ભાજપના MLA અઠવાડિયા બાદ પૂરગ્રસ્ત લોકોની મુલાકાતે જતા મહિલાઓમાં રોષ

PC: DainikBhaskar.com

સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં પડેલા ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પૂરની પરિસ્થિતિ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર અને રાજકોટના અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરી હતી. ત્યારબાદ હવે ભાજપના રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખા સાગઠીયા લોધીકા અને કોટડાસાંગાણીના કેટલાક ગામડાઓની મુલાકાતે ગયા હતા. તે સમયે સ્થાનિક લોકોએ તેમને પડતી સમસ્યા બાબતે ઉગ્રતાથી રજૂઆત કરી હતી.

ધારાસભ્ય લાખા સાગઠીયાએ પૂરની પરિસ્થિતિના એક અઠવાડિયા પછી ગામડાઓની મુલાકાત કરી હોવાના કારણે મહિલાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. મહિલાઓએ સાગઠીયાનો ઉધળો લેતા જણાવ્યું હતું કે, આજે દસ-દસ દિવસે પાણી આવ્યું, ઢોર પાણી પીવે તેવું ડહોળું પાણી પીવાની નોબત આવી છે. આ પાણી પોવાથી લોકો માંદા પડશે. મહિલાઓએ વધુમાં કહ્યું હતું કે, અત્યારસુધી તમે ક્યાં હતા. વીજળીના થાંભલા પડી ગયા છે, ખેતરે વીજળી આવી નથી. પહેલા લાઈટ અપાવો જેથી અમારે પીવાની પાણીની વ્યવસ્થા થાય. તમે અત્યાર સુધી ક્યાં ગયા હતા.  

મહિલાઓની આ પ્રકારની રજૂઆતને લઇને ભાજપના એક આગેવાને ગામના લોકોને કહ્યું કે, તમારે ધારાસભ્યને ફોન કરવો જોઈએ. ત્યારે ગામના લોકોએ જણાવ્યું હતું સરપંચથી લઇને તમામ લોકોને ખબર છે કે ગામની આ હાલત છે. વાડી પહેલા ગામની લાઈટની વ્યવસ્થા કરો. ગામ લોકોની રજૂઆત બાદ ધારાસભ્ય લાખા સાગઠીયાએ કહ્યું કે, તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ જ છે.

ભાજપના ધારાસભ્ય લાખા સાગઠીયાએ જણાવ્યું હતું કે, કોટડા તાલુકાના 8 ગામડામાં અમારી મુલાકાત હતી. તે સમયે ગામ લોકોની રજૂઆત હતી કે, ગામમાં વાડી વિસ્તારમાં જવા માટેનો પુલ તૂટી ગયો છે. ગામમાં નાના-મોટા ખેતરોનું ધોવાણ થયું હતું તેની રજૂઆત હતી. તેથી અત્યારે અમારા અધિકારીઓની ટીમ આજુબાજુના ગામડાંઓમાં સર્વે કરી રહી છે અને આ સર્વેનો રિપોર્ટ તાત્કાલિક કલેક્ટરને આપીને લોકોને નુકસાન થયું છે તે માટે સહાય મળે તે માટે પણ મેં રજૂઆત કરી છે. હું પૂરના બીજાથી ત્રીજા દિવસે ગામડાઓની મુલાકાતે ગયો હતો. દરેક ગામડાઓની સાથે મારે મુલાકાત શરૂ જ હોય છે. વરસાદ રહી ગયા પછી બીજા જ દિવસે મેં કોટડા અને લોધીકાના દરેક ગામની મુલાકાત લીધી છે. ગામના લોકોએ ઉગ્રતાથી રજૂઆત કરી નહોતી. એટલે ગામના લોકોની રજૂઆત મેં સાંભળી છે. રાજકોટમાં જ્યારે મુખ્યમંત્રી આવ્યા ત્યારે કલેક્ટર ઓફિસે મીટીંગ થઇ હતી, ત્યાં કલેક્ટરને પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે, તાત્કાલિક નુકસાનીનો સર્વે કરીને તેનો રિપોર્ટ કરીને તાત્કાલિક સહાય આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp