ગુજરાતમાં દારૂ પીવો છે તો તમારે સરકારને તમારો ધર્મ કહેવો પડશે

PC: proof.media

આપણે ત્યાં ગુજરાતમાં રહેતા લોકો માટે દારૂ પીવો કાયદેસર શક્ય નથી. તેના માટે ગુજરાત સરકારે જ રસ્તો શોધી કાઢ્યો છે. ગુજરાતના વગદાર અને પૈસાદાર લોકોને કાયદેસર દારૂ પીવા માટે હેલ્થ પરમીટ આપવામાં આવે છે. તેનો અર્થ જેઓ ગુજરાતમાં કાયદેસર દારૂ પીવે છે, તેવા વગદાર અને શ્રીમંતો શારીરિક અને માનસીક બીમારીથી પીડાય છે અને તેમની બીમારી દારૂ પીવાને કારણે જ દૂર થાય છે અથવા તેમાં રાહત મળે છે. માર્ચ 2018મા દારૂબંધી નીતિમાં ફેરફારનું કારણ આપી નશાબંધી વિભાગે નવી પરમીટ આપવા અને જૂની પરમીટ રિન્યૂ કરવા ઉપર રોક લગાવી હતી. તાજેતરમાં હવે આ પ્રક્રિયા ફરી શરૂ થઈ છે, પરંતુ તેમાં પરમીટની માગણી કરનારે પોતે કયા ધર્મનો વ્યક્તિ છે તેની જાણકારી પણ માંગી છે. હવે દારૂ પીનાર કયા ધર્મનો છે તેની જાણકારી સરકારને કેમ જોઈએ છે તે હજી સ્પષ્ટ થયું નથી.

રાજ્ય સરકારના આંકડા પ્રમાણે ગુજરાતમાં જ રહેતા 70 હજાર વ્યક્તિઓ પાસે હેલ્થ પરમીટ છે. જેનો અર્થ તેઓ બીમાર છે, આ બીમાર ગુજરાતીઓને સરકારી ડૉક્ટરે નક્કી કર્યા પ્રમાણે સરકાર માન્ય દુકાનમાંથી દારૂ મળતો હતો. માર્ચ મહિના બાદ રાજ્ય સરકારે ફરી નવી પરમીટ આપવાની અને જૂની પરમીટ રિન્યૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. પરંતુ તેના ફોર્મના કોલમ ચારમાં પરમીટની માગણી કરનાર કયો ધર્મ પાળે છે તેની જાણકારી પણ માંગી છે. આમ તો દારૂ પીનારી વ્યક્તિ કયો ધર્મ પાળે છે, તેનો આ બાબત સાથે સીધો કોઈ સંબંધ નથી. 70 હજાર પરમીટ ધારકોમાંથી 99 ટકા પરમીટ ધારકો હિન્દુ છે. આમ છતાં પરમીટ ધારકનો ધર્મ હવે રાજ્ય સરકાર જાણવા માગે છે.

જો ગુજરાતનો કોઈ ગરીબ બીમાર પડે તો તેને પરમીટ મળી શકતી નથી. પરમીટના નિયમ પ્રમાણે જેમને પરમીટ જોઈએ, તેઓ માસિક 25 હજાર કમાતો હોવો જોઈએ અને તેના પુરાવા રૂપે તેને ઈન્કમટેક્સ રીટર્ન પણ રજૂ કરવું પડે છે અથવા તેની પાસે પાંચ વીઘા જમીન હોય તો તેનો પુરાવો પણ રજૂ કરવો પડે છે. આમ આ નિયમ પ્રમાણે ગુજરાત સરકારે કોઈ ગરીબને દારૂ પીવાનો કાયદેસર પરવાનો આપવા માગતી નથી. પણ હવે વગદાર અને શ્રીમંત પરવાના ધારક કયા ધર્મનો છે તેની પણ જાણકારી તેને આપવી પડશે.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp