હવામાન વિભાગે રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો

PC: w-x.co

રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવખત હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. સામાન્ય રીતે નોરતાના દિવસોથી ઠંડીની શરૂઆત થઈ જાય છે. મોડી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાય છે. પરંતુ, આ વખતે સખત અને સતત ગરમી વચ્ચે વરસાદી માહોલ જોવા મળતા અનેક ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જોકે, છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારમાં પડી રહેલા વરસાદે મગફળીનો પાક ધોઈ નાંખ્યો છે અને કપાસનો પાક જમીનદોસ્ત થયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. રાજ્યના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડવાના એંધાણ છે. વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા ત્રણ દિવસમાં ફરી એકવખત મેઘાવી માહોલ જોવા મળશે. ગુજરાત રાજ્યમાં તા. 22 ઑક્ટોબર સુધી સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારો, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો મેઘો વરસી શકે એવી પૂરી શક્યતાઓ સેવાય રહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર સક્રિય થયા બાદ ડિપ્રેશનમાં ફેરવાતા જુદા જુદા રાજ્યોમાં વરસાદ જોવા મળ્યો હતો. જોકે, આ વરસાદનો છેલ્લો તબક્કો છે. જેને પોસ્ટ મોનસુન એક્ટિવિટી પણ કહેવાય છે. એક સિસ્ટમ મહારાષ્ટ્ર પહોંચે ત્યાં સુધીમાં નબળી થઈ હતી જે પછી લો પ્રેશરમાં ફેરવાઈ હતી. ગુજરાતના દરિયા નજીક આવતા ભેજ મળતા સિસ્ટમ ફરી મજબૂત થઈ ગઈ હતી. જે આગળ વધતા ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ હતી. તા. 20ના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ કક્ષાનો વરસાદ પડી શકે એવી આગાહી કરવામાં આવી છે. જ્યારે તા. 21 અને 22 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે એવા એંધાણ છે.

છેલ્લા ચાર દિવસમાં રાજ્યના 100 જેટલા તાલુકાઓમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને મગફળી, અડદ અને કપાસના પાકને સીધી અસર થતા મોટું ધોવાણ થયું છે. આ સિઝનમાં મગફળીમાં મોટા દાણા આવવાના શરૂ થયા હોય છે જ્યારે કપાસમાંથી કોટન બહાર આવેલું હોય છે. પણ લણણીના સમયે પાક સડી જતા માઠી અસર બેઠી હોય એવું ચિત્ર છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદને કારણે ડાંગરના પાકને નુકસાન થવાનું જોખમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp