અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દારૂની પરમીટ લેવા આવનારાઓની સંખ્યા અચાનક વધી ગઇ

PC: washingtonian.com

દારૂના મામલે ગુજરાતની પ્રજા અને ગુજરાત સરકાર બેવડા ધોરણો રાખે છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તેવી ગુજરાત સરકારને ખબર હોવા છતાં રોજ નવા નુસ્ખા કરી દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરે છે. બીજી તરફ ગુજરાતમાં 65 હજાર જેટલી હેલ્થ પરમીટ અપાયેલી છે. જેમની પાસે દવા તરીકે દારૂ પીવાનો પરવાનો છે. પણ એક વર્ષ પહેલા ગૃહ વિભાગે તેમાં નવા તિકડમ કરી નિયમો બદલ્યા જેના પરિણામે નશાબંઘી ખાતાની પરમિટની સંપૂર્ણ કામગીરી બંધ થઈ ગઈ હતી. આખરે એક વર્ષ બાદ ફરી જુના નિયમ પ્રમાણે પરમીટ આપવાનો નિર્ણય કરતા હાલમાં પરમીટ રીન્યુ કરનારાના રીતસરના ટોળા ઉમટી પડે છે જેને કાબુમાં લેવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા સિકયુરીટી ગાર્ડ રાખવા પડે છે.

નશાબંધી ખાતાના જુના નિયમ પ્રમાણે ગુજરાતમાં રહેતા નાગરિકને દારૂનો પરવાનો મેળવવો હોય તો આરોગ્યના કારણસર તેમને હેલ્થ પરમીટ આપવામાં આવતી હતી. હાલમાં ગુજરાતમાં 65 હજાર નાગરિકો પાસે હેલ્થ પરમીટો છે. આ હેલ્થ પરમીટ આપવાનું કામ જે તે નશાબંધી અધિકારી અને સિવિલ હોસ્પિટલના ડૉકટરો કરતા હતા. પરંતુ એક વર્ષ પહેલા ગૃહ વિભાગના અધિકારીઓએ પરમીટમાં ભ્રષ્ટાચાર થાય છે તેવા કારણોસર નિયમો બદલી રાજયમાં કુલ છ જ હોસ્પિટલમાં આ કામગીરી કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત રાજયની છ મોટી સિવિલ હોસ્પિટલમાં પણ ડૉકટર-નશાબંધી વિભાગ અને ગૃહ વિભાગના અધિકારી આમ ત્રણ વ્યકિતની પેનલો તૈયાર કરી હતી.

જેના કારણે કચ્છમાં રહેતી વ્યકિતને પરમીટ માટે રાજકોટ અથવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી ધક્કા ખાવા પડતા હતા. આ ઉપરાંત જયારે પણ પરમીટ ધારક પોતાને આપવામાં આવેલી તારીખે હાજર રહે ત્યારે પેનલમાંથી એક પણ અધિકારીની ગેરહાજરી હોય તો પેનલના અન્ય બે અધિકારી તે કામગીરી કરી શકતા ન્હોતા. આમ મોટા ભાગના કિસ્સામાં ત્રણે વિભાગના અધિકારીઓ ભેગા થવાનું કામ શકય જ બનતુ ન્હોતુ. આ દરમિયાન જેમની પરમીટ રીન્યુ કરવાનો વખત આવ્યો હતો તેઓ નિયમ પ્રમાણે પોતાની પરમીટ રીન્યુ કરાવવા માટે ફોર્મ ભરતા હતા. પણ જે તે હોસ્પિટલમાં જઈ તે ફોર્મ ત્યાં જ પડયા રહેતા. આમ એક એક વર્ષ થવા છતાં પરમીટ રીન્યુ થતી ન્હોતી.

આ મામલે હોબાળો થતાં ગૃહ વિભાગે ફરી જુના નિયમ પ્રમાણે પરમીટ આપવાનો આદેશ કરતા જે તે હોસ્પિટલમાં ગયેલા ફોર્મ પરત નશાબંધી ખાતામાં પાછા ફર્યા હતા. એકલા અમદાવામાં સોલા સિવિલમાંથી 2500 ફોર્મ પાછા ફરતા તે તમામ અમદાવાદ સિવિલમાં મોકલી આપવામાં આવ્યા છે. હવે સ્થિતિ એવી નિર્માણ થઈ કે સપ્તાહમાં બે દિવસ મંગળવાર અને ગુરૂવારના દિવસે પરમીટ આપવાનું કામ થાય છે. તે પણ રોજના બે કલાક જ આ કામગીરી કરવાની હોય છે. બે કલાકમાં પચાસ કરતા વધુ વ્યકિતને ડૉકટર તપાસી શકતા નથી. આમ આખા મહિનામાં માત્ર ચારસો વ્યકિતઓને તપાસી તેમને પરમીટ મળી શકે તેમ છે કે નહીં તેની ડૉકટર ભલામણ કરી શકે તેમ છે. જેની સામે હાલમાં 2500 અરજી પડતર છે અને બીજી તરફ રીન્યુનો સમય થઈ રહ્યો હોય તેવી નવી અરજીઓ સતત આવી રહી છે.

ગુજરાત પોલીસે હમણાં સુધી અનેક આતંકીઓને ઠાર માર્યા છે. આતંકવાદીઓ ગુજરાતમાં આવી ગયા છે તેની જાણકારી મેળવી લેતી ગુજરાતની સ્માર્ટ પોલીસ દારૂના મામલે ભોંઠ સાબિત થાય છે. હવે ગૃહ વિભાગના આદેશથી ગુજરાત સીઆઈડી ક્રાઈમ દ્વારા દારૂને પકડવા માટે સોશિયલ મીડીયાનો સહારો લીધો છે જેમાં એક વોટસઅપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજયનો નાગરિક કયાં દારૂ વેચાય છે અને દારૂ પીવાય છે તેની જાણકારી આપી શકશે. પોલીસનો દાવો છે કે માહિતી આપનારની ગુપ્તતા જાળવામાં આવશે. જો કે પોલીસ ગુપ્તતા જાળવશે તે વાત ઉપર સામાન્ય પ્રજાને ખાસ ભરોસો નથી,

પરંતુ જે પોલીસ આતંકીઓને શોધી શકતી હોય તે પોલીસસને ગુજરાતમાં દારૂ કયાં અને કેવી રીતે આવે છે તેની ખબર ના હોય તે વાતમાં માલ નથી. ગુજરાતના ખાસ જિલ્લામાં પોસ્ટિંગ માટેનો ભાવ પણ ત્યાંના દારૂના ધંધાને આધારે હોય છે. આમ રાજયના કોન્સ્ટેબલથી લઈ ડીજીપી સુધીના અધિકારીને ખબર છે કે દારૂનો ધંધો કોણ , કયાં અને કેવી રીતે ચલાવે છે. જે પેટે પોલીસની ભાષામાં ભરણ પણ આપવામાં આવે છે. આમ છતાં હવે સ્સેટ મોનીટરીંગ સેલને વોટસઅપ ઉપર દારૂની માહિતી મેળવવાની જવાબદારી સોંપી બિલાડીને ખીરનું રખોપું આપવા જેવી વાત છે.
પ્રશાંત દયાળ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp