ગુજરાતના આ ગામમાં વેક્સીન લેનારનો વેરો માફ કરવામાં આવશે

PC: DainikBhaskar.com

હાલ દેશ અને રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે સરકાર દ્વારા વેક્સીનેશન ઝડપી કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા લોકોને વેક્સીન લેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે અને હવે લોકો વેક્સીન પ્રત્યે જાગૃત થયા છે અને તેઓ વેક્સીન મુકાવી રહ્યા છે પરંતુ હજુ પણ ઘણા લોકોના મનમાં વેક્સીનેશનને લઈને અનેક સવાલો ઉમટી રહ્યા છે અને તેઓ વેક્સીન લેવા તૈયાર થઈ રહ્યા નથી. ત્યારે ગુજરાતના એક નાનકડા ગામમાં લોકો વેક્સીનેશન પ્રત્યે જાગૃત થાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા એક પહેલ કરવામાં આવી છે ગ્રામ પંચાયત દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો આખો પરિવાર વેક્સીન મૂકાવશે આવશે તો 2020 અને 21નો વેરો ગ્રામ પંચાયત લેશે નહીં અને તેમને એક વર્ષ વેરામાંથી માફી આપવામાં આવશે.

જે ગામપંચાયત દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તે ગામ કચ્છના નખત્રાણામાં આવેલું છે અને ગામનું નામ છે આંગિયા. આ ગામને કોરોના મુક્ત કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ગામમાં મારુ ગામ કોરોના મુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ગામમાં જે પણ વ્યક્તિનો પરિવાર કોરોનાની વેક્સીન લેશે તે પરિવારનો 2020 અને 21નો વેરો માફ કરવામાં આવશે. ગ્રામ પંચાયતની આ જાહેરાત બાદ ગામની અંદર વેક્સીનેશનનું કામ ઝડપથી થવા લાગ્યું છે.

અંગિયા ગામના સરપંચ ઇકબાલ ઘાંચીએ આ બાબતે જણાવ્યું હતું કે, અમે રસીકરણને પ્રોત્સાહન આપવા માટે વેરા માફ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ગામમાં કોઈ પણ વ્યક્તિને કોરોનાના સામાન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક એક હેલ્પ લાઈન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે અને ગામમાં જો કોઈ કોરોનાનો દર્દી હોય તો તેના પરિવારને ઘરે બેઠા જમવાનું મળી જાય તે પ્રકારની વ્યવસ્થા પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે અને હાલ અમારા ગામમાં તમામ લોકો કોરોનાની ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ કરી રહ્યા છે.

સરપંચે વધુમાં જણાવ્યું હતું કે અમે ભલે વેરો માફ કરીએ પરંતુ અમારા ફાયદાની જ વાત છે કારણ કે, જેટલા લોકો વેક્સીન લેશે તેટલા લોકો ઓછા બીમાર પડશે. પંચાયત પાસે જે વિકાસના કામ કરવાનું ફંડ છે તેમાંથી લોકોના વેરાની ભરપાઇ કરવામાં આવશે. જો પંચાયત દ્વારા લોકો પાસેથી મકાન, લાઈટ, પાણી અને સફાઈનો વેરો લેવામાં આવે તો પરિવાર દીઠ 6000 રૂપિયા જેટલી રકમ મળતી હતી એટલે કે કુલ એક લાખ જેટલી રકમ ગ્રામ પંચાયતને વેરા પેટે મળે છે પરંતુ કોરોનાની મહામારી વચ્ચે એક લાખ રૂપિયાની આવક પંચાયત જતી કરશે પરંતુ તેની સામે ગામના લોકોનું આરોગ્ય તો સારું જ રહેશે.

ગામમાં રહેતા લોકોમાં જાગૃતતા આવે એટલે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં બેનર લગાવવામાં આવ્યા છે અને ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp