કેવું રહેશે ગુજરાતનું ચોમાસું, શું કહે છે CM રૂપાણી આ અંગે, જાણો

PC: gujaratinformation.net

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જળસંચયના જે પણ સ્ત્રોત છે તે તમામ સ્ત્રોતની જળસંગ્રહ ક્ષમતા વધારવા દેશભરમાં પહેલરૂપ સુજલામ્ સુફલામ્ જળ અભિયાન ગુજરાતે ઉપાડ્યું છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામે તળાવ ઊંડુ કરવાના શ્રમયજ્ઞમાં જોડાયેલા મુખ્યમંત્રીએ એવો નિર્ધાર પણ વ્યકત કર્યો કે, આ અભિયાનથી પાણીના દુકાળને ભૂતકાળ બનાવી ભાવિ પેઢીને દુકાળની ખબર જ ન પડે તેવો સમૃદ્ધ જળ વારસો આપીને દુકાળને ભાવિ પેઢી માટે દંતકથા બનાવી દેવો છે. મુખ્યમંત્રીએ ગુજરાતની ધરતી અનિયમિત વરસાદને કારણે અતૃપ્ત રહે છે ત્યારે આ સૂકી ધરાને તૃપ્ત કરીને તેને નવપલ્લવિત કરવાના આ ભગીરથ કાર્યમાં જનતા જનાર્દને પોતાનું અભિયાન બનાવ્યું હોવાનો ઉલ્લેખ કરી આ અભિયાન ભાવિ પેઢીનું નિર્માણ કરવાનું અભિયાન બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પાણી એ પ્રભુનો પ્રસાદ છે ત્યારે તેનો સદઉપયોગ કરી પાણીના ટીપે-ટીપાંને ભેગું કરી સાગર બનાવવાનું આહવાન કરતાં વિજય રૂપાણીએ કોઇપણ જાતિ, જ્ઞાતિ કે ધર્મથી પર રહીને આ અભિયાનમાં જોતરાઇ રહ્યા છે તે જ આ અભિયાનની મૂડી છે તેમ કહ્યું હતું.

સમગ્ર માનવજાત અને જીવસૃષ્ટિના કલ્યાણ માટેના આ મહાઅભિયાન થકી પાણીનો જે સંગ્રહ થશે તે ખેડૂતો, પશુઓ, ઢોર-ઢાંખર, પંખીઓ સહિત સર્વેને માટે આશીર્વાદ સમાન બની રહેશે તેમ વિજય રૂપાણીએ જણાવી પાણીની અગત્યતા વર્ણવી ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવાનું અભિયાન રાજ્ય સરકારે આદર્યુ હોવાનું કહ્યું હતું.

પાણીના એક એક ટીપાંનો ઉપયોગ ખેતી, પશુપાલન, વન-પર્યાવરણ માટે થાય તેવા જળસંચાયના કામો આ અભિયાન અંતર્ગત હાથ ધરાયા છે તેમ જણાવી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃત:પાય થયેલી નદીઓ કોતરોને પણ પુન:જીવિત કરવાના કાર્યોની વિગતો આપી સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાન દરમિયાન સમગ્ર રાજ્યમાં 11 હજાર લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ કરવામાં આવશે, તેમ કહ્યું હતું.

હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ચોમાસુ ગુજરાત માટે સારા સમાચાર લઇને આવ્યું છે અને સારો એવો વરસાદ પડશે ત્યારે વરસાદી પાણીનું ટીપેટીપું જમીનમાં ઉતારી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની પણ તેમને હિમાયત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે આ જળ અભિયાનને ચૂંટણીલક્ષી ગણાવીને વિરોધ કરી રહેલાઓને આડે હાથે લઇ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ અભિયાન સંસ્કૃતિને પરંપરાને જાળવવાનું અને ભાવિ પેઢીનું નિર્માણ કરવાનો અને સમૃદ્ધ જળવારસો આપવાનું અભિયાન છે. રૂપાણીએ જળસંચય અભિયાનની સાથોસાથ સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો - બેટી પઢાવો, ખેલે ગુજરાત, વાંચે ગુજરાત જેવા અભિયાનને જેમ વ્યાપક જનસમર્થન મળ્યું હતું તેમ આ અભિયાનને પણ હવે સમાજના પ્રત્યેક વર્ગે પોતાનું અભિયાન બનાવ્યું હોવાનું જણાવ્યું હતું. વિજય રૂપાણીએ ઝારોલા ગામના દાતાઓ અને સરપંચને આ વિશાળ કાર્ય તન-મન-ધનથી ઉપાડી ગામના તળાવને ઊંડુ બનાવવાનો જે ભગીરથ પ્રયાસ કરી પાણીનો વધુ સંગ્રહ કરી ગામના કૂવા રીચાર્જ થવાની સાથે પાણીના તળ ઉંચા આવશે તેમ જણાવી અભિનંદન પાઠવ્યા હતા.

આણંદ જિલ્લામાં સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાન અંતર્ગત 666 કામો હાથ ધરવામાં આવ્યા છે અને 400થી વધુ કામો પ્રગતિમાં છે અને બાકીના કામો આગામી બે-ત્રણ દિવસોમાં શરૂ થઇ જશે તેનો ઉલ્લેખ કરી પાણીનો વધુને વધુ સંગ્રહ નદીઓને સાચા અર્થમાં લોકમાતા બનાવીએ એવી ભાવના સાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો. ઝારોલા ગામે યોજાયેલ સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાન માટે વિવિધ દાતાઓ તરફથી રૂા. 9.64 લાખના ચેકો મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તળાવ ઊંડુ કરવાના કામમાં જોતરાયેલા શ્રમિકોને સુખડી અને છાશનું વિતરણ કર્યુ હતું. ઝારોલા ખાતે તળાવ ઊંડુ કરવાનું ખાતમુહૂર્ત કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વર પરમાર, જિલ્લા પ્રભારી સચિવ સી.વી.સોમ, બી.એ.પી.એસ.ના ભગવતચરણ સ્વામી સહિત અન્ય સંતો, સંસદ સભ્ય દિલીપ પટેલ સહિત અગ્રણીઓ પણ શ્રમદાનમાં જોડાયા હતા. પ્રારંભમાં જિલ્લા કલેકટર દિલીપ રાણાએ સ્વાગત પ્રવચન કરી સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાન અંતર્ગત જિલ્લામાં 95 ટકા કામો પ્રગતિમાં છે અને તા.31મી મે સુધીમાં તમામ કામો પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું. જયારે અંતમાં જિલ્લા વિકાસ અધિકારી અમિતપ્રકાશ યાદવે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રભારી સચિવ સી.વી.સોમ, સંસદસભ્ય દિલીપ પટેલ, રાજ્યસભાના સંસદસભ્ય લાલસિંહ વડોદિયા, ખંભાતના ધારાસભ્ય મયુર રાવલ, ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ, પૂર્વ સંસદસભ્ય દિપક પટેલ, જિલ્લા અગ્રણી મહેશ પટેલ અને જીજ્ઞેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય સી.ડી.પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જશવંતસિંહ સોલંકી, પંચાયત સેવા પસંદગી સમિતિના અધ્યક્ષ નરેશ શાહ, જિલ્લા/તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા-તાલુકાના અગ્રણીઓ, ઝારોલા ગામના સરપંચ ધવલ પટેલ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp