...નહીં તો તાળા મારી દેવા પડશે-ગુજરાતમાં મલ્ટીપ્લેક્સવાળાએ સરકારને કરી આ રજૂઆત

PC: google.com

 ગુજરાતમાં મલ્ટીપ્લેક્સ શરૂ કરો, નહીં તો અમારે કાયમી બંધ કરવા પડશે, કારણ કે સિનેમાગૃહોની ખોટ અને મેન્ટેનન્સ માટે આર્થિક વ્યવસ્થા નથી. સરકાર વહેલીતકે મંજૂરી આપે તે માટે રાજ્યના માહિતી ખાતાના ફિલ્મ એન્ડ બ્રોડકાસ્ટિંગ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે.

 ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિયેશને ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે સરકારે અન્ય ઉદ્યોગોની જેમ મલ્ટીપ્લેક્સ શરૂ કરવાની પરમિશન આપવી જોઇએ. આ એસોસિયેશને માહિતી વિભાગમાં પણ આવેદનપત્ર આપ્યું છે જેમાં જણાવવામાં આવ્યું કે પ્રત્યેક સિનેમાગૃહમાં અમે સેનેટાઇઝ ટનલ, એક ચેર વચ્ચે એક ચેરનું અંતર અને હેન્ડ સેનેટાઇઝર રાખવા બંધાયેલા છીએ.

 એસોસિયેશને કહ્યું છે કે માત્ર ઓનલાઇન ટિકીટ ખરીદનારા દર્શકોને અમે પ્રવેશ આપીશું. દર્શકોએ ટિકીટ ઓનલાઇન પેમેન્ટથી ખરીદવી પડશે. છેલ્લા અઢી મહિનાથી ગુજરાતના મલ્ટીપ્લેક્સ બંધ હોવાથી આ ઉદ્યોગને 200 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે અને હવે વધુ નુકશાન સહન કરી શકીએ એમ નથી.

 તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે ગુજરાત સરકારે વીજબીલમાં રાહત આપવાની જાહેરાત કરી હતી તેમ છતાં સિનેમા ઉદ્યોગને વીજ કંપનીઓએ બીલો મોકલ્યા છે. હાલ આ બીલ ભરી શકીએ તેવી હાલતમાં નથી. હવે જો લોકડાઉન 5.0માં મલ્ટીપ્લેક્સને બંધ કરવામાં આવશે તો તેને કાયમી બંધ કરવા પડે તેવી હાલત સર્જાશે અને સિનેમા ઉદ્યોગમાં બેકારી વધશે.

 બીજી તરફ લોકડાઉનના કારણે ઓવર ધ ટોપ મિડીયા સર્વિસિઝ (ઓટીટી) પર ફિલ્મ રિલીઝ કરવાની તૈયારી કરવામાં આવતા મલ્ટીપ્લેક્સ એસોસિયેશને તેનો વિરોધ કર્યો છે. જે ફિલ્મ નિર્માતા ઓટીટી પર રિલીઝ કરશે તે નિર્માતાની ફિલ્મો ભવિષ્યમાં મલ્ટીપ્લેક્સ પર દર્શાવવામાં આવશે નહીં તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ એસોસિયેશને સરકારના વિવિધ કરમાં રાહતો પણ માગી છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp