મરચાની ખેતીમાં 3 વર્ષથી માલામાલ, છતા ભારત અને વિશ્વના ખેડૂતો કરતા ગુજરાત પછાત

PC: patrika.com

ગુજરાતમાં સૂકા મરચા માટે ખેતીમાં છેલ્લાં 3 વર્ષથી પૈસા કમાવાનું શ્રેષ્ઠ સાધન બની ગયું છે. મોટા ખેતરો ધરાવતાં મરચાના ખેડૂતો લાખોપતિ થઈ ગયા છે. તેથી આ ચોમાસામાં મરચાનું વાવેતર 25 ટકા વધે એવી ખેડૂતો તૈયારી કરી રહ્યાં છે.

2020માં 22 હજાર હેક્ટર વાવેતર થયા હતા. જે 2021માં 25થી 28 હજાર હેક્ટરમાં વાવેતર થાય એવી શક્યતા ખેડૂતો તરફથી બતાવવામાં આવી રહી છે.ગોંડલમાં ખેડૂતોને એક વીઘા દીઠ રૂપિયા 1 લાખથી રૂપિયા 1.25 લાખનું વેચાણ થયું હતું. સારા ભાવ મળતાં વાવેતર વધતાં ભાવ નીચા આવશે. ભારતના બીજા રાજ્યોના ખેડૂતોની સરખામણીએ ગુજરાતના ખેડૂતો ઉત્પાદન મેળવવામાં પછાત છે.

ભારતની સરેરાશ ઉત્પાદકતા 2400 કિલોની છે. ગુજરાતના ખેડૂતો 1900-2000 કિલો ઉત્પાદન એક હેક્ટરે કરે છે. આમ એક હેક્ટરે ગુજરાતના ખેડૂતોને 500 કિલોની ખોટ જતી હોવા છતાં 3 વર્ષથી ખેડૂતો માલામાલ થઈ ગયા છે.

ભારતમાં હિસ્સો

ભારતમાં મરચાંનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય આંધ્રપ્રદેશ 26% સાથે આગળ છે. મહારાષ્ટ્ર 15%, કર્ણાટક 11%, ઓરિસ્સા 11%, મધ્યપ્રદેશ 7%, ગુજરાત 2% અને બીજા રાજ્યો 20% ઉત્પાદન ધરાવે છે.  

વિશ્વમાં ગુજરાતના ખેડૂતો

વિશ્વમાં ચીનના ખેડૂતો 6820 કિલો મરચા હેક્ટરે પેદા કરે છે. જે વિશ્વમાં સૌથી વધું છે. ગુજરાત કરતાં પાકિસ્તાનના ખેડૂતો વધું મરચા પેદા કરે છે. આંધ્ર પ્રદેશના ખેડૂતો 2017 પ્રમાણે હેક્ટર દીઠ 4580 કિલો મરચા પેદા કર્યા હતા.

આમ ગુજરાતના ખેડૂતો વિશ્વ કક્ષાએ અને ભારત કક્ષાએ અત્યંત પાછળ છે. ગુજરાતના ખેડૂતોને સારા બિયારણ આપવામાં 4 કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓ સદંતર નિષ્ફળ રહ્યાં છે. ગુજરાતના ખેડૂતોએ દેશના ખેડૂતો સામે ટકી રહેવું હોય તો આંધ્ર પ્રદેશનું બિયારણ લાવીને ઉગાડવું જોઈએ.

ગોંડલના ખેડૂતોની શ્રેષ્ઠ ઉત્પાદકતા

ઉત્પાદકતામાં ગોંડલના ખેડૂતો દેશની સરેરાશ સાથે ટોચ પર છે. 2380 કિલો એક હેક્ટરે પેદા કરે છે. કારણ કે ગોંડલના દેશી મરચાને તિલાંજલી આપી દેવામાં આવી છે. ગોંડલમાં હવે હાઈબ્રિડ મરચા પકવે છે. તેથી ગુજરાતમાં ઉત્પાદકતા મેળવવામાં પ્રથમ ક્રમે છે.

બીજા ક્રમે અમરેલી મરચાના ઉત્પાદનમાં આવે છે. જ્યાં 2250 કિલો મરચું ખેડૂતો એક હેક્ટરે પેદા કરે છે. કડી-કલોલ મરચાની ઉત્પાદકતામાં ત્રીજા નંબર પર છે. જેનું મરચું દેશભરમાં જાય છે.

300 કરોડના મરચા

ગુજરાતમાં 50 હજાર જેટલાં ખેડૂતો વર્ષે રૂપિયા 200-300 કરોડનું મરચું પેદા કરે છે. જેમાં હજારો ખેડૂતો સારા નાણાં કમાયા છે.જોકે શાકભાજીમાં વપરાતા લીલા મરચા સાથે કુલ ઉત્પાદન તો ઘણું વધારે થાય છે. સૂકા મરચા માટે ખેડૂતોએ 5 મહિના મહેનત કરવી પડે છે. 20 કિલો સૂકા મરચામાંથી 3 કિલો લાલા મરચા બને છે. જેનો પાઉડર બનાવીને ઉદ્યોગપતિઓ વેચે છે.

ગોંડલના ખેડૂતો

ગોંડલમાં ઉત્પાદકતા વધું મળતી હોવા પાછળ નવા બિયાણો છે. જેમાં રેશમપટ્ટા, રેવા, શાનિયા, 220, 035, 735 જાતોનું વાવેતર થાય છે. અહીંના એપીએમસી બજારમાં રોજની 2500 ભારીના સોદા થાય છે. જે ગુજરાત અને ગુજરાત બહારના વેપારીઓ લઈ જાય છે. ગુજરાતના કુલ ઉત્પાદનમાં ગોંડલનું મરચું 9 ટકા હિસ્સો ધરાવે છે.

રોજનું 2500 ભારીનું વેચાણ થાય છે. કુલ 1100-1200 ટન મરચા ગોંડલમાં પાકે છે. ગુજરાત બહારના વેપારીઓ આવે છે. તેઓ ચોખ્ખા મરચાનો પાઉડર કરવાના બદલે તેમાં ડીંડલા, પાન ભેળવીને ધંધો કરી લે છે. વળી ગુજરાતમાં મરચામાં કુકડનો વાયરસ રોગ આવે ત્યારે ખેડૂતો બેફામ દવા છાંટે છે. તેથી નિકાસમાં નમુના નિષ્ફળ જાય છે.

ગોંડલમાં રેશમ પટ્ટા 42507 ક્વિન્ટલ, ઘોલર 10208 ક્વિન્ટલ ઉત્પાદન થાય છે. હવે કાશ્મિરી મરચું ઉગાડવાની શરૂઆત થાય છે. 2021માં કાશ્મિરી મરચાની સારી આવક થઈ હતી. 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp