રાજકોટ સિવિલની બેદરકારી, મૃતદેહને પોસ્ટમોર્ટમ વગર પરિવારને સોંપી દઈ પરત મંગાવ્યો

PC: news18.com

સૌરાષ્ટ્રના રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. કોરોનાના કેસની સાથે-સાથે રાજકોટમાં મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગની ટીમ કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. તો બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલની કેટલીક બેદરકારી પણ સામે આવી રહી છે. ત્યારે થોડા દિવસો પહેલા રાજકોટની કોવિડ હોસ્પિટલમાં એક કોરોના દર્દીને મારવાનો વીડિયો વાયરલ થયો હતો. આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે ત્યારે હવે રાજકોટની સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા એક વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યા વગર જ પરિવારના સભ્યોને સોંપી દેવામાં આવ્યો હતો અને જ્યારે પરિવારના સભ્યો મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા જઈ રહ્યા હતા ત્યારે ફરીથી હોસ્પિટલ દ્વારા પરિવારના સભ્યોને ફોન કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મંગાવવામાં આવ્યો હતો. જેના કારણે પરિવારના સભ્યોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.

રિપોર્ટ અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામેલા બટુકભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોલીસ દ્વારા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ બટુકભાઈના મૃતદેહને પરિવારના સભ્યોને હોસ્પિટલ દ્વારા સોંપવામાં આવ્યો હતો. પરિવારના સભ્યો જ્યારે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે ગોંડલના સ્મશાને પહોંચ્યા ત્યારે ફરીથી પરિવારના સભ્યોને ફોન આવ્યો કે, મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું નથી તેથી મૃતદેહને પરત લાવવો પડશે. સિવિલ હોસ્પિટલ દ્વારા જયારે મૃતકના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો ત્યારે હોસ્પિટલ તરફથી ડિસ્ચાર્જની એક ચિઠ્ઠી પણ આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ પોલીસે ફરીથી પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ મંગાવતા પરિવારના સભ્યોમાં રોષની લાગણી જોવા મળી હતી.

પરિવારના સભ્યોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાંથી તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને અમને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો અને તંત્ર તરફથી હવે કહેવામાં આવી રહ્યું છે કે, પોસ્ટમોર્ટમ વગર મૃતદેહ સોંપી શકાય નહીં, જેના કારણે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને પરત લાવવો પડશે.

મહત્ત્વની વાત છે કે, મૃતકના ભાઇને જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરનો ફોન આવ્યો ત્યારે તેમને જણાવ્યું હતું કે, તમારે મૃતકનું ડેથ સર્ટિફિકેટ જોઈતું હોય તો ફરીથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવો પડશે. ત્યારે મૃતકના ભાઈએ કાયદેસરની પ્રક્રિયા કર્યા વગર મૃતદેહ શા માટે સોંપવામાં આવ્યો તેવી દલીલ કરતા મેડિકલ ઓફિસરે ઉડાઉ જવાબ આપી દીધો હતો અને કહ્યું હતું કે, હું આ બાબતમાં કંઈ જાણતો નથી. હોસ્પિટલના આવા વર્તનને લઈને મૃતકના પરીવારજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp