BJP નેતાઓને નથી લાગૂ પડતા નિયમો, સુરતમાં BJPના કોર્પોરેટરે માસ્ક વગર કર્યા ગરબા

PC: dainikbhaskar.com

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે સંક્રમણ ન વધે તે માટે નવરાત્રિના તહેવારમાં ગરબા પર રાજ્ય સરકારે પ્રતિબંધ મુકયો છે. પરંતુ લોકોની આસ્થાને ધ્યાનમાં લઈને માતાજીની એક કલાક પૂજા-અર્ચના કરવા રાજ્ય સરકારે છૂટ આપી છે. ગુજરાતમાં નેતાઓ અને સામાન્ય લોકો માટે અલગ-અલગ કાયદા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, અવાર-નવાર નેતાઓ દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવે છે પરંતુ, તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને જનતા જો નાનકડી ભૂલ કરે તો પણ તેને દંડ કરવામાં આવે છે. ભાજપના કાર્યક્રમોમાં ઘણી વખત રાસ ગરબા જોવા મળ્યા હતા પરંતુ, જનતા માટે રાસ ગરબા નહીં કરવાનો નિર્ણય ભાજપની સરકાર જ કરી રહી છે. ત્યારે સુરતમાં ભાજપના કોર્પોરેટર માસ્ક વગર નારી સંરક્ષણ ગૃહમાં ગરબા રમતા હોય તેવા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

રાજ્ય સરકારે ગરબા પર પ્રતિબંધ મુક્યો છે પરંતુ, અહીં તો સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર રૂપલ શાહ માસ્ક પહેર્યા વગર માતાજીની આરતી કરવાના બદલે નારી સંરક્ષણ ગૃહની અંદર ગરબે રમતા જોવા મળે છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કોર્પોરેટર રૂપલ શાહ જ્યારે ગરબે રમે છે ત્યારે તેમનું માસ્ક ગળા પર છે અને આ ઉપરાંત તેમની સાથે જે લોકો ગરબા રમી રહ્યા છે તેમણે પણ માસ્ક પહેર્યું નથી. મહત્ત્વની વાત છે કે, કોર્પોરેટરે પોતાના ફેસબુક પર આ વીડિયો લાઈવ કર્યો હતો.

વીડિયો અને ફોટામાં દેખાઈ રહ્યું છે કે, કોર્પોરેટર રૂપલ શાહે મોઢા પર માસ્ક નહીં પહેરીને અને પાંચ લોકોએ એકઠા થઈને જાહેરનામાનો ભંગ કર્યો હતો. હવે જોવાનું એ છે કે, કોર્પોરેટર રૂપલ શાહ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવે છે કે, નહીં.

કોર્પોરેટર રૂપલ શાહે આ બાબતે જણાવ્યું હતું કે, પરસેવો વળી ગયો હોવાથી માસ્ક નીચે ઉતાર્યું હતું અને તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ચૂંટણી છે એટલે આ બધું તો ચાલવાનું છે. જેમને જેવું વિચારવું હોય એવું વિચારે.

કોર્પોરેટરે આ પ્રકારનો જવાબ આપતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. રૂપલ શાહ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે. આ ઉપરાંત બે દિવસ પહેલા સુરતમાં યોજાયેલા ભાજપના સંમેલનમાં પણ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નિયમના ધજાગરા ઉડાડ્યાનો કિસ્સો સામે આવ્યો હતો પરંતુ, અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ પણ ભાજપના કાર્યકર્તા સામે કાર્યવાહી કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp