જીરૂમાં ધૂપ્પલ, ગુજરાતના ખેડૂતો ખરેખર કેટલો પાક લે છે તે આંકડા સાચા છે ખરા?

PC: khabarchhe.com

 

ગુજરાતનું કૃષિ વિભાગ આંકડાની માયાજાળ રચીને ઊંચા ભાવની વસ્તુ પેદા કરતાં કૃષિ પાકોના ઊંચા અંદાજો બતાવીને ખેડૂતની આવક વધારે બતાવવાની ચાલ ચાલી રહ્યું છે. શિયાળુ પાકમાં સૌથી વધું ભાવ જીરુના પાકના રહે છે. ચણા કે ઘઉં કે બીજા પાકના બદલે જીરૂના વાવેતરના આંકડા વધારે બતાવે તો કાગળ પર ઉત્પાદન વધારે બતાવી શકાય છે. તેમ થાય તો સરકારની સફળતા રજૂ કરીને ખેડૂતોને પ્રભાવિત કરી શકાય છે. આવી ગોલમાલ દરેક પાકમાં થઈ રહી હોવાની ખેડૂતોને શંકા છે.

જીરુંના ખેડૂતોની શંકા

2021ના શિયાળામાં જીરુંનું વાવેતર લગભગ પૂરું થઈ ગયું છે. છેલ્લા 3 વર્ષનું જીરૂંનું સરેરાશ વાવેતર 4.06 લાખ હેક્ટર કૃષિ વિભાગ બતાવે છે. ગયા વર્ષે 4.90 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આ વર્ષે 4.70 લાખ હેક્ટર વાવેતર થઈ ગયા છે. જે આખરી આંકડા આવશે ત્યારે 5 લાખ હેક્ટર સુધી પહોંચી શકે છે. આ બાબત શંકા પ્રેરે છે.

20 હજાર હેક્ટર વાવેતર ઘટી ગયું

ગયા વર્ષ કરતાં આ વર્ષે જીરૂંનું વાવેતર જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં 20 હજાર હેક્ટર ઓછું થયું હોવાનું સરકારી ચોપડે છે. પણ ખરેખર તો 2.50 લાખ હેક્ટરથી વધું વાવેતર ન થયું હોવાનું ખેડૂતો સાથેની વાતચિત પરથી સ્પષ્ટ થાય છે. 50 ટકા ઓછું વાવેતર

50 ટકા વાવેતર ઓછું

ગુજરાતમાં સૌથી વધું જીરું દ્વારકામાં 90 હજાર હેક્ટરમાં વાવેતર છે. સુરેન્દ્રનગરમાં 75 હજાર હેક્ટર, બનાસકાંઠામાં 77 હજાર હેક્ટર, મોરબીમાં 25 હજાર હેક્ટર, જામનગરમાં 24 હજાર હેક્ટરમાં જીરૂં  છે. અહીં ગયા વર્ષ કરતાં 50 ટકા ઓછું વાવેતર છે. જોકે ખેડૂતો તો 50 ટકા કરતાં પણ વધું વાવેતર ઘટ્યું છે અને ફત્પાદકતાં આગળના 5 વર્ષોમાં 50 ટકા ઘટી છે.

તલાટી, ગ્રામ સેવકના ખોટા આંકડા

સરકાર દ્વારા ગ્રામ સેવક અથવા તલાટી દ્વારા દરેક ગામમાં દરેક જમીન પર કયા પાકનું વાવેતર થયું છે તે દર અઠવાડિયે માહિતી મેળવીને 55 લાખ ખેડૂતો અને 1 કરોડ ખેતર પરથી માહિતી એકઠી કરે છે. જો ખરેખર સાચી માહિતી મેળવવી હોય તો આખું અઠવાડિયું ક્યારેક ખેડૂતને પૂછવું પડે. તેના બદલે તલાટી અને ગ્રામ સેવક પોતાના પરિચિત બે ચાર ખેડૂતને પૂછીને આખા ગમાના ખેતરની વિગતો કાગળ પર મન પડે તે રીતે લખી નાંખે છે. તે આંકડા તાલુકા કચેરીએ જાય અને ત્યાંથી જિલ્લા સુધી જાય ત્યારે જુદાં આંકડા આવી ગયા હોય છે. આમ કૃષિ વિભાગ આડેધડ વિગતો મૂકીને ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચાડી રહ્યાં છે.

પાણીપત્રક સાચા

દરે વર્ષે ખેડૂતોના પાકની વિગતો સાથે પાણીપત્રક તૈયાર કરવાનું કામ તલાટી કરે છે. ત્યારે સાચા આંકડા જાહેર થાય છે. તેમાં પણ 2 કે 5 વર્ષનો સમય વીતી જાય છે. પાણી પત્રકો પણ ખરા અર્થમાં સાચા નથી હોતા. કોઈ તલાટી ખેતર પર જઈને તપાસ કરતાં નથી કે કયા ખેડૂતે કયા પાકનું વાવેતર કરેલું છે. આમ કૃષિ વિભાગની આંકડાની પદ્ધતિ જ ખોટી છે. ગુજરાતની પ્રજા, ખેડૂતો, વેપારીઓ, ઉદ્યોગો અને વિશ્વના કૃષિ નિષ્ણાંતોને ખોટા આંકડા આપવામાં આવી રહ્યાં છે.

મોબાઈલ ફોન એપ શરૂ કરો

ખેડૂતો માટે મોબાઈલ એપ બનાવીને દરેક ખેડૂત પોતાના ખેતરની રોજે રોજ વાવેતર અને પાકની સ્થિતીની વિગતો જાતે જ જાહેર કરવી જોઈએ. તો આખા રાજ્યનું ચિત્ર રોજ મળી શકે. તેથી ખેડૂતોને એવું પણ કહી શકાય તે હવે વાવતેર બંધ કરો અને આ પાકનું વાવેતર વધારો. પણ સરકારની પોલ ખોલે તેમ હોવાથી આવી એપ મૂકવામાં આવતી નથી. આ એપમાં ખેડૂત પોતે પોતાના પાકના ફોટો મૂકીને નુકસાન અંગે પણ કહી શકે છે. પણ સરકાર તેમ કરવા માંગતી નથી.

સેટેલાઈટ ડેટા કે ઉપગ્રહનો ઉપયોગ કરો

ગુજરાત સરકાર આધુનિક ટેકનોલોજીની વાતો કરે છે. પણ તેમની પાસે વાયસેક અને ઈસરોના ઉપગ્રહ હોવા છતાં તેનો ઉપયોગ પાક વાવેતરની વિગતો મેળવવામાં કરવામાં આવતો નથી. દરેક ખેતરના પાકની માહિતી મેળવવાની ટેકનોલોજી ઈસરો પાસે છે. રોજે રોજની વિગતો તેમાં મેળવી શકાય અને ખેતીનું વિષ્લેશણ કરી શકાય તેમ છે. પાકમાં રોગ, કુદરતી આફતોથી નુકસાન, કયો પાક વાવવો અને કયો ન વાવવો તે સેટેલાઈટ ડેટાથી જાણી શકાય છે. આ ટેકનોલોજી ઈસરો પાસે છેલ્લાં 12 વર્ષથી છે. પણ ગુજરાતની સરકાર તેનો ઉપયોગ કરવા તૈયાર નથી. કરે તો પોલ ખુલી જાય તેમ છે. આંકડાઓની ગોલમાલ થઈ શકે નહીં. સેટેલાઈટ અને મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવે તો 18 હજાર ગામની વિગતો મેળવવા માટે તલાટી અને ગ્રામ સેવકોને જે પગાર ચૂકવવો પડે છે. તેનાથી ઓછા ખર્ચે થઈ શકે છે. વળી ઝડપી ડેટા અને તેનું વિષ્લેષણ બાયસેક કે કૃષિ ભવનમાં રોજે રોજ થઈ શકે છે.

જીરું કેમ ઓછું છે

આ વર્ષે મગફળી દિવાળી પહેલા વહેલી પાકી ગઈ હોવાથી ત્યાં ચણા અને ઘઉંનું વાવેતર ખેડૂતોએ વધું કર્યું છે. આ બન્નેમાં સલામતી વધું અને મજૂરી ખર્ચ ઓછો છે. જ્યારે જીરામાં કોઈ સલામતી નથી હોતી અને મજૂરી વધારે થાય છે. ખેડૂતો કહે છે કે, વધું વરસાદ હોય ત્યારે શિયાળામાં જીરુમાં રોગ વધું આવે છે. આ વર્ષે વધું વરસાદ હોવાથી જમીનમાં ભેજ રહેલો હોવાથી રોગ છે.  ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં રોગ વધું છે. જોકે બીજા વિસ્તારોમાં રોગ ઓછો છે. ઋતુ સારી છે. શિયાળો સારો ચાલ્યો છે. આગળના વર્ષોમાં જીરૂમાં ભારે મોટા રોગ આવતા રહ્યાં છે તેથી આ વર્ષે વાવેતર ઓછું થયું છે. ખેડૂતોએ જીરું વાવવા કરતાં ભાવનગર, અમરેલી ડુંગળી વધું વાવી છે. જામનગર અને આસપાસમાં ધાણા વધું ઉગાડવામાં આવ્યા છે.નહેર વિસ્તારમાં 3 પાણી આવે તો જ જીરૂં વાવે, ઘઉં વધું છે કારણ કે પાણી વધું છે. નહેર વિસ્તારોમાં જીરું સાવ ઓછું છે.

50 ટકા ઉત્પાદન ઘટશે

700થી 750 કિલો હેક્ટર દીઠ ઉત્પાદન થતું હોવાનું કૃષિ વિભાગ કહે છે. પણ ખેડૂતો કહે છે કે તેમણે વાવેતર ઘટાડી દીધું છે. રોગ અને હવામાનના કારણે થોડા વર્ષોથી હેક્ટરે ઉત્પાદન થતું હતું તે પણ 50 ટકા ઘટી ગયું છે. આમ ખોટાં આંકડા ઊભા કરીને કૃષિ વિભાગની ધારણાં વધું ઉત્પાદન બતાવવાની છે. સરેરાશ 23.50 હજાર ટન જીરું પાકતું હોવાનો સરકારી અંદાજ છે. પણ તેમાં 30થી 50 ટકા સુધી ઘઠાડો થશે. પણ તેમાં જંગી ઘટાડો થશે. ઊંઝા બજારના વેપારીના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષ કરતાં આ વર્ષ જીરૂના પાકમાં જંગી ઘટાડો છે. પણ ઋતુ અને પાક સારા છે.

 વાવેતર કઈ રીતે વધ્યું

 2015-16, 16-17, 17-18ના વર્ષની સરેરાશ વાવેતર 3.14 લાખ હેક્ટરની હતી. તો પછી તેમાં એકાએક વધારો કઈ રીતે થઈ શકે ?

 230 પાકની વિગતો

 આમ આંકડાઓ ગેરમાર્ગે દોરનારા છે અને સરકારે જેમ બને તેમ ઝડપથી આધુનિક ટેકલોનોજી મોબાઈ એપ અને ઉપગ્રહનો ઉપયોગ શરૂ કરી દઈને સરકારના કરોડો રૂપિયા બચાવીને ખેડૂતોની સાચી વિગતો જાહેર કરવી જોઈએ. ગુજરાતમાં ઉગાડાતાં 230 જેટલા પાકની વિગતો સીધી મળે એવી વ્યવસ્થ થઈ શકે તેમ છે. પણ સરકારે કેમ કરતી નથી તે એક મોટો સવાલ ખેડૂતોના મનમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp