આણંદઃ છ લોકો ભોગ લેનારી કાર ધારાસભ્યનો જમાઈ ચલાવતો હતો, નશામાં હોવાનો આક્ષેપ

PC: abplive.com

આણંદના જિલ્લાના સોજીત્રાના ડાલી ગામ પાસે ગુરુવારના રોજ કાળજું કંપાવતી ઘટના બનવા પામી હતી. સોજીત્રાના કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈએ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં કુલ 6 લોકોના મોત થયા છે. કોંગ્રેસના ધારાસભ્યનો જમાઈ કેતન પઢિયાર દારૂના નશામાં કાર ચલાવતો હોવાનો આરોપ હાલ મૃતકોના પરિવારજનો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.

કાર, રિક્ષા અને બાઇક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય બે વ્યક્તિને હોસ્પિટલ લઈ જતી વખતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જો કે હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અકસ્માત સર્જનાર કેતન લથડિયા ખાતો જોવા મળી રહ્યો છે.

છ લોકોને કાળ ભરખી ગયો

રિપોર્ટ મુજબ, રક્ષાબંધન નિમિત્તે સોજીત્રા ખાતે રહેતા વિપુલભાઈ મિસ્ત્રીનાં પરિવારજનો તારાપુર પાસે આવેલા ટીંબા ગામે ગયા હતા. સોજીત્રા પરત આવવા માટે તેઓ ત્યાંથી  યાસીન મોહંમદભાઈ વ્હોરાની રિક્ષામાં નીકળ્યા હતા. જે બાદ તારાપુર આણંદ ધોરી માર્ગ પરથી પસાર થતા સમયે ટીંબા ગામ પાસે અચાનક કાળનો કોળિયો બનીને આવેલી કાર દ્વારા રિક્ષા અને બાઇકને ટક્કર લાગતાં આ ત્રણ વાહનો વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે આ અકસ્માતમાં રિક્ષાચાલક યાસીન વ્હોરા સહિત બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ચાર લોકોનાં સારવાર દરમિયાન મોત થયાં હતાં. આમ, આ કાળજું કંપાવતી ઘટનામાં કુલ છ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં.

ધારાસભ્યનો જમાઈ લથડિયા ખાતો જોવા મળ્યો

આ અકસ્માત સર્જાતા કાર રોડ પરથી ઊતરીને બાજુના ખેતરમાં ઝાડ સાથે અથડાઇ હતી, અને કારચાલક એટલે કે ધારાસભ્યનો જમાઈ મૃતકોની મદદ કરી રહ્યો હતો, પરંતુ તે દારૂના નશામાં હોવાથી પોતાની જાતને પણ નહોતો સંભાળી શકતો હતો, આ અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. જે વીડિયોમાં, ધારાસભ્યનો જમાઈ લથડિયા ખાતો જોવા મળી રહ્યો છે. તે લથડિયા ખાતી હાલતમાં જ મૃત પડેલી એક મહિલાને જગાડવાનો પણ પ્રયાસ કરી રહ્યો છે.

આથી મૃતકોના સંબંધીઓએ તેની સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો આક્ષેપ કર્યો હતો. પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી MLA ગુજરાત લખેલી નેમ પ્લેટ મળી આવી હતી. જે બાદ કારચાલકની પૂછપરછ કરતાં તે સોજીત્રાના કોંગી ધારાસભ્ય પૂનમ પરમારના જમાઇ કેતન પઢિયાર અને વ્યવસાયે વકીલ હોવાનું તેણે જણાવ્યું હતું.

પોલીસ કડક કાર્યવાહી કરે : મૃતકનો ભત્રીજો

મૃતકના ભત્રીજા સાગર જિજ્ઞેશભાઇ મિસ્ત્રીએ જણાવ્યું કે, મારા કાકી અને મારી બે બહેનો રક્ષાબંધન મનાવીને રિક્ષામાં તેમના મામાના ઘરેથી આવતાં હતાં. ત્યારે આ ઘટના બનવા પામી હતી. સમગ્ર ઘટના અંગે મારા પર મારા મિત્રનો ફોન આવ્યો આથી હું વડોદરાથી અહીં આવ્યો છું. આ સાથે જ મૃતકના ભત્રીજાએ વધુમાં જણાવ્યું કે જે કારચાલકે ટક્કર મારી એ દારૂના ચિક્કાર નશામાં હતો, જે અહીંના ધારાસભ્ય પૂનમ પરમારના ઘરનો સભ્ય હોવાનું જાણવા મળ્યું છે. મેં મારા પરિવારના સભ્યો ગુમાવ્યા એ પાછા નહીં આવે, પણ પોલીસ કડક કાર્યવાહી કરે, જેથી આવી ઘટના ફરીવાર નહીં બને.

દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી ? : મૃતકના પિતા

આ સમગ્ર ઘટના અંગે મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી છે છતાં દારૂ પીઇને લોકો ડ્રાઇવિંગ કરે છે. મેં મારા બે જુવાન પુત્ર ગુમાવ્યા, તેના માટે જવાબદાર કોણ ? ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી ? આમાં જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp