BJP સાંસદે કહ્યુંઃ પિત્ઝા-બર્ગર ખાઇ, ખેડૂતો પૈસા લઇ આંદોલન કરી રહ્યા છે

PC: nationalherald.com

ખેડૂત આંદોલન અને ખેતી કાયદાઓને લઇને સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે તો બીજી તરફ રાજકારણીઓ ખેડૂત આંદોલન માટે બેફામ નિવેદન કરવાથી અટકતા નથી. કડકડતી અને હાડ થીજાવી દેતી ઠંડીમાં 48 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતો માટે બીજેપી નેતાએ વિવાદીત નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે.બીજેપી સાંસદ મુનીસ્વામીએ આરોપ લગાવ્યો છે કે દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહેલા ખેડૂતો પૈસા લઇને આંદોલન કરી રહ્યા છે અને પિત્ઝા-બર્ગર અને કેએફસીની જયાફત ઉડાવી રહ્યા છે.

ખેડૂત આંદોલન બાબતે ભાજપના અન્ય નેતાઓ પણ વિવાદીત નિવેદન આપી ચુકયા છે હવે બાકી રહી ગયેલા કર્ણાટકના કોલારના સાંસદ મુનીસ્વામીએ પણ ખેડૂતો માટે વિવાદીત વેણ બોલી દીધા. મુનીર સ્વામીએ કહ્યું હતું કે ખેડૂતો પૈસા લઇને આંદોલન કરી રહ્યા છે અને પિત્ઝા-બર્ગર અને કેએફસીની મોજ માણી રહ્યા છે. મુનીસ્વામી આટલેથી અટકયા નહીં, તેમણે તો એમ પણ કહી દીધું કે આ જે આંદોલન કરી રહ્યા છે તે વચેટીયા છે, ફેક ખેડૂતો છે. તેમણે તો આંદોલનની જગ્યાએ જિમ પણ બનાવી દીધું છે. આ બધા ડ્રામા હવે બંધ થવા જોઇએ.

કેન્દ્ર સરકારના 3 ખેતી કાયદાના વિરોધમાં ખેડૂતો 48 દિવસથી દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ સોમવારે સરકારની આકરી ઝાટકણી કાઢીને કહ્યું હતું કે કેન્દ્ર ખેતી કાયદા પર રોક લગાવે નહીં તો અમે લગાવીશું. છતા રાજકારણીઓ નિવેદન બાજીમાં ઉંચા આવતા નથી. ખેડૂત આંદોલન વિશે નિવેદન આપનાર મુનીર સ્વામી પહેલા નેતા નથી આ પહેલાં કોટાના ભાજપના ધારાસભ્ય મદન દિલાવરે પણ ખેડૂત આંદોલનનને લઇને વિવાદીત નિવેદન આપ્યું હતું.

ખેડૂતો ખેતી કાયદાને પરત ખેંચવાની એક જ રટ લઇને બેઠા છે. અત્યાર સુધીની સરકાર સાથેની 9 બેઠકમાં માત્ર એક જ મુદ્દા પર સમાધાન સધાયું છે. 8 જાન્યુઆરીએ મળેલી મિટીંગમાં ખેડૂતોએ સરકારને કહ્યું હતું કે જે કહેવું હોય તે લખીને આપી દો અમે આંદોલન બંધ કરી દઇશું.

ખેડૂતો એ આગળની રણનીતી નક્કી કરી છે તે મુજબ 13 જાન્યુઆરીએ સંકલ્પ દિવસ તરીકે મનાવવામાં આવશે. આ દિવસે ખેતી કાયદાની કોપી સળગાવશે. 18 જાન્યુઆરી કિસાન મહિલા દિવસ તરીકે મનાવવામાં આવશે. 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિ પર જુદા જુદા ગામોથી ખેડૂતો દિલ્હી રવાના થશે. દરેક ગામમાંથી 5 ટ્રેકટર નિકળશે જેમાંથી એક ટ્રેકટર મહિલાઓનું હશે. 26 જાન્યુઆરીએ ખેડૂતોનું ટ્રેકટર રેલી કાઢવાનું આયોજન છે, જેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp