સમી પંથકમાં કાળી ઇયળો મહામુલો પાક બરબાદ કરતા ખેડૂતો ચિંતિત, જુઓ વીડિયો

પાટણના વધિયાર પંથક એવા સમી શંખેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને વાવેતર બાદ પાણી તો નથી મળી રહ્યું, પરંતુ હવે ખેતરોમાં કાળી જીવાતોના ઉપદ્રવે ખેડૂતોની ચિંતામાં વધારો કરી દેતા ખેડૂત ચિંતિત બની જવા પામ્યો છે.

પાટણ જિલ્લાના સમી અને શંખેશ્વર તાલુકા વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું છે. મોંઘા ભાવનું બિયારણ લાવી ખેડૂતોએ જીરાનું વાવેતર તો કર્યું છે પણ પાકની મુખ્ય જરૂરિયાત પાણી વગર જીરાનો પાક નિષ્ફળ જવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતિત છે. જો કે આ ચિંતામાંથી ખેડૂત બહાર નથી આવી શક્યો ત્યાં જ જીરાના પાકમાં કાળી ઇયળો દેખા દેતા ખેડૂતોના જીવ પડીકે બંધાઈ જવા પામ્યા છે. આ ઇયળ ખેતરનો પાક ખાઈ રહી છે. એક તરફ પાણી માટે વલખા તો બીજી તરફ કાળી ઇયળોનો પ્રકોપ આ બંને મુસીબતોને લઈ ખેડૂતોમાં નિરાશાની સાથે ચિંતા ફેલાઈ ગઈ છે.

ચાલુ વર્ષે જિલ્લામાં ચોમાસુ નિષ્ફળ ગયું છે, તેમ છતા ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું છે. જેનો દોઢથી બે લાખ રૂપિયા સુધીનો ખર્ચ થયો છે. ખેડૂતોએ દેવા કરીને ખેતી કરી પણ હવે ક્યારેય જોઈ ન હોય તેવી ઇયળો ખેતરમાં નજરે પડતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. આ ઇયળ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેવી રીતે ખેડૂતોનો મહામુલો પાક ખાઈ જાય છે. જો કે ખેતીવાડી વિભાગ આ ઇયળ વિશે હજી સુધી કંઈ કહેવા કે સમજવા તૈયાર નથી. જિલ્લામાં ખેડૂતોએ અત્યાર સુધી 55,833 હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર કર્યું છે. જે વાવેતરને હાલમાં તો પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. તો સાથે જ ખેતીવાડી વિભાગ કાળી ઇયળોના ઉપદ્રવ વિશે પણ ખેડૂતોને યોગ્ય માહિતી પૂરી પાડે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp