વિશ્વમાં પહેલીવાર ડ્રોનથી ખેતરમાં નેનો યુરિયાના છંટકાવનો CMએ કરાવ્યો પ્રારંભ

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વખત ડ્રોન ટેક્નોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવનો ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના ઇસનપુર મોટા ગામથી શુભારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડ્રોનમાં નેનો યુરિયા ભરીને, ડ્રોન ઓપરેટ કરીને રાજ્ય સરકારની આ ઐતિહાસિક પહેલનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતોની આવક બમણી કરવા સતત પ્રયત્નશીલ છે. ખર્ચ ઘટે અને ઉત્પાદકતા વધે એવા પ્રયત્નો કરાઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા અમે એ દિશામાં મહત્વનું પગલું ભર્યું છે.

સરકારે જણાવ્યું હતું કે, કૃષિ વિમાન-કિસાનનું વિમાન એટલે ડ્રોન. એવી ઓળખ આપીને ડ્રોન ટેક્નોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવની સો ટકા રાજ્ય પુરસ્કૃત યોજનાનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે વર્તમાન સમયમાં હવે કોઈએ દેશ માટે મરી ફીટવાની જરૂર નથી હવે સૌએ દેશનું ગૌરવ વધે એ રીતે જીવન જીવવાની જરૂર છે. પ્રાકૃતિક સંપદાનું જતન અને સંવર્ધન થાય એ રીતે જીવવાનું છે. નેનો યુરિયાના ઉપયોગથી રાસાયણિક ખાતરોની આયાતમાં ખર્ચાતું વિદેશી હૂંડિયામણ બચશે અને સબસીડીનો ખર્ચ પણ ઘટશે. એટલું જ નહીં, ડ્રોન દ્વારા નેનો યુરિયાના છંટકાવથી પાણીની પણ બચત થશે. નાની નાની વસ્તુઓની કાળજી લેવાથી આપણે દેશની મોટી સેવા કરી શકીશું.

સરકારે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પ્રગતિ કરી રહ્યું છે અને એમાં ગુજરાત 'ગ્રોથ એન્જિન' બન્યું છે, એમ કહીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, કોરોનાકાળમાં મોટા મોટા દેશોએ પણ પોતાની પ્રજાને પોતપોતાના હાલ પર છોડી દીધી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌના સાથ-સૌના વિકાસ-સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસથી ભારતને સાંગોપાંગ ઉગાર્યું છે. એટલું જ નહીં, સૌને વિનામૂલ્યે વેક્સિન આપીને ઐતિહાસિક કામ કર્યું છે. ધંધા-રોજગારની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને જરૂરીયાતમંદ વ્યક્તિઓને વિનામૂલ્યે રાશન આપ્યું છે. આવા કપરાકાળમાં પણ કોઈ મુશ્કેલીમાં ન મુકાય એવા પ્રયત્નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા છે.

સરકારે જણાવ્યું હતું કે, દેશ અને દુનિયામાં ડ્રોન ટેક્નોલોજી દ્વારા સૌપ્રથમ વખત ગુજરાતના ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ થઈ રહ્યો છે એ માટે તેમણે ખેડૂતોને અભિનંદન આપ્યા હતા. તા. 13 થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાઈને પોતપોતાના ઘર ઓફિસ કે વ્યવસાયની જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવા ઉપસ્થિત સૌને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી.

વિશ્વમાં સૌ પ્રથમ વખત ડ્રોન દ્વારા નેનો યુરિયાનો છંટકાવ કરવાનો આરંભ કરવામાં આવ્યો છે, તેનો આનંદ વ્યક્ત કરીને ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની સમૃઘ્ઘિ, સલામતી અને આર્થિક ઉન્નિતનું સ્વપ્ન જોયું છે. જેને સફળ બનાવવા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ ઘપી રહ્યા છે.

નેનો યુરિયાનું સંશોઘન વિશ્વમાં સૌ પ્રથમ ઇફકોએ કર્યું છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રઘાનએ ઘરતી અને વાયુના રક્ષણ તથા સૌ નાગરિકોના આરોગ્યની સલામતી માટે યુરિયાના વપરાશને ઘટાડવા અનુરોઘ કર્યો હતો. ઇફકોના સંશોઘકોએ નવીન પ્રયોગો હાથ ઘરીને નેનો યુરિયાનું નિર્માણ કર્યું છે.

સહકારથી સમૃઘ્ઘિ ના સૂત્રને સાર્થક કરવા ઇફકોએ નેમ લીઘી છે, તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોની સંસ્થા એવી ઇફકોએ 20 ટકા ડિવિડન્ડ આપ્યું છે. તે ઉપરાંત ગુજકોમાસોલ જેવી અનેક ખેડૂતોની સંસ્થાઓ ખેડૂતોને સારામાં સારું ડિવિડન્ડ આપી રહી છે. ડ્રોન થકી નેનો યુરિયાનું કામ ખેડૂતો ઝડપથી કરી શકશે. કૃષિક્ષેત્રે નવી ક્રાંતિની દિશામાં ખેડૂતોએ આ ટેક્નોલોજી થકી ડગ માંડયા છે.

ખેતી નિયામક એસ.જે. સોલંકીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ વઘે તે માટે રાજય સરકારે બજેટમાં રૂ. 35 કરોડની જોગવાઇ કરી છે. જેના થકી 1.40 લાખ એકરમાં એટૂસોર્સ અને આઇ.ખેડૂત પોર્ટલ પધ્ધતિથી કામગીરી કરવામાં આવનાર છે. ગામોના કલસ્ટર બનાવી સંબંઘિત જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોના નામની યાદી તૈયાર કરવામાં આવશે. તેમના ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ ડ્રોન થકી કરીને ઇફકો દ્વારા એવેલ્યુશન રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ કાર્યને સુચારુ રીતે કરવા માટે ઇફકો સંસ્થા દ્વારા રાજયમાં 35 ડ્રોન લાવવામાં આવ્યા છે. ફિલ્ડ સ્ટાફને તાલીમબદ્ધ કરવામાં પણ આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, આઇ- ખેડૂત પોર્ટલ પધ્ધતિ મારફતે રૂ. 23 કરોડનો ખર્ચ થનાર છે. 92 હજાર એકરમાં નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવશે. વ્યક્તિગત ખેડૂતોએ આ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇસનપુર મોટા ગામના મહેશ આર. પટેલના ખેતરમાં ડ્રોનથી નેનો યુરિયાના છંટકાવની કામગીરીનું નિર્દશન નિહાળ્યું હતું. તેમજ આ સમગ્ર કામગીરીની વિસ્તૃત માહિતી પણ મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp