ગુજરાત અને દેશનું યુવાધન મોબાઇલ ગેમિંગના રવાડે

PC: geekinsider.com

ગુજરાતનું યુવાધન મોબાઇલ ગેમિંગના રવાડે ચઢ્યું છે. બાકીના કામો પડતાં મૂકીને યુવાનો વિવિધ પ્રકારની ઓનલાઇન ગેમ રમી રહ્યાં છે. ગુજરાત સહિત ભારતના રાજ્યોમાં પણ આવી સોબત જોવા મળી રહી છે. સ્માર્ટફોન અને સસ્તા ડેટા મળતા હોવાથી મોબાઇલ ગેમિંગમાં ઉછાળો આવ્યો છે.

ભારત અત્યારે યુઝર્સની સંખ્યાના સંદર્ભમાં મોબાઇલ ગેમિંગ માટે ટોચનાં પાંચ બજારો પૈકી એક છે. પ્લેટફોર્મ ભારત, દક્ષિણપૂર્વ એશિયા અને મધ્યપૂર્વ (MENA)માં સક્રિય છે. 2017ના આંકડા પ્રમાણે ભારતમાં 22.2 કરોડ સક્રિય ગેમર્સ દરરોજ પાંચથી વધારે સત્રમાં સરેરાશ 42 મિનિટથી વધારે સમય મોબાઇલ ગેમ્સ રમવામાં ગાળે છે.

ભારતમાં કુલ ગેમ્સની રેવન્યુમાંથી 89 ટકા વધારે હિસ્સો મોબાઇલ ગેમ્સ મારફત મેળવવામાં આવે છે. આ ગેમર્સ તેમના શોખમાં ખૂબ વ્યસ્ત રહે છે. તેમાંથી લગભગ ત્રીજા ભાગના ગેમર્સ દર અઠવાડિયે પાંચ દિવસ કે તેનાથી વધુ સમય ગેમ રમવામાં ગાળે છે. 40 ટકા જેટલા યુઝર્સ દર સપ્તાહે છ કલાકથી વધારે સમય મોબાઇલ ગેમ્સ પાછળ વિતાવે છે.

ટેલિકોમ માર્કેટમાં રિલાયન્સ જિયોની એન્ટ્રી અને તેના કારણે તમામ ટેલિકોમ કંપનીઓ દ્વારા રેટમાં કાપના કારણે ગેમિંગને ઉત્તેજન મળ્યું છે. 2017થી દેશમાં સમગ્ર મોબાઇલ એપ ઇકોસિસ્ટમમાં તેજી આવી છે. ભારતમાં ટોચની ગેમ ગણાતી 'લ્યૂડો કિંગ'ના એક્ટિવ યુઝર્સની સંખ્યા એક કરોડને વટાવી ગઈ છે. તેના માસિક સક્રિય યુઝર્સની સંખ્યા સાત કરોડથી વધારે છે.

ભારતમાં બીજા અને ત્રીજા નંબરની ગેમ અનુક્રમે 'સબવે સર્ફર' અને 'ટેમ્પલ રન' છે. તેના યુઝર્સની સંખ્યા અનુક્રમે 50 લાખ અને 25 લાખ છે. કેટલીક એશિયન ગેમિંગ કંપનીઓ ભારતમાં રોકાણની તક શોધી રહી છે, જેમાં ટેન્સન્ટ ગેમ્સ શામેલ છે. ભારત અને સાઉથ ઈસ્ટ એશિયામાં ઝડપી વૃદ્ધિ એવા સમયે થઈ રહી છે જ્યારે યુએસ અને ચીન જેવા અગ્રણી મોબાઇલ ગેમિંગ માર્કેટમાં વધુ વૃદ્ધિની શક્યતા રહી નથી.

જોકે, વૈશ્વિક સ્તરે ગેમિંગ એવી કેટેગરી છે જ્યાં યુઝર્સ સૌથી વધુ ઈન-એપ ખરીદી કરે છે ત્યારે ભારતીય યુઝર્સ હજુ પણ ગેમ્સ માટે નાણાં ખર્ચતાં ખચકાય છે. સૌથી લોકપ્રિય ગેમ્સ 'કેન્ડી ક્રશ', 'ક્લેશ ઓફ ક્લેન્સ' માટે પણ દૈનિક યુઝર્સમાંથી એક ટકા કરતાં પણ ઓછા લોકો ઈન-એપ ખરીદી કરે છે. તેના કારણે ગેમના પબ્લિશર્સ ફ્રીમિયમ મોડલ અપનાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp