ખેડુતોને ફેન્સીંગ માટે અપાતી સહાય માટે આખરી તારીખ કઈ?

PC: thehindu.com

રાજ્ય સરકારે પાણીની બચત કરી સૂક્ષ્મ પિયત અપનાવતા ખેડૂતોને વિશેષ સહાય આપવા અનેકવિધ યોજના અમલમાં મૂકી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સબળ નેતૃત્વમાં રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લી. દ્વારા પાણીના પાકા ટાંકા બનાવવા તેમજ જંગલી જાનવરોથી કૃષિપાકની સુરક્ષા માટે ખેતર ફરતે ફેન્સીંગ કરવા માતબર સહાય આપવાનું નક્કી કર્યુ છે. આ માટે આઇ-ખેડૂત પોર્ટલ વેબસાઇટ પર 25 ફે્બ્રુઆરી સુધીમાં અરજી કરવા પણ ખેડૂતોને જણાવાયું છે.

રાજ્ય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના વિવિધ ખાતાઓ અને નિગમો માટેની ખેતી વિષયક સહાયકારી યોજનાનો લાભ મેળવવા આઇ-ખેડૂત પોર્ટલ તૈયાર કરાયું છે અને આ સાઇટ ઉપર ઓન લાઇન અરજી કરી શકાય છે. તે અંતર્ગત ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લી. કે જે રાજ્ય સરકારની 100% માલિકીનું જાહેર સાહસ છે. જે જળ અને જમીન સંરક્ષણ ક્ષેત્રે ટેરેસીંગ, લેન્ડ લેવનીંગ, નાળા પ્લગીંગ, કન્ટુર બન્ડીંગ, ક્યારી બનાવવી, ખેત તલાવડી, સીમ તલાવડી, વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રક્ચર, ગામ તળાવ ઉંડા કરવા, પ્‍રકોલેન્ક ટેન્ક વગેરે કામગીરી કરવામાં આવે છે. નિગમ દ્વારા સૂક્ષ્મપિયત કરનારા ખેડૂતના ખેતરમા પાણી સંગ્રહ કરવા માટે પાણીના ટાંકા બનાવવા માટે 5 લાખની મર્યાદામાં સામાન્ય વર્ગના મોટા ખેડૂતો માટે 50% સહાય, નાના અને સીમાંત ખેડૂતો માટે 75% સહાય આપવામાં આવે છે, જે ખેડૂત ખાતેદારે સુક્ષ્મ પીયત પદ્ધતિ- ફુવારા પદ્ધતિ અપનાવેલ હોય તેમને જ યોજનાનો લાભ મળે છે.

આ ઉપરાંત નીલગાય અને ભૂંડ જેવા જાનવરોથી ખેતીના પાકને થતુ નુકશાન અટકાવવા માટે ખેતરને ફરતે ફેન્સીંગ બનાવવા 300 પ્રતિ રનીંગ મીટર ખર્ચની મર્યાદામાં સામાન્ય વર્ગના ખેડૂતો માટે 50% સહાય, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ માટે 80% સહાય આપવામાં આવે છે. જેમાં સામાન્ય વર્ગના ખેડૂતો માટે ઓછામાં ઓછો 10 હેક્ટરનો કલસ્ટર તથા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે ઓછામાં ઓછો 5 હેક્ટરનો કલસ્ટર બનાવવાનો રહેશે. આ યોજનાઓનો લાભ રાજ્યના ખેડૂતો લઇ શકે તે માટે આઇ-ખેડૂત પોર્ટલના માધ્યમથી ઓન લાઇન અરજીની નોંધણી કરાવવા ખેડૂતોને જણાવવામાં આવે છે.

નિગમની યાદીમાં જણાવ્યાનુસાર નોંધણીના આધારે આનુસાંગિક રેકર્ડ તેમજ લાભાર્થીના દસ્તાવેજ તેમજ સ્થળ ઉપરની પરિસ્થિતિની વિગતોના આધારે સહાય ચૂકવવામાં આવે છે. ખેતર ફરતે વાડની અને સૂક્ષ્મ પિયતમાં પાણીના ટાંકા બનાવવા બાબતની યોજનાકીય કામગીરીને રાજ્ય સ્તરે સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે, ત્યારે લાભાર્થીઓની રજુઆત અને ખેડૂતલક્ષી અસરકારક ફાયદાઓને ધ્યાને લઇ વધુમાં વધુ લાભાર્થીઓ નિગમની યોજનાનો વિશાળ સ્થળે લાભ લઇ શકે તે માટે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લી. ગાંધીનગર તરફથી આઇ-ખેડૂત પોર્ટલ વેબસાઇટ લાભાર્થી ખેડૂતો માટે 25મી સુધી ખુ્લ્લી રાખવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp