ગુજરાતમાં 100 ટકાથી વધુ વરસાદ છતા આ પાકોને થશે ભારે નુકસાન

PC: khabarchhe.com

ગુજરાતમાં ચાલુ વર્ષે થયેલા સારા વરસાદથી એકંદરે ઉત્પાદન વધશે તેની સાથે પાકમાં ભારે નુકશાન થાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોએ ખરીફ પાક પૈકીના બાજરી, જુવાર, તલ, મગ, અડદ, મગફળીના કેટલાંક  વિસ્તારના પાકને ભારે નુકશાન થયું હોવાના અહેવાલો છે. તલ, બાજરી, જુવાર, મગ, અડદ જેવા કઠોળ જેવો પાક વધારે પડતા વરસાદના કારણે નિષ્ફળ છે.

તલ ને તૂવેરનો પાક સાફ 

તલને તુવેરનો પાક સદંતર નિષ્ફળ જ ગયા છે. તેને કારણે તલનો પાક લેતા ખેડૂતોને ભારે નુકશાન ઉઠાવવાના દિવસ આવી ગયા છે. રાજ્યમાં આ વર્ષે તલનું વાવેતર અંદાજે 1.16 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું છે. લગભગ મોટાભાગનાં તલના પાકમાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.

મગફળીના પાકમાં જીવાત આવી 

ચાલુ વર્ષે ગુજરાતમાં અંદાજે 15 લાખ 50 હજાર 503 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ગયા વર્ષે આ વાવેતર 14 લાખ 67 હજાર 582 હેક્ટરમાં થયું હતું. આ વર્ષે ખેડૂતોએ વાયુ વાવાઝોડા સમયે થયેલા વરસાદને કારણે મગફળીનું વાવેતર શરૂ કરી દીધું હતું. તેની ઉપર ફૂલ પણ આવવા માંડ્યા છે. ફૂલ હજુ ખીલે અને ડેડો બને તે પહેલાં ભેજ અને વાદળછાયા વાતાવરણને કારણે ફૂગ આવી ગઈ છે. જીવાત પડી જવાથી મગફળીનો ઘણો પાક ખતમ થવાની તૈયારીમાં છે. ફૂગ અને જીવાતના કારણે ફૂલ ખીલીને ડેડો બને તે પહેલાં જ તે ખતમ થઈ ગયું છે ત્યારે આ પાક સફળ થાય એવી શક્યતાઓ હાલના સંજોગોમાં તો નહિવત છે.

કપાસમાં મોલ આવી 

રાજ્યમાં કપાસનું વાવેતર અંદાજે 26.66 લાખ હેક્ટરમાં કરવામાં આવ્યું હતું. ફૂલ-ભમરી અને જીંડવા બેસવાનુ પ્રમાણ વધ્યું હતું. સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને તેના કારણે ઊભા કપાસના પાક પડી જવાના કારણે અને કપાસના ફૂલ-ભમરી પણ ખરી જતાં તેને ભારે નુકસાન થયું છે. 

હવે શું?

ગ્રામ સમિતિ અછતગ્રસ્ત, અતિવૃષ્ટિ કે ક્રોપ કટિંગની કામગીરીનું રોજકામ કરી ખેડૂતોના પાકવીમાનું નિર્ધારણ થતું હોય છે. ગયા વર્ષે ગુજરાતભરમાં ખેડૂત આગેવાનોએ કરેલી લડતના કારણે આ ગ્રામ સમિતિઓ પહેલી વખત અસ્તિત્વમાં આવી છે નહિતર આ બધી જ સમિતિઓ કાગળ પર જ બની જતી અને કાગળ પર જ તમામ રિપોર્ટ થઈ જતા. હવે આ ગ્રામ સમિતિઓ અસ્તિત્વમાં આવી જ છે તો તેમની પાસેથી ખેડૂતોની પરિસ્થિતિ પ્રમાણે કામ લેવું એ ખેડૂતોનો હક્ક અને ફરજ બન્ને છે. પાકવીમા કંપનીઓ સરળતાથી ખેડૂતોને કાઈ વળતર આપશે નહિ પણ લડત કરવી જરૂરી છે. જેથી સરકાર અને ખાનગી વીમા કંપનીઓને પણ સમજાય કે હવે ખેડૂત જાગૃત થઈ ગયો છે. તંત્રનું લોલંલોલ હવે નહિ ચાલે. જે જે ગામમાં ખેડૂતોના સામૂહિક ખેતરોમાં પાણી ભર્યા છે, જે જે ગામોમાં રેચ ફૂટી ગયા છે તેવા તમામ ગામોના ખેડૂતો અરજી તૈયાર કરે અને ગ્રામ સમિતિ દ્વારા નુકશાનીની આકારણી અને વળતરની માગણી કરવામાં આવે. એવું કૃષિ વાભાગ તરફથી કહેવામાં આવ્યું છે. 

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp