ખેડૂતોની આવક બમણી કરવાનો સરકારનો નિર્ધાર: પુરુષોત્તમ રૂપાલા

PC: khabarchhe.com

કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે, ખેડૂતો અને નાગરિકોના સામૂહિક જનહિતના કામો માટે કેન્દ્ર સરકાર સદાય તત્પર છે અને સરકારનું મન હર હંમેશ ખુલ્લું છે. નાગરિકોના મત મેળવીને તેમના સૂચનો થકી કેન્દ્ર સરકાર આગામી સમયમાં વિઝન ડોક્યુમેન્ટ પણ તૈયાર કરશે. આજે કોબા ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત સહકારી સંમેલન 2019ને ખુલ્લુ મુકતા મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ઉમેર્યું હતું કે, વર્ષ-2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સપનું સેવ્યું છે એ ચોક્કસપણે સાકાર કરાશે.

આ માટે તાજેતરમાં જ 1 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ. 2,000નો પ્રથમ હપ્તો વડાપ્રધાનએ જમા કરાવી દીધો છે. તેમણે કહ્યું કે, ખેડૂતો દ્વારા રાષ્ટ્રના નાગરિકોની ભૂખ ભગાવવા માટે જે પરિશ્રમ થઇ રહ્યો છે એને સન્માનિત કરવા માટે કેન્દ્ર સરકારે કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરી છે. જે હેઠળ પ્રતિવર્ષ રૂ.6,000ની વાર્ષિક સહાય ખેડૂતોને અપાશે. જે માટે રૂ.75 હજાર કરોડ કેન્દ્ર સરકાર ખર્ચ કરશે. ગામડાઓને સમૃદ્ધ કરવા માટે પણ દેશભરની 2.5 લાખ ગ્રામ પંચાયતોમાં વિકાસ માટેની ગ્રાન્ટ સીધી કેન્દ્ર સરકાર તેના ખાતામાં જમા કરાવે છે. આયુષ્માન ભારત યોજના હેઠળ પણ રૂ. 5 લાખની મર્યાદામાં વિનામૂલ્યે આરોગ્ય સારવાર આપવામાં આવે છે. જેના દ્વારા દેશભરના 50 કરોડથી વધુ લાભાર્થીઓ લાભાન્વિત થશે.

પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે, ગુજરાતનું સહકારી માળખું દેશભરમાં સૌથી શ્રેષ્ઠ છે ત્યારે વડાપ્રધાનના ખેડૂતોની આવક બમણી કરવાના સપનાને સાકાર કરવામાં શિરમોર ભૂમિકા અદા કરીને દેશને રાહ ચિંધશે એવો મને વિશ્વાસ છે. તેમણે કહ્યું કે, ખેતીની સાથે સાથે મત્સ્યોદ્યોગ, પશુપાલન, મધમાખી ઉછેર જેવા એલાઇડ વ્યવસાય થકી પણ કિસાનો આગળ વધશે તો ચોક્કસ પરિણામ મળશે. તેમણે ખેડૂતોને આધૂનિક ટેકનોલોજીના માધ્યમ દ્વારા વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માટે પણ અપીલ કરી હતી.

રાજ્યના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે સહકારી સંમેલન માટે ગુજરાત રાજ્ય સહકારી સંઘને અભિનંદન આપતાં કહ્યું કે, ‘વિના સહકાર નહીં ઉદ્ધાર’ના સુત્રને સાર્થક કરીને રાજ્યનું માળખું દેશભરમાં અગ્રેસર છે ત્યારે વડાપ્રધાનના ખેડૂતોની આવક બમણી કરવાના સપનાને સાકાર કરીને ગુજરાત સમગ્ર દેશને ચોક્કસ નવો રાહ ચિંધશે. તેમણે ઉમેર્યું કે, નાના, મધ્યમ અને સીમાંત ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવામાં પણ સહકાર ક્ષેત્રનો જ સિંહ ફાળો રહ્યો છે. ત્યારે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ક્ષેત્રે ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને અનેકવિધ નવતર આયામો ખેડૂતો માટે હાથ ધર્યા છે. ખેડૂતદીઠ રૂ. 3 લાખની લોન ઝીરો ટકા વ્યાજથી મળે તે માટે રાજ્ય સરકારે રૂા.500 કરોડનું કોપર્સ ફંડ પણ ઉભું કરીને સરકાર ખેડૂતોના પડખે ઉભી જ છે. એ જ રીતે રાજ્યના દૂધ સંઘોનો પણ પાવડરનું વ્યાપક ઉત્પાદન થયું ત્યારે પાવડરના નિકાસ માટે સબસીડી અને સહાય પેકેજ જાહેર કર્યું છે. શેરડી પકવતા ખેડૂતો માટે પણ અનેકવિધ પગલાં લીધા છે.

તેમણે ઉમેર્યું કે, રાજયની ખેત ઉત્પાદન બજાર સમિતિઓ માટે પણ કાયદામાં ઐતિહાસિક સુધારો કર્યો છે. માર્કેટ યાર્ડો પણ ખેત પેદાશોના ગ્રેડેશન, પ્રોસેસિંગ તથા પેકેજિંગ કરી શકશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 78 હજારથી વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત છે. જેમાં 1.65 કરોડથી વધુ સભાસદો છે ત્યારે આ સહકારી સંસ્થાઓ પણ ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવામાં અનેરૂ પ્રેરક બળ પુરુ પાડી રહી છે. આ સંમેલન પણ રાજ્યના તમામ ગામડાંઓ સુધી અત્યાધુનિક ખેતી પદ્ધતિથી ખેતીના લાભો માટે માર્ગદર્શક પુરવાર થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત સહકારી મહાસંમેલન કાર્યક્રમ પ્રસંગે ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામ એચ અમીને જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવા માટે સહકારી માધ્યમોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. સહકાર અને સરકાર સાથે મળીને ખેડૂતોના ઉત્થાન માટે કામ કરી રહી છે તે જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખેડુતોની આવક બમણી કરવાનું સ્વપ્ન 2022 સુધીમાં પૂરું થઈ જશે તેમ કહેવું અતિશયોક્તિભર્યું નથી. ઘનશ્યામ અમીને વધુમાં ઉમેર્યું હતું કે ખેતીમાં અત્યાધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહેલા પ્રોત્સાહનો ખેડૂતોની બમણી આવકના સ્વપ્નને જલ્દીથી સાકાર કરી શકશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની દૂરંદેશી સરકારે ટેકનોલોજીયુક્ત સોઈલ ટેસ્ટ, સુધારેલા બિયારણનો ઉપયોગ, પાકમાં દવા છંટકાવની પદ્ધતિઓ તથા પ્રમાણસર પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો તે સહિતની જરૂરી માહિતી વિવિધ માધ્યમોની મદદથી ખેડૂતોને પૂરી પાડી રહી છે. આ જ પદ્ધતિનાં ઉપયોગથી જાપાન ભારત કરતા પ્રતિ હેક્ટરે ડબલ ઉત્પાદન કરે છે અને કેનેડા અઢી ગણુ ઉત્પાદન કરે છે.

આ પ્રસંગે નાફેડના વાઇસ ચેરમેન સુનિલકુમાર સિંગ અને અપેડાના ચેરમેન પબનકુમાર બોરઠાકુરે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતુ કે કોઈપણ પ્રદેશના વિકાસ માટે સહકારી ક્ષેત્રોનું યોગદાન મહત્ત્વનું સાબિત થયું છે. સહકારી માધ્યમોને જોડીને સરકાર દ્વારા કરવામાં આવતા યોજના લક્ષી કાર્યક્રમો ખેડૂતોની આવક બમણી કરવા માટે મહત્ત્વપૂર્ણ બની રહે છે. એક માત્ર ગુજરાતમાં સહકારી સમિતિઓ મજબૂત છે. ગુજરાતની જેમ સહકારી સમિતિઓ મજબૂત થશે એ જ પ્રદેશ પોતાનો તથા ખેડૂતોનો વિકાસ કરી શકશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓનો મહત્તમ ઉપયોગ કરીને તેનો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનાં હસ્તે સહકારી પ્રવૃત્તિઓમાં ઉપયોગી બની રહે તેવા ખાસ સ્મૃતિ ગ્રંથ 'સહકારે કૃષિ સમૃદ્ધિ' સુવેનિયરનું વિમોચન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સહકારી પ્રવૃત્તિઓ માટેના અનન્ય યોગદાન બદલ ઘનશ્યામ અમીનનું સિલ્વર જ્યુબલી એવોર્ડથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજકોમાસોલ ચેરમેન દિલીપ સંઘાણી, ગુજરાત રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીન, રાજ્ય સહકારી સંઘના માનદ મંત્રી ભીખુ પટેલ, નાબાર્ડનાં સીજીએમ સુનિલ ચાવલા, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ સહિત કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા સહકારી આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp