઠાલવ્યો. આગામી દિવસોમાં દેવજી ફતેપરાનો બળવો ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે જેની અસર અન્ય બેઠકો પર પણ પડી શકે છે જો ભાજપ હાઈકમાન્ડ ભાજપના આંતરિક અસંતોષ ખાળી નહીં શકે તો સૌરાષ્ટ્રની કેટલીક બેઠકો પર ભાજપને ગંભીર નુકસાન થઈ શકે છે. 

અન્ય બેઠકો પર પણ શક્યતા 

ઉત્તર ગુજરાત પણ સળગશે 

મહેસાણામાં સાંસદ જયશ્રીબેન પટેલ ઉપરાંત પાટીદાર આગેવાન સી.કે.પટેલ, ભાજપના મહામંત્રી કે.સી.પટેલ અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ વચ્ચે સ્પર્ધા છે. પાટણ બેઠક પર લીલાધર વાઘેલા ચૂંટણી લડવાનુ જ ટાળી દીધુ છે. જેના કારણે આ બેઠક પર પૂર્વ સાંસદ નટુજી ઠાકોર,ધારાસભ્ય ભરતસિંહ ડાભી અને પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ મુખ્ય દાવેદાર ગણાય છે. મહેસાણા બેઠકના ઉમેદવારોની પસંદગી ટાણે જ પૂર્વ ધારાસભ્ય નારણ લલ્લુએ આશા પટેલ વિરુધ્ધ એવી રજૂઆત કરીકે, જો વિધાનસભામાં ય આશા પટેલને ટિકીટ અપાશે તો, ૩૦ હજાર મતોથી હારી જશે. તેમને બોર્ડ-નિગમમાં સ્થાન આપો, વિધાનસભા-લોકસભાની ટિકીટ આપશો નહીં.

અમદાવાદમાં વિરોધ છતા ટિકિટ

અમદાવાદ પશ્ચિમમાં ભાજપના દાવેદારોએ ટિકીટ માટે જોરદાર લોબિંગ કર્યું હતું. સાંસદ કિરીટ સોલંકીનો ભરપૂર વિરોધ છે. રોહિત સમાજના લોકોએ મુખ્યમંત્રી નિવાસસ્થાને રજૂઆત કરી કે,રોહિત સમાજને ટીકીટ આપો. અત્યાર સુધી વણકર સમાજને જ ભાજપે ટિકીટ આપી છે. 

બનાસકાંઠા 

બનાસકાંઠા બેઠક પર રમણલાલ વોરા,આત્મારામ પરમાર મુખ્ય દાવેદારો છે. બનાસકાંઠામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી,પૂર્વ મંત્રી શંકર ચૌધરી, સહકારી આગેવાન પરથી ભટોળ રેસમાં છે. જયારે આ બેઠક પર સાંસદ લીલાધર વાઘેલા પુત્ર માટે ટિકીટ માંગી છે.

સાબરકાંઠા 

સાબરકાંઠામાં સાંસદ દિપસિંહ રાઠોડ ઉપરાંત પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ ચૌહાણ અને પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણનો પેનલમાં સમાવેશ કરાયો છે. આ બેઠક પર ભીખુસિંહ પરમારે પણ દાવેદારી નોંધાવી છે.

(દિલીપ પટેલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp